અમદાવાદમાં લુંટારૂઓ હિંસક બન્યા
નરોડામાં વિદ્યાર્થી પર છરીથી હુમલો કરી લુંટી લીધો |
(પ્રતિનિધિ) અમદાવાદ : શહેરના નરોડા વિસ્તારમાં મોર્નીંગ વોક કરવા નીકળેલા બે વિદ્યાર્થીઓ પર લુંટારુઓએ હુમલો કરી એક વિદ્યાર્થીને ચપ્પાના ઘા મારી લુંટી લેવામાં આવ્યો હતો જયારે બીજી ઘટનામાં લો ગાર્ડન પાસે ચેઈન સ્નેચીંગ કરવા આવેલા લુંટારુઓએ એક દંપતીને બાઈક પરથી પછાડવાનો પ્રયાસ કરી મહિલા પર હુમલો કરતા તેને ઈજાઓ પહોંચી હતી. આ ઘટનાઓથી સ્થાનિક નાગરિકોમાં ભારે ફફડાટ ફેલાયો છે અને ઉચ્ચ પોલીસ ધિકારીઓએ તાત્કાલિક આરોપીઓને ઝડપી લેવા માટે સ્થાનિક પોલીસોને તાકિદ કરી છે પોલીસ અધિકારીઓએ ઘટના સ્થળની આસપાસના સીસીટીવી કુટેજ મેળવવાના પ્રયાસો શરૂ કર્યાં છે.
આ અંગેની વિગત એવી છે કે શહેરના નરોડા વિસ્તારમાં અક્ષર રેસીડેન્સી નાના ચિલોડા ખાતે રહેતા નરોત્તમદાસ મિશ્રા સ્કુલમાં પ્રિન્સિપાલ તરીકે ફરજ બજાવે છે તેમનો પુત્ર અનંત (ઉ.વ.૧પ) તે સરદારનગરમાં જ એક શાળામાં અભ્યાસ કરે છે.
ગઈકાલે સવારે પ.૩૦ વાગ્યાની આસપાસ નિત્યક્રમ મુજબ અનંત અને તેનો મિત્ર બંને મો‹નગ વોક કરવા માટે નીકળ્યા હતા અને તેઓ ઘરે પરત ફરી રહયા હતા ત્યારે અંદાજે ૬.૦૦ વાગ્યાની આસપાસ તેમના ફલેટની પાસે જ આવેલા રિજાઈક ફલેટ પાસેથી પસાર થઈ રહયા હતા ત્યારે અચાનક જ અેક્ટિવા જેવા સ્કુટર પર બે શખ્સો તેમની નજીક આવ્યા હતા અને એક શખ્સે અનંત પાસેથી ફોન માંગ્યો હતો.
પરંતુ અનંતે ફોન આપવાનો ઈન્કાર કરી આગળ ચાલવા લાગ્યા હતા આ દરમિયાનમાં બંને શખ્સોએ અનંત અને દેવ ઉપર હુમલો કર્યો હતો અને એક લુંટારુએ અનંતના હાથ પર ચપ્પાનો ઘા મારતા તે લોહી લુહાણ થઈ ગયો હતો
અને ત્યારબાદ ગણતરીની મીનીટોમાં જ આ લુંટારુઓએ અનંતના ખીસ્સામાંથી મોબાઈલ ફોન લુંટી નાસી છુટયા હતા બીજીબાજુ અનંત અને દેવ બંને ઘરે પહોંચ્યા ત્યારે અનંતની હાલત જાઈ તેના પિતા ગભરાઈ ગયા હતા અને તાત્કાલિક નરોડા પોલીસ અને એમ્બ્યુલન્સને જાણ કરી હતી.
જેના પગલે પોલીસ અને એમ્બ્યુલન્સ તાત્કાલિક આવી પહોંચતા તેના હાથે ટાંકા લેવા પડયા હતાં પોલીસ અધિકારીઓએ પુછપરછ કરતા અનંતે સમગ્ર ઘટના જણાવી હતી જેના પગલે તાત્કાલિક આરોપીઓને ઝડપી લેવા માટે સ્થળની આસપાસ લગાવવામાં આવેલા સીસીટીવી કુટેજ મેળવવાના પ્રયાસો શરૂ કરવામાં આવ્યા હતાં. આમ લુંટારુઓ હવે હિંસક બનવા લાગતા સ્થાનિક નાગરિકોમાં ફફડાટ ફેલાયો છે. નરોડા પોલીસે ગુનો દાખલ કરી વધુ તપાસ હાથ ધરી છે.
લુંટનો બીજા બનાવ શહેરના હાર્દસમાન અને મોડીરાત સુધી નાગરિકો અને વાહનોથી ધમધમતા લો ગાર્ડન જવાના રસ્તા પર બન્યો હતો શહેરના ખાનપુર વિસ્તારમાં આવેલી તુલસી વિહાર સોસાયટીમાં રહેતા દિનેશ કાંતિભાઈ શાહના ઘરે ગઈકાલે સાંજે તેમની સાળી આવી હતી અને મોડી સાંજે દિનેશભાઈ શાહ તેમની પત્નિ તથા પુત્રી અને સાળીનો પરિવાર ખરીદી કરવા માટે લો ગાર્ડન આવવા માટે નીકળ્યા હતાં.
દિનેશભાઈ શાહ બાઈક પર મીઠાખળીથી લો ગાર્ડન જવાના રસ્તા પર પસાર થઈ રહયા હતા આ દરમિયાનમાં રસ્તા પર ખાડો આવતા તેમણે પોતાનું બાઈક ધીમી પાડયું હતું.
દિનેશભાઈએ બાઈક ધીમુ પાડતા જ પાછળથી બે શખ્સો બાઈક પર આવ્યા હતા અને ચાલુ બાઈકે જ દિનેશભાઈ શાહ કશું સમજે તે પહેલા જ તેમની પાછળ બેઠેલી તેમની પત્નિ ના ગળામાંથી સોનાની ચેઈન લુંટી હતી જાકે ચેઈન મહિલાના કપડામાં ભરાઈ જતાં અડધી ચેઈન જ લુંટારુના હાથમાં આવી હતી જેના પરિણામે લુંટારુઓએ આ દંપતીને બાઈક પરથી પાડવા માટે ધક્કો માર્યો હતો તથા પાછળ બેઠેલી દિનેશભાઈની પત્નિ પર હુમલો કરી લાફા મારતા બુમાબુમ કરી મુકી હતી.
આ દરમિયાનમાં બંને લુંટારુઓ બાઈક લઈને ફરાર થઈ ગયા હતાં બુમાબુમ થતાં જ આસપાસના લોકો દોડી આવ્યા હતા. બીજીબાજુ દિનેશભાઈની પત્નિને મોઢાના ભાગે ઈજાઓ થઈ હતી અને સમગ્ર રોડ પર ભારે ઉહાપોહ મચી ગયો હતો. એકત્ર થયેલા લોકોએ આ અંગેની જાણ નવરંગપુરા પોલીસને કરતા પોલીસ અધિકારીઓ પણ આવી પહોંચ્યા હતાં.
લો ગાર્ડન જવાના રસ્તા પર દિવસભર ભારે ટ્રાફિક રહેતો હોય છે તેમ છતાં લુંટારુઓએ પોલીસ અને નાગરિકોના ડર વગર ખુલ્લેઆમ લુંટની ઘટનાઓને અંજામ આપ્યો હતો એટલું જ નહી પરંતુ મહિલાને ઈજાઓ પણ પહોંચાડી આ ઘટનાથી પોલીસ અધિકારીઓ ચોંકી ઉઠયા છે અને ઘટના સ્થળની આસપાસના સીસીટીવી કુટેજ મેળવવાના પ્રયાસો શરૂ કર્યાં છે.