બાળકોનું અપહરણ કરતી ગેંગના વહેમમાં હુમલાઓની ઘટના અંગે ભરૂચ પોલીસનું કડક વલણ
અફવાથી દોરાઈ નિર્દોષોને માર મારવાના બનાવ મા ૨૯ લોકો સામે બે અલગ અલગ ગુના દાખલ કરાયા.
પીડિતોને બચાવવાનો પ્રયાસ કરનાર પોલીસ ઉપર હુમલો કરનાર સામે પણ ફરિયાદ દાખલ કરાઈ.
(વિરલ રાણા) ભરૂચ,ભરૂચમાં બાળકોનું અપહરણ કરતી ગેંગના વહેમમાં નિર્દોષ લોકો પર હુમલાની ઘટના પ્રકાશમાં આવતા પોલીસ દ્વારા કડક વલણ અપનાવવામાં આવ્યું છે.પોલીસે નિર્દોષોને માર મારવાના આરોપ સર બે અલગ અલગ ગુના દાખલ કરી કાયદેસરની કાર્યવાહી હાથઘરી છે.તો આવી કોઈપણ ગતિવિધિ જણાય તો પોલીસનો સંપર્ક કરવા અપીલ કરાઈ છે.
ભરૂચ પંથકમા તાજેતરમાં છોકરા ઉપાડી જતી ગેંગ સક્રિય થઈ હોવાના મેસેજ વાઈરલ થઈ રહ્યા છે.ઘણા મેસેજ સાથે વિડીયો પણ જોવા મળ્યા છે જેમાં કહેવામાં આવ્યું છે કે રાજ્યમાં ટોળકીઓ ફરી રહી છે જે બાળકોનું અપહરણ કરી રહી છે.આ વાઈરલ મેસેજની લોકોના માનસપટલ ઉપર એટલી ગંભીર અસર પહોંચી છે કે આસપાસના વિસ્તારમાં નજીવી શંકામાં પણ નિર્દોષોને માર મારવાની ઘટનાઓ સામે આવી રહી છે.
ભરૂચના બી ડિવિઝન વિસ્તાર સ્થિત APMC માર્કેટ પાસે પણ આ પ્રકારની ઘટના સામે આવી હતી.જેમાં બે મહિલાઓને ટોળાએ એ હદે માર માર્યો કે તેમને સારવાર આપવાની ફરજ પડી હતી.આ સમગ્ર મામલે પોલીસ દ્વારા કકડ કાર્યવાહી કરવામાં આવી છે.
પોલીસે બાળકો ઉઠાવી જવાની શંકાએ નિર્દોષોને માર મારનાર ૨૯ લોકો સામે ગુનો દાખલ કર્યો છે.બે બનાવમાં બે અલગ અલગ ગુના દાખલ કરવામાં આવ્યા છે.સોશ્યલ મીડિયામાં ખોટા વાયરલ મેસેજના કારણે આ ઘટના બની હતી ત્યારે મેસેજ વાયરલ કરનાર તત્વો સામે પણ પોલીસ લાલ આંખ કરી રહી છે.
આ પ્રકારની ઘટનાઓ બાદ ભરૂચના SP ડૉ.લીના પાટીલે ચેતવણી જાહેર કરી શંકાસ્પદ મામલાઓમાં કાયદો હાથમાં ન લઈ પોલીસને માહિતગાર કરવા જણાવવામાં આવ્યું છે.