વિરપુર તાલુકાની ઘાટડા પ્રાથમિક શાળા નજીક મૃત પશુઓના ઢગલા
![](https://westerntimesnews.in/wp-content/uploads/2022/09/2909-virpur-1-1024x768.jpg)
વાલીઓ દ્રારા શાળાને તાળાંબંધી કરાઈ
(પ્રતિનિધિ) વિરપુર, સરકારના શિક્ષણ વિભાગ દ્વારા દાવો કરવામાં આવે છે કે, સુવિધા સભર શિક્ષણ વિદ્યાર્થીઓને આપવામાં આવે છે, ત્યારે આવા દાવા ખોટા સાબિત થાય છે. ગ્રામ્ય વિસ્તારની અનેક શાળાના વિદ્યાર્થીઓ આજે પણ ભયના ઓથાર નીચે ભણી રહ્યા છે.
મહિસાગર જીલ્લાના વિરપુર તાલુકાની ઘાટડા ગામની પ્રાથમિક શાળાના પાછળના ભાગમાં અસંખ્ય મૃત પશુઓના ઢગના કારણે ખરાબ દુર્ગંધ આવે છે. જે રોગચાળાને જાણે આમંત્રણ આપતા હોય એમ લાગી રહ્યું છે. સ્થાનિકોએ, વાલીઓ, વિદ્યાર્થીઓ અને શિક્ષકોએ આ બાબતે અનેક વખત તંત્રમાં રજૂઆત કરી છે, પણ તંત્રના પેટનું પાણી પણ હલતું નથી.
પરિણામે વિદ્યાર્થીઓને દુર્ગંધ વાળા વાતાવરણમાં અભ્યાસ કરવો પડે છે. જેને લઈ આજે પ્રાથમિક શાળાના ૨૨૯ થી વધુ વિદ્યાર્થીઓએ શિક્ષણનો બહિષ્કાર કર્યો છે. જ્યાં સુધી આ મૃત પશુઓ માટે અન્ય સ્થળની વ્યવસ્થા કરવામાં ન આવે ત્યાં સુધી શિક્ષણ બહિષ્કારની ચીમકી પણ વાલીઓ દ્રારા ઉચરાઈ હતી.