નિલકંઠેશ્વર નર્મદા નદીના ઘાટ ઉપર દૂધનો અભિષેક કરી વિરોધ નોંધાવ્યો
નર્મદા મૈયાને હજારો લિટર દૂધનો અભિષેક કરી કાળો કાયદો રદ્દ કરવા માતાજી સમક્ષ માલધારીઓની પ્રાર્થના
ભરૂચ, સરકારે અમલમાં મુકેલો કાળા કાયદા સામે માલધારી સમાજ પણ લાલઘુમ બન્યું છે અને ગુજરાત વ્યાપી આંદોલનમાં ભરૂચ જીલ્લો પણ જાેડાયો હતો અને એક દિવસ દૂધ કેન્દ્રો બંધ રાખી મોટી માત્રામાં દૂધના વ્યવસાયથી અળગા રહી સમગ્ર દૂધ નર્મદા નદીમાં દૂધ અભિષેક કરવા સાથે ગરીબ અને જરૂરિયાતમંદ લોકોને વિતરણ કરી અનોખી રીતે વિરોધ નોંધાવ્યો હતો અને કાળો કાયદો હજુ પણ પાછો સરકાર નહીં ખેંચે નહીં તો હજુ ઉગ્ર આંદોલન થાય તેવી ચીમકી પણ ઉચ્ચારી છે.
સરકાર દ્વારા માલધારી સમાજને લઈને કાયદો અમલમાં મૂકવામાં આવ્યો છે જેની સામે ગુજરાત ભરમાં વસતા માલધારી સમાજના લોકોમાં ભારે આક્રોશ ભભૂકી ઉઠ્યો છે.ત્યારે ભરૂચ જીલ્લાના ૯ તાલુકામાં વસવાટ કરતા હજારો માલધારી સમાજના લોકોએ ગુજરાત વ્યાપી માલધારી સમાજના આંદોલનને સમર્થન આપી તમામ તાલુકાઓમાં માલધારી સમાજના લોકોએ પોતાના દૂધ કેન્દ્રો એક દિવસ માટે બંધ રાખી ઉગ્ર વિરોધ નોંધાવવામાં આવ્યો હતો.
સાથે ભરૂચ તાલુકાના પૂર્વ પટ્ટીના વિસ્તારમાં આવેલા ગામોમાં પશુપાલન અને દૂધનો વ્યવસાય સાથે સંકળાયેલા માલધારી સમાજના લોકોએ એક સ્થળે દૂધના કેન સાથે ભેગા થઈ બાઈક રેલી યોજી હતી.જેમાં ભરૂચ તાલુકાના ઓસારા રોડ ઉપર આવેલ હનુમાનજીના મંદિરે મોટાભાગના માલધારી સમાજના લોકો દૂધના કેન સાથે ભવ્ય રેલી સ્વરૂપે નીકળી ઝાડેશ્વરના નિલકંઠેશ્વર મંદિરના ઘાટ ઉપર પહોંચ્યા હતા.
એક દિવસ આંદોલન પર રહી માલધારી સમાજના લોકોએ દૂધ નર્મદા નદીમાં વહાવી ઉગ્ર વિરોધ નોંધાવ્યો હતો અને કેટલું દૂધ જરૂરિયાત મંદ લોકોને વિતરણ કરવામાં આવ્યું હતું.માલધારી સમાજના લોકોએ શાંતિપૂર્ણ માહોલમાં વિરોધ નોંધાયો હતો અને હજુ પણ સરકાર માલધારી સમાજના લોકો ઉપર લાગુ કરેલો કાળો કાયદો પરત નહીં ખેંચે તો આનાથી પણ જલદ આંદોલન કરવામાં આવશે તેવી ચીમકી પણ ઉચ્ચારવામાં આવી હતી.
ભરૂચ જીલ્લામાં માલધારી સમાજના દૂધ વેચાણ અંગેના આંદોલનને લઈ દૂધની ઘટ પડી ન હતી અને ભરૂચ દૂધધારા ડેરી દ્વારા માલધારી સમાજના બંધનાં એલાન દરમ્યાન પણ લોકોને દૂધ મળતું રહે તે માટે આગોતરી તૈયારી કરવામાં આવી હોય દૂધની બૂમો ઉઠવા પામી ન હોવાનું રતન દૂધધારા ડેરીના સંચાલકોએ કર્યું હતું.