કેબિનેટ મંત્રીના હસ્તે મહેમદાવાદ નગરપાલિકા વિસ્તારમાં રૂ.૫૦૧.૯૧ લાખના ૬૯ વિકાસ કામોનું ખાતમુહુર્ત
મંત્રી અર્જુનસિંહ ચૌહાણે બી.એલ.સી. ધટક અંતર્ગત કુલ ૬ આવાસોના પ્રમાણપત્ર એનાયત કર્યા અને મહેમદાવાદને ૨ એમ્બ્યુલન્સની ભેટ આપી
(પ્રતિનિધિ) નડિયાદ, ગ્રામ વિકાસ અને ગ્રામ ગૃહ નિર્માણ વિભાગના કેબિનેટ મંત્રી અર્જુનસિંહ ચૌહાણ દ્વારા સરકારશ્રીની વિવિધ યોજનાકીય ગ્રાન્ટમાંથી મહેમદાવાદ નગરપાલિકા વિસ્તાર માટે રૂા. ૫૦૧.૯૧ લાખના ૬૯ વિકાસના કામોનું ખાતમુહુર્ત કરવામા આવ્યું.
આ પ્રસંગે તેમણે ધારાસભ્યની ગ્રાન્ટમાંથી મહેમદાવાદને ૨ એમ્બ્યુલન્સની ભેટ આપી અને બી.એલ.સી. ધટક અંતર્ગત કુલ ૬ આવાસોના પ્રમાણપત્ર એનાયત કર્યા. આ પ્રસંગે કેબિનેટ મંત્રી અર્જુનસિંહ ચૌહાણે તમામ નગરજનોને નવરાત્રિની શુભેચ્છા આપતા જણાવ્યું કે ગુજરાત સરકાર વિધેયાત્મક વિકાસના માર્ગે જન કલ્યાણની અનેકવિધ પ્રવૃત્તિઓ કરી રહી છે.
મંત્રીશ્રીએ જણાવ્યું કે મહેમદાવાદને એમ્બ્યુલન્સ,ICU વોર્ડ અને ડાયાલિસિસ બેડ મળતા શહેરનું આરોગ્ય તંત્ર વધુ અસરકારક રીતે સેવાકીય કાર્યો કરશે. પુર્વ ધારાસભ્ય ગૌતમસિંહ ચૌહાણ અને ડો. નૈસદભાઈ ભટ્ટ દ્વારા શહેરીજનોની સુખાકારીમાં વધારો કરતાં કાર્યો બદલ સરકારશ્રીનો આભાર માનવામા આવ્યો હતો.
મહેમદાવાદ ખાતે યોજાયેલ આ કાર્યક્રમમાં ખાતમુહુર્તના કાર્યોમાં પેવર બ્લોક, પ્રોટેકશન વોલ, આરસીસી રસ્તા, સીસી રસ્તાનું કામ, રોડ રીસ્ટોરેશન અને રીસર્ફેસીંગ, પાણીની પાઇપલાઇન, લેડીસ ટોયલેટ બ્લોક, ડ્રેનેજ પમ્પિંગ સ્ટેશન મશિનરી, પાણીની પાઇપલાઇન, સ્ટ્રીટ લાઈટ, વીજળીના પોલ, રોડ સ્વીપર મશીન ખરીદી, ગાર્બેજ સ્ટ્રીપર મશીન ખરીદી, કમ્પાઉન્ડ વોલ, મેન ગેટ બનાવવાનું અને ફાયર સિસ્ટમ વેસ્ટ નિકાલ સહિત કુલ ૬૯ કામોનો સમાવેશ થાય છે.
ઉપરાંત અમૃતઃ ૨.૦ અંતર્ગત મહેમદાવાદ નગરપાલિકા વિસ્તારમાં આવેલ કુંભારખાડ તળાવનું ડેવલપમેન્ટ, મ્યુનિ. કાશીબા ગાર્ડન રીડેવલપમેન્ટ અને વોટર ડિસ્ટ્રીબ્યુશન નેટવર્કના રૂ. ૬.૩૦ કરોડના કુલ ૩ પ્રોજેક્ટ મંજૂર થયેલ છે અને સ્વર્ણિમ જયંતિ મુખ્યમંત્રી શહેરી વિકાસ યોજના હેઠળ યુડીપી-૮૮ હેઠળ કુલ ૯ કાર્યો પ્રગતિ હેઠળ છે.
આ પ્રસંગે મહેમદાવાદ નગરપાલિકા પ્રમુખશ્રી, કારોબારી ચેરમેનશ્રી, ઉપપ્રમુખશ્રી, એપીએમસી ચેરમેન રમણભાઈ, માજી , અગ્રણી વિપુલભાઈ પટેલ, ભીખાભાઈ, ચંદ્રેશભાઈ પટેલ, અજબસિંહ ડાભી, મહેમદાવાદ શહેર પ્રમુખ નિલેશભાઈ પટેલ, યાજનાકીય લાભાર્થીઓ સહિત મોટી સંખ્યામાં નગરજનો ઉપસ્થિત રહ્યા હતા.