પાવાગઢ ખાતે ગુજરાત સરકાર દ્વારા નવરાત્રિનું વિશેષ આયોજન કરાયું

ગોધરા, સમગ્ર ગુજરાતમાં નવરાત્રી મહોત્સવ ૨૦૨૨નો પ્રારંભ થઇ ચૂક્યો છે ત્યારે નવરાત્રીનાં બીજા નોરતે ગુજરાત સરકારશ્રી રમતગમત,યુવા અને સાંસ્કૃતિક વિભાગ તરફથી ઐતિહાસિક સ્થળ પાવાગઢ સ્થિત માંચીઘાટ ચાચર ચોકમાં લોકગાયક કિર્તીદાન ગઢવીની ઉપસ્થિતીમાં નવરાત્રિનું આયોજન કરાયું હતું. જેમાં મોટી સંખ્યામાં લોકોએ ગરબે રમી ઉજવણી કરી હતી.
આ પ્રસંગે આરોગ્યમંત્રી શ્રીમતી નિમિષાબેન સુથાર ઉપસ્થિત રહ્યા હતા અને તેમણે ઉપસ્થિતોને સંબોધન કરીને નવરાત્રિની શુભકામનાઓ પાઠવી હતી. આ સાથે તેમણે જણાવ્યું હતું કે જગતજનની શક્તિસ્વરૂપ માતાજીના સાનિધ્યમાં સૌ કોઈના કલ્યાણ માટે સ્તુતિ રજૂ કરી હતી. નવરાત્રીનાં બીજા નોરતાની શુભેચ્છાઓ પાઠવી હતી.
તેમણે કહ્યું કે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના પ્રયાસો થકી આજે ૫૦૦ વર્ષ પછી પાવાગઢ ખાતે ધ્વજ ફરકાવવામાં આવ્યો છે. સરકારના પ્રયત્નોથી આજે પાવાગઢ સ્થળનો વિકાસ થયો છે. આ પ્રસંગે જિલ્લા ચૂંટણી વિભાગ તરફથી મતદારો કાર્ય પદ્ધતિથી માહિતગાર થાય તેના માટે ઈ-વીમ વીવીપેટ ર્નિદશન ખુલ્લું મૂકવામાં આવ્યું હતું જેનો લાભ લોકોએ લીધો હતો.
આ નવરાત્રિ મહોત્સવમાં ધારાસભ્ય જયદ્રસિંહ પરમાર, જિલ્લા કલેકટર સુજલ મયાત્રા, પ્રાંત અધિકારી સૂર્યવંશી, જિલ્લા યુવા રમતગમત અધિકારી સહિત જિલ્લા અને તાલુકાના વિવિધ હોદ્દેદારો અને મહાનુભાવો તથા મોટી સંખ્યામાં લોકો ઉપસ્થિત રહીને ગરબાનો લ્હાવો લીધો હતો.