હિમાચલ પ્રદેશના કુલુમાં બસ ખીણમાં પડતા ૭ લોકોના મોત
અકસ્માતમાં ઘાયલ થયેલા ૧૦ લોકોને સારવાર માટે ખસેડાયા છે
આ બસ જલોડા પાસે પહોંચી ત્યારે અનિયંત્રિત થઈ હતી અને ૪૦૦ મીટર ઊંડી ખીણમાં જઈને પડી હતી, જેમાં ૫ ના ઘટના સ્થળ પર જ મોત થઈ ગયા હતા
કુલુ,હિમાચલ પ્રદેશમાં થયેલા એક બસ અકસ્માતમાં ૭ લોકોના મોત થઈ ગયા છે. જ્યારે ૧૦ જેટલા લોકો આ અકસ્માતમાં ઘાયલ થયા છે. બસ ખાઈમાં પડવાના કારણે આ અકસ્માત સર્જાયો હતો. કુલુ જિલ્લાના ઘીયાગી વિસ્તારમાં બંજારા વેલીમાં રવિવારે રાત્રે બસ ખાઈમાં પડ્યાની ઘટના બની હતી.
પોલીસે આ બનાવ અંગે તપાસ હાથ ધરી છે. આ સિવાય રિસ્ક્યુ ટીમ દ્વારા લોકોને બસમાંથી બહાર કાઢીને સુરક્ષિત સ્થળ પર ખસેડવામાં આવ્યા હતા. કુલુ જિલ્લાના ડેપ્યુટી કમિશનર આશુતોષ ગર્ગે આ બનાવ અંગે વાત કરતા જણાવ્યું કે, બસમાં ડ્રાઈવર સહિત ૧૭ જેટલા લોકો સવાર હતા અને આ બસ ખાઈમાં પડી હતી.
તમામ ઘાયલોને સારવાર માટે તાત્કાલિક હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા અને તેમને તમામ પ્રકારની જરુરી સુવિધાઓ આપવામાં આવી રહી છે. આશુતોષ ગર્ગ વધુમાં જણાવે છે કે, બનાવની જાણ થતા પોલીસ, સ્થાનિક વહીવટી ટીમ અને હોમગાર્ડ્સ પહોંચ્યા હતા.
આ ઘટનામાં ઘાયલ થયેલા લોકોને પ્રાથમિકતા આપીને સારવાર માટે ખસેડવામાં આવ્યા હતા. મળતી વિગતો પ્રમાણે આ બસ જલોડા પાસે પહોંચી ત્યારે અનિયંત્રિત થઈ હતી અને ૪૦૦ મીટર ઊંડી ખીણમાં જઈને પડી હતી. જેમાં ૫ના ઘટના સ્થળ પર જ મોત થઈ ગયા હતા.
જ્યારે અન્ય બેના હોસ્પિટલમાં મોત થયા હતા. સ્થાનિક લોકોની મદદથી પોલીસે બસમાં ફસાયેલા લોકોને સ્થાનિકોની મદદથી બહાર કાઢવામાં આવ્યા હતા. ગુર્દેવ સિંઘ આ બનાવ અંગે જણાવે છે વધુમાં જણાવ્યું કે, “આ અકસ્માતમાં ૭ લોકોના મોત થઈ ગયા છે અને ૧૦ ઘાયલ છે.
૫ ને કુલુની ઝોનલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે જ્યારે અન્ય ૫ ની સારવાર બંજારાની સ્થાનિક હોસ્પિટલમાં ચાલી રહી છે.” આ અકસ્માત સર્જાવાના કારણે અંગે તપાસ કરવામાં આવી રહી છે.ss1