ભારતીય અર્થતંત્રના પાંચ ટ્રીલીયન ડોલરના લક્ષ્ય” સંદર્ભે પેનલ ચર્ચા થઈ
આઈ.આઈ.ટી ગાંધીનગર ખાતે કલાઇમેટ ચેન્જ અંગેના પંચામૃત – યુવા જાગૃતિ પખવાડિયા અંતર્ગત “કલાઇમેટ ચેન્જ અને ભારતીય અર્થતંત્રના પાંચ ટ્રીલીયન ડોલરના લક્ષ્ય અંગે પેનલ ચર્ચા ” યોજાઈ
કલાઇમેટ ચેન્જ વિભાગ દ્વારા આઈ.આઈ.ટી ગાંધીનગર ખાતે કલાઇમેટ ચેન્જ અંગેના પંચામૃત – યુવા જાગૃતિ પખવાડિયા અંતર્ગત “કલાઇમેટ ચેન્જ અને ભારતીય અર્થતંત્રના પાંચ ટ્રીલીયન ડોલરના લક્ષ્ય” સંદર્ભે પેનલ ચર્ચા થઈ હતી.
કલાઇમેટ ચેન્જ અને શિક્ષણ વિભાગના અગ્ર સચિવશ્રી એસ.જે.હૈદરે સ્વાગત પ્રવચન કરતા જણાવ્યું હતું કે રાજ્ય સરકારે ડો.હસમુખ અઢીયાના નેતૃત્વ હેઠળ ઇકોનોમીક રિવાઇવલ કમીટીની રચના કરી છે અને તેના માર્ગદર્શન હેઠળ એક અહેવાલ રાજ્ય સરકારને રજૂ કરવામાં આવે છે. જેમાં ભારતના પાંચ ટ્રીલીયન ડોલરના લક્ષ્યાંકને આગામી ત્રણ થી ચાર વર્ષમાં હાંસલ કરવા ગુજરાતનું શું યોગદાન રહેશે તે જણાવવામાં આવ્યું છે.
પૂર્વ કેન્દ્રીય મહેસુલ અને નાણાં સચિવ શ્રી ડો.હસમુખ અઢીયાએ કલાઈમેટ ચેન્જની અસર દેશમાં વૃધ્ધિદર અને અર્થતંત્ર પર શું પડે છે તેના માટેના તેમના વિચારો રજુ કર્યા હતા. ભારતની પાંચ ટ્રીલીયન ડોલરના અર્થતંત્રને વેગ આપવા માટે ગ્રીન ફાયનાન્સ, ગ્રીન ઉત્પાદન, ગ્રીન પરીવહન જેવા ત્રણ ક્ષેત્ર પરસ્પર જોડાયેલા હશે તેમ તેમણે ઉમેર્યું હતું.
કલાઇમેટ ચેન્જ વિભાગના સંયુકત સચિવ શ્રી બી.એચ.તલાટીએ કલાઇમેટ ચેન્જ વિભાગ અને ગુજરાત ઉર્જા વિકાસ એજન્સી વતી સૌનો આભાર માની તથા ગુજરાત સોલાર, વિન્ડ, હાઇડ્રોજન સેલ, ઈલેક્ટ્રોલાઈટ, બેટરી સ્ટોરેજ વિગેરે ગ્રીન ઉત્પાદન કેન્દ્ર સાથે ભારતનું પાંચ ટ્રીલીયન ડોલર અર્થતંત્ર તથા પંચામૃત ધ્યેય હાંસલ કરવાની આશા વ્યકત કરી હતી.
આ કાર્યક્રમમાં પીડીઇયુના ડાયરેકટર જનરલ ડો.એસ.સુંદર મનોહરન, એબેલોન કલીન એનર્જીના એમ.ડી. અને સી.ઇ.ઓ. શ્રી આદિત્ય હાંડા, નાબાર્ડના શ્રી જ્ઞાનેદ્ર પ્રસાદ તથા IIT ગાંધીનગરના ડાયરેકટર શ્રી અમીત પ્રસાદ તથા ડો.ઉદિત ભાટીયા સહિત કોલેજના ૨૫૦ જેટલા યુવાનો ઉપસ્થિત રહયા હતા.