સુવર્ણ ગુજરાત બનાવવું હોય તો સૌથી પહેલા શિક્ષણને સારું કરવું પડશેઃ અરવિંદ કેજરીવાલ

અમદાવાદ, આજે આમ આદમી પાર્ટીના રાષ્ટ્રીય સંયોજક અને દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલજી અને પંજાબના મુખ્યમંત્રી ભગવંત માન સાહેબ ગુજરાત આવ્યા છે. બપોરે ૧ઃ૦૦ વાગ્યે અમદાવાદ એરપોર્ટ પર અરવિંદ કેજરીવાલજી અને ભગવંત માન સાહેબજી નું આગમન થયું.
આમ આદમી પાર્ટીના ગુજરાત પ્રદેશ ચૂંટણી પ્રભારી ગુલાબસિંહ યાદવ, આમ આદમી પાર્ટીના નેશનલ જાેઈન્ટ સેક્રેટરી ઈન્દ્રનીલ રાજગુરુ અને આમ આદમી પાર્ટીના પ્રદેશ પ્રમુખ ગોપાલ ઈટાલિયા સહિત હજારો કાર્યકરોએ અરવિંદ કેજરીવાલજી અને ભગવંત માનજીનું ઉષ્માભર્યું સ્વાગત કર્યું હતું.
આમ આદમી પાર્ટીના રાષ્ટ્રીય સંયોજક અને દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલજીએ એરપોર્ટ પર મિડીયાને સંબોધિત કરતા જણાવ્યું હતું કે, છેલ્લા દિવસોમાં હું ગુજરાત આવ્યો ત્યારે શિક્ષણ પર ચર્ચા થઈ હતી, શિક્ષકો સાથે, વાલીઓ સાથે, બાળકો સાથે.
આ એક સારી વાત છે કે શિક્ષણ જેવી બાબતોની ચર્ચા થવી જાેઈએ. અમે તે વાતચીત કરવા માટે, મારો પ્રોગ્રામ કરવા માટે ઘણી જગ્યાએ હોલ બુક કર્યા છે. અમે જે હોલ બુક કર્યો તેના અડધા કલાકની અંદર આ લોકો તેમના માલિકોને ફોન કરીને ધમકાવતા હતા અને કહેતા હતા કે કેજરીવાલનો કાર્યક્રમ ન થવો જાેઈએ.
આવી રીતે એમણે અમારા ૧૩ બુકિંગ કેન્સલ કરાવ્યા. પછી એક સજ્જન માણસ, નવનીતકાકાએ હિંમત કરીને પોતાનો હોલ આપ્યો. ત્યાં કાર્યક્રમ થયો. ગઈ કાલે આ લોકો બુલડોઝર લઈને નવનીતકાકાનો હોલ તોડવા માટે પહોંચ્યા હતા. આનાથી ખરાબ વાત અને ગુંડાગીરી શું હોઈ શકે.
હવે ગુજરાતની જનતા આ ગુંડાગીરીના વિરોધમાં છે. તમારે અમારી સાથે જે કરવું હોય એ કરો, અમે તમારી રાજનીતિની વિરુદ્ધ છીએ, જનતાને પરેશાન કરશો નહીં. સમગ્ર ગુજરાતની અંદર આ પ્રકારની ગુંડાગીરી ચાલી રહી છે. શું શિક્ષા પર ચર્ચા ન થઈ શકે?