યુવકથી પરેશાન સગીરાને આપઘાત કરતા રોકી, આરોપીને ઝડપી કર્યો જેલ હવાલે
રાજકોટ, રાજકોટ ભકિતનગર પોલીસ સ્ટેશનનાં દુર્ગા શક્તિના જાગૃતીબેન ચાવડા પેટ્રોલિંગમાં હતા ત્યારે એક અજાણી સગીરાનો તેમનાં મોબાઇલ પર ફોન આવ્યો હતો. ફોનમાં સગીરાએ જણાવ્યું હતુ કે, એક યુવક છેલ્લા ત્રણેક માસથી તેમની છેડતી કરી પીછો કરે છે અને ઇન્સ્ટાગ્રામમાં તેના નામની ફેક આઇડી પણ બનાવે છે.
સગીરા જ્યારે અભ્યાસ કરવા ક્લાસિસે જતી હતી ત્યારે તે યુવકે સગીરા પર સળગતી સિગારેટનો પણ ઘા કર્યો હતો અને સગીરાને ફ્રેન્ડશીપ કરવા દબાણ કરે છે. સગીરા ડિપ્રેશનમાં હોય અને ઘરે વાત કરી શકતી નહોતી. સગીરાએ આપઘાત કરવાના વિચારો આવતા હતા.
આથી જાગૃતિબેન તુરંત સગીરાને શોધી તેનું કાઉન્સેલિંગ કરી આરોપી યુવકની ધરપકડ કરી જેલહવાલે કર્યો છે. મહિલા પોલીસ સ્ટેશનના એસીપી રાજેશ બારસિયાએ જણાવ્યું હતું કે, રાજકોટ શહેરમાં સી ટીમ કામ કરી રહી છે. સી ટીમ શહેરના દરેક પોલીસ સ્ટેશન હેઠળ પેટ્રોલિંગ કરે છે.
ભક્તિનગર પોલીસ સ્ટેશનમાં સી ટીમમાં ફરજ બજાવતા જાગૃતિબેનને ૧૭ તારીખે ફોન આવ્યો હતો. ફોનમાં એવું જણાવ્યું હતું કે, હું ખૂબ ડિપ્રેશનમાં છું, આપઘાત કરવાના વિચારો આવી રહ્યા છે. આથી જાગૃતિબેને કહ્યું કે તમે ક્યા છો. આથી સામેવાળી વ્યક્તિએ કહ્યું કે, હું ભક્તિનગર સર્કલ પાસે છું.
જેથી જાગૃતિબેન ત્યા ગયા તો ૧૭ વર્ષની બાળા મળી આવી હતી. રાજેશ બારસિયાએ વધુમાં જણાવ્યું હતું કે બાદમાં બાળાએ જાગૃતિબેનને સઘળી વિગત જણાવતા કહ્યું હતું કે, એક સન્ની નામનો યુવાન છે તે મારી પાછળ પીછો કરે છે, મને હેરાન-પરેશાન કરે છે.
મારી પર સિગારેટ પીને નાખે છે. જેથી જાગૃતિબેને બાળાને પોલીસ સ્ટેશન લઈ જઈને તેને સાંત્વના આપી હતી. સારુ કાઉન્સેલિંગ કરી, તેમના માતા-પિતાને બોલાવી સારી રીતે સમજાવી ડિપ્રેશનમાંથી બહાર લાવ્યા હતા.
તેમજ સન્ની નરેશભાઈ પરમાર કરીને જે આરોપી છે તેને પોલીસ સ્ટેશન લાવી તેની વિરૂદ્ધ પોક્સો, આઇપીસી કલમ ૩૫૪ (૬), ૩૫૪ (૨), ૩૨૩, ૫૦૯, ૫૦૬ તથા પોકસો કલમ- ૧૨ મુજબ ગુનો દાખલ કરી જેલહવાલે કર્યો છે. રાજેશ બારસિયાએ વધુમાં જણાવ્યું હતું કે, સી ટીમના જે કર્મચારીઓ છે તેના વિસ્તારની અંદર મોટાભાગે મહિલાઓ, સિનિયર સિટીઝનો એ રીતે દરેક જગ્યાએ સી ટીમના વિભાગો પાડેલા છે.
તેમજ અમુક અમુક જગ્યાએ નંબરો આપેલા છે. મહિલાઓ અંતગર્ત સી ટીમના કાર્યક્રમો થતા હોય ત્યારે તેઓ પોતાના નંબર શેર કરતા હોય છે અને મહિલાઓ નંબર સેવ કરી લે છે. આ રીતે સી ટીમનો પીડિતાઓ સંપર્ક કરે છે.
સગીરા આવતી-જતી ત્યારે આ આરોપી પીછો કરતો અને દરજી કામ કરતો હતો. આથી સગીરાને લાગેલ કે પોતાની છેડતી કરતો હોય જેથી સી ટીમનો સંપર્ક કર્યો હતો. રોમિયોગીરી કરતા તત્વો સામે સખત કાર્યવાહી કરવામાં આવી રહી છે.SS1MS