રાજ્યમાં બીજા નોરતે પણ થઈ મેઘરાજાની પધરામણી

ગુજરાતમાં ચોમાસું વિદાય ભણી છે.
હાલ નવરાત્રી ચાલી રહી છે અને આજે બીજું નોરતું છે. બીજા નોરતાએ પણ રાજ્યના ઘણા વિસ્તારમાં વરસાદ પડ્યો છે. હવામાન વિભાગના વૈજ્ઞાનિકે જણાવ્યું, ગુજરાતમાં આગામી દિવસોમાં સામાન્ય વરસાદ રહેશે. ખેડા અને બનાસકાંઠામાં પણ વરસાદની આગાહી છે.
ઉપરાંત સોરાષ્ટ્રમાં જૂનાગઢ અને અમરેલીમાં પણ વરસાદની આગાહી છે. હવામાન વિભાગના જણાવ્યા મુજબ, અમદાવાદમાં આગામી દિવસોમાં સામાન્ય વરસાદની શક્યતા છે. અમદાવાદમાં વાદળ છાયુ વાતાવરણ રહેવાના કારણે વરસાદની શક્યતા છે. અમદાવાદમાં સતત બીજા નોરતે વરસાદની પધરામણી થઈ છે. શહેરના મણિનગર વિસ્તારમાં વરસાદી ઝાપટું પડ્યું છે, તો અમુક વિસ્તારોમાં છાંટા પડ્યા છે.
અમરેલી જિલ્લામાં સતત બીજા દિવસે વરસાદનું આગમન થયું છે. બાબરા શહેરમાં વરસાદી ઝાપટું પડ્યું છે. લાંબા વિરામ બાદ વરસાદનું આગમન થયું છે. ભારે બફારા બાદ વરસાદી ઝાપટું પડતા વાતાવરણમાં ઠંડક પ્રસરી છે. ભરૂચ શહેરના શક્તિનાથ થી કલેકટર ઓફિસ વિસ્તારમાં વરસાદી ઝાપટા પડ્યા છે. બીજા નોરતે વરસાદે દસ્તક આપતા ગરબા રસિયાઓ ચિંતામાં મુકાયા છે.
ભરૂચ બાદ અંકલેશ્વરમાં પણ વરસાદી ઝાપટાં પડ્યા છે. અંકલેશ્વરની વાલિયા ચોકડી, ભડકોદ્રા, કાપોદ્રા અને કોસમડી સહિતના વિસ્તારોમાં વરસાદ પડ્યો છે. વરસાદ વરસતા બફારાથી રાહત મળી છે. જેને લઈ ગરબા આયોજકો અને ખેલૈયાઓ મૂંઝવણ મુકાયા છે. પોરબંદરના બરડા પંથકમાં વરસાદ છે. બપોરના સમયે વાતાવરણ માં પલટો આવ્યો છે. અડવાણા અને આસપાસ ના વિસ્તારમાં ધીમીધારે વરસાદ છે.
બનાસકાંઠાના ધાનેરામાં વરસાદી વાતાવરણ છે. બીજા નોરતે બપોરે ઝરમર ઝરમર વરસાદની શરૂઆત થઈ છે. ધાનેરા સહિત ગ્રામીણ વિસ્તારમાં પણ ઝરમર વરસાદ છે. કાંકરેજમાં પણ વરસાદી ઝાપટું પડ્યું છે. કાંકરેજના શિહોરી સહિતના ગ્રામ્ય વિસ્તારોમાં વરસાદી જાપટું પડ્યું છે. વરસાદી ઝાપટું પડતાં વાતાવરણમાં ઠંડક પ્રસરી છે.ss1