ભરૂચની ઝાડેશ્વર ગ્રામ પંચાયતના વહીવટદારે ૪૭,૫૦૦ ની લાંચ લેતા એસીબીના હાથે ઝડપાયો
ભરૂચ, ભરૂચની ઝાડેશ્વર ગ્રામ પંચાયતના વહીવટદાર (તલાટી) એ કોન્ટ્રકટરના ૮.૬૫ લાખના પેમેન્ટનો ચેક આપવા વહીવટ પેટે માંગેલી રૂપિયા ૪૭,૫૦૦ ની લાંચ લેતા વડોદરા ફિલ્ડ એસીબીના છટકામાં રંગેહાથ ઝડપાઈ ગયો હતો.
ઝાડેશ્વર ગ્રામ પંચાયતમાં આરસીસી રોડ અને પેવર બ્લોકનું કામ કોન્ટ્રકટરે કર્યા બાદ પેમેન્ટનો ચેક આપવા વહીવટદારે માંગેલા વહીવટમાં આજે સમી સાંજે તે એસીબીની ટ્રેપમાં ટ્રેપ થઈ ગયો હતો.
ફરિયાદી કોન્ટ્રાકટરને ઝાડેશ્વર ગ્રામ પંચાયત તરફથી આર.સી.સી. રોડ તથા પેવર બ્લોકનું કામ કરવાનો કોન્ટ્રાકટ મળ્યો હતો. જે કામો તેઓએ પુરા કરી દીધા હતા.તમામ કામોના બીલના કુલ ૮.૬૫ લાખ કોન્ટ્રકટરને લેવાના થતા હતા.
નાણાંના ચેક આપવા માટે ઝાડેશ્વર ગ્રામ પંચાયતના વહીવટદાર વર્ગ ૩ તલાટી રાજેન ગોરધનભાઈ પટેલે ફરિયાદી કોન્ટ્રકટર પાસે બીલની રકમના ૫.૫ ટકા ૪૭,૫૦૦ લેખે લાંચની માંગણી કરી હતી.જે લાંચની રકમ ફરીયાદી વહીવટદારને આપવા માંગતા ન હોય પોતાની ફરીયાદ એસીબીને જાહેર કરી હતી.
વડોદરા એસીબી ફીલ્ડ પીઆઈ એમ.કે.સ્વામી અને સ્ટાફે મંગળવારે સાંજે છટકું ગોઠવું હતું. વડોદરાના મદદનીશ નિયામક પી.એચ.ભેસાણીયાના સુપર વિઝનમાં ગોઠવાયેલા છટકામાં કોન્ટ્રકટરને વહીવદારે ઝાડેશ્વર ગ્રામ પંચાયત બોલાવ્યો હતો.
જ્યાં પંચાયત બહાર રોડ ઉપર જ કોન્ટ્રેક્ટરની કારમાં ૪૭,૫૦૦ ની લાંચ લેતા વહીવટદાર રાજેન પટેલ ACB ના હાથે ઝડપાઈ ગયો હતો. એેસીબી લાંચિયા વહીવટદારની ધરપકડ કરી પોતાના રાજય સેવકના હોદ્દાનો દુરઉપયોગ અને ગેરવર્તણુક કરી ગુન્હો કરવા અંગે આગળની કાર્યવાહી હાથધરી છે.