ઉચ્ચ શૈક્ષણિક સંસ્થાઓમાં ગુણવત્તા પ્રત્યે જાગૃતિ લાવવામાં NAACની ભૂમિકા પ્રશંસનીય:- રાજ્યપાલ

NAAC દ્વારા તૈયાર થયેલાં “ગુજરાત રાજ્યની માન્યતા પ્રાપ્ત ઉચ્ચ શિક્ષણ સંસ્થાનાં રાજ્ય સ્તરીય વિશ્લેષણ રિપોર્ટ”નું બૈંગલુરુ ખાતે વિમોચન કરતાં રાજ્યપાલશ્રી
ગુજરાતના રાજ્યપાલશ્રી આચાર્ય દેવવ્રતે બૈંગલુરુ સ્થિત રાષ્ટ્રીય મૂલ્યાંકન અને પ્રત્યાયન પરિષદ- NAAC ખાતે પરિષદ દ્વારા તૈયાર કરાયેલા “ગુજરાત રાજ્યની માન્યતા પ્રાપ્ત ઉચ્ચ શિક્ષણ સંસ્થાના રાજ્ય સ્તરીય વિશ્લેષણ રિપોર્ટ”નું વિમોચન કર્યું હતું.
રાજ્યપાલશ્રીએ ગુજરાતના શિક્ષણ વિભાગના ઉચ્ચ અધિકારીઓ અને રાજ્યની વિવિધ યુનિવર્સિટીઓના કુલપતિશ્રીઓની ઉપસ્થિતિમાં આ રિપોર્ટનું વિમોચન કરતા જણાવ્યુ હતું કે, ઉચ્ચ શૈક્ષણિક સંસ્થાઓમાં ગુણવત્તા પ્રત્યે જાગૃતિ લાવવામાં NAACની ભૂમિકા પ્રશંસનીય રહી છે. રાજ્યપાલશ્રીએ શિક્ષણમાં ગુણવત્તા નિર્માણ ઉપર ભાર મૂકી ગુજરાત રાજ્યે આ દિશામાં ઉદાહરણરૂપ કાર્ય કર્યું હોવાનું પણ જણાવ્યુ હતું.
રાજ્યપાલશ્રીએ આ તકે ઇનોવેશન અને સંશોધનો ઉપર પણ ભાર મૂક્યો હતો. તેમણે જણાવ્યુ હતું કે, NAAC દ્વારા તૈયાર થયેલો રાજ્ય સ્તરીય વિશ્લેષણ રિપોર્ટ ઉચ્ચ શિક્ષણ સંસ્થાઓ માટે ગુણવત્તાના નવા સીમા-ચિહ્નો હાંસલ કરવા માટે પ્રેરણા પૂરી પાડશે.
આ પ્રસંગે રાષ્ટ્રીય મૂલ્યાંકન અને પ્રત્યાયન પરિષદના ડાયરેક્ટર પ્રો. એસ. સી. શર્મા, સહિત NAACના અધિકારીઓ, ગુજરાત રાજ્યના ઉચ્ચ શિક્ષણ નિયામક શ્રી એમ. નાગરાજન તેમજ રાજ્યની વિવિધ યુનિવર્સિટીના કુલપતિશ્રીઓ પણ ઉપસ્થિત રહ્યા હતા.