શ્રી દક્ષિણામૂર્તિ બાલમંદિર શતાબ્દી મહોત્સવનું આયોજન
અમદાવાદ, શ્રી દક્ષિણામૂર્તિ બાલમંદિરે ગૌરવપૂર્ણ અને ઐતિહાસિક અસ્તિત્વનાં 99 વર્ષ પૂર્ણ કરી 1લી ઓગસ્ટ, 2019ના રોજ 100મા વર્ષમાં મંગલ પ્રવેશ કર્યો છે. શ્રીમન નથુરામ શર્માના આશીર્વાદથી, ભાવનગરના મહારાજ શ્રી ભાવસિંહજી તથા દીવાન સર પ્રભાશંકર પટ્ટણીના સહયોગથી કેળવણીકાર શ્રી નાનાભાઈ ભટ્ટ, શ્રી હરગોવિંદ અજરામર પંડ્યા તેમજ ઓધવજીભાઈ જેવા સાથી મિત્રોએ સન 1910માં શ્રી દક્ષિણામૂર્તિ વિદ્યાર્થી ભવનની શરૂઆત કરી.
જીવન-ઘડતરમાં બાળકેળવણીનું મહત્વ સ્વીકારીને સન 1920માં બાલમંદિર શરૂ કરવામાં આવ્યું અને તેની શતાબ્દીની સફરમાં બાળકેળવણીનાં શિખર પુરુષ શ્રી ગિજુભાઈ બઘેકા, શ્રી તારાબહેન મોડક તેમજ પ્રયોગશીલ શ્રી હરભાઈ ત્રિવેદી, શ્રી નરેન્દ્રભાઈ બધેકા અને શ્રી વિમુબહેન બધેકાનો મહત્વનો ફાળો રહ્યો છે.
શ્રી દક્ષિણામૂર્તિ સંસ્થાનાં વિકાસમાં ગુરુજનો, મહાનુભાવો, શ્રેષ્ઠીઓ અને સાહિત્યકારોએ પોતાનું યોગદાન આપીને સંસ્થાને સમગ્ર વિશ્વમાં પ્રસિદ્ધિ અપાવી. આ બાલમંદિરની ટેકરી ઉપરથી 45,000થી વધુ બાળકોએ કેળવણી મેળવી વિવિધક્ષેત્રે દેશ-વિદેશમાં પોતાની પ્રતિભા પુરવાર કરી છે. આ નિમિત્તે સૌને યાદ કરીને કૃતજ્ઞતા વ્યક્ત કરીએ છીએ અને ગૌરવ અનુભવીએ છીએ.
બાલમંદિરથી ધોરણ 12 સુધી તથા બાલ અધ્યાપન મંદિરમાં સંસ્થાના સિધ્ધાંતોને અનુરૂપ અને આધુનિક સમયની જરૂરીયાત મુજબ ભાર વગરના ભણતર સાથે કુદરતી વાતાવરણમાં સંગીત, રમત-ગમન, પ્રવાસ, ચિત્રકામ, યોગ કરાટે, ક્રિકેટ, ટેબલ ટેનીસ, ચેસ, એન.એસ.એસ., એન.સી.સી., સ્કાઉટ જેવી સહ-અભ્યાસક પ્રવૃત્તિઓને બહાર લાવવા પુરી તક આપવાં આવે છે. સઘન કેળવણી માટે વિશાલ લેબોરેટરી, કમ્પ્યુટર લેબ, સ્માર્ટ બોર્ડ તથા અટલ લેબનો વિદ્યાર્થી લાભ લઈ રહ્યા છે.
બાળ શિક્ષણના જ્યોર્તિધરો દ્વારા સ્થાપિત બાળકના સર્વાંગી વિકાસની કેળવણી ગામડાના છેવાડાના બાળકો સુધી પહોંચે તે મસાટે યુનિસેફના સહયોગી ‘બાળદર્શન’ પ્રોજેક્ટ છેલ્લા 2 વર્ષથી શરૂ કરાયો છે. જેમાં 110 આંગણવાડીના 300 આંગણવાડી કાર્યકરો તથા 3300 બાળકોને તાલીમ અપાઈ છે. ભવિષ્યમાં આ પરોજેક્ટ રાજ્યના અન્ય વિસ્તારમાં શરૂ કરવામાં આવશે.
શતાબ્દી સફળ દરમિયાન ઐતિહાસિક મૂલ્ય ધરાવતાં બાલમંદિરના બિલ્ડીંગનું નવીનીકરણ, નવાં વર્ગખંડો, તેમજ સંસ્થાનાં સ્થાપકો, આચાર્ય, શિક્ષકો અને વર્કકરોનું સ્મારક બનાવવાનું આયોજન પણ છે. વર્ષ દરમિયાન વિવિધ શૈક્ષણિક અને સાંસ્કૃતિક કાર્યક્રમો પણ યોજાઈ રહ્યાં છે.
શતાબ્દી વર્ષના ઉજવણીના ભાગરૂપે અમદાવાદમાં સ્થાઈ થયેલા દક્ષિણામૂર્તિના પૂર્વ વિદ્યાર્થીઓ, પરિવારજનો તથા શુભેચ્છકોનું સ્નેહમિલન તથા સાંસ્કૃતિક કાર્યક્રમનું આયોજન 10મી નવેમ્બર, 2019ના રોજ રવિવારે બપોરે 4થી 7-30 દરમિયાન પ્રકાશ હાઈસ્કૂલ, વસ્ત્રાપુર, અમદાવાદ ખાતે યોજાઈ રહ્યું છે. કાર્યક્રમમાં રાષ્ટ્રીય કક્ષાએ ખ્યાતિ પામેલા 40થી વધારે સંસ્થાના પૂર્વ વિદ્યાર્થીઓ પોતાનીઉત્કૃષ્ટ કૃતિઓ રજૂ કરશે. કોઈપણ શૈક્ષણિક સંસ્થા પોતાના પૂર્વ વિદ્યાર્થીઓ અને શુભેચ્છકો માટે પોતાના શહેરની બહાર આ પ્રકારના કાર્યક્રમનું આયોજન કરે, તે એક નવીન પ્રયોગ છે.