આશા પારેખ દાદા સાહેબ ફાળકે એવોર્ડ- 2020થી સન્માનિત
30મી સપ્ટેમ્બરે 68માં રાષ્ટ્રીય ફિલ્મ પુરસ્કાર યોજાશે-રાષ્ટ્રપતિ શ્રીમતી દ્રૌપદી મુર્મુ એવોર્ડ સમારોહની અધ્યક્ષતા કરશે
માહિતી અને પ્રસારણ મંત્રાલયે જાહેરાત કરી છે કે વર્ષ 2020 માટેનો દાદા સાહેબ ફાળકે પુરસ્કાર સુપ્રસિદ્ધ અભિનેત્રી સુશ્રી આશા પારેખને એનાયત કરવામાં આવશે. આ એવોર્ડ નવી દિલ્હીમાં નેશનલ ફિલ્મ એવોર્ડ સમારોહમાં આપવામાં આવશે.
આ નિર્ણયની જાહેરાત કરતા કેન્દ્રીય મંત્રી શ્રી અનુરાગ ઠાકુરે જણાવ્યું હતું કે “આ પીઢ અભિનેત્રી માટે આ પ્રતિષ્ઠિત પુરસ્કારની જાહેરાત કરવી તે માહિતી અને પ્રસારણ મંત્રાલય માટે ગર્વની વાત છે”. મંત્રીએ એ પણ જાહેરાત કરી કે 68માં રાષ્ટ્રીય ફિલ્મ પુરસ્કાર 30મી સપ્ટેમ્બર, 2022ના રોજ યોજાશે અને તેની અધ્યક્ષતા ભારતના રાષ્ટ્રપતિ શ્રીમતી દ્રૌપદી મુર્મુ કરશે.
શ્રીમતી આશા પારેખ એક જાણીતી ફિલ્મ અભિનેત્રી, દિગ્દર્શક અને નિર્માતા અને કુશળ ભારતીય ક્લાસિકલ ડાન્સર છે. બાળ કલાકાર તરીકેની કારકિર્દીની શરૂઆત કરીને તેમણે દિલ દેકે દેખોમાં મુખ્ય નાયિકા તરીકે પ્રવેશ કર્યો અને 95 થી વધુ ફિલ્મોમાં અભિનય કર્યો. તેમણે કટી પતંગ, તીસરી મંઝીલ, લવ ઇન ટોક્યો, આયા સાવન ઝૂમ કે, આન મિલો સજના, મેરા ગાંવ મેરા દેશ જેવી પ્રખ્યાત ફિલ્મોમાં અભિનય કર્યો છે.
શ્રીમતી પારેખ પદ્મશ્રીના વિજેતા છે, જે તેમને 1992 માં એનાયત કરવામાં આવ્યા હતા. તેમણે 1998-2001 સુધી સેન્ટ્રલ બોર્ડ ફોર ફિલ્મ સર્ટિફિકેશનના વડા તરીકે પણ સેવા આપી છે.
શ્રી અનુરાગ ઠાકુરે જાહેરાત કરી હતી કે શ્રીમતી પારેખને એવોર્ડ આપવાનો નિર્ણય પાંચ સભ્યોની જ્યુરી દ્વારા લેવામાં આવ્યો હતો. 52મા દાદા સાહેબ ફાળકે પુરસ્કારની પસંદગી માટેની જ્યુરીમાં ફિલ્મ ઉદ્યોગના પાંચ સભ્યોનો સમાવેશ થતો હતો:
શ્રીમતી હેમા માલિની, શ્રીમતી પૂનમ ધિલ્લોન, શ્રી ટી. એસ. નાગભરણા, શ્રી ઉદિત નારાયણ, સુશ્રી આશા ભોસલે