કાલાવડના મછલીવડમાં પોલીસે દરોડો પાડી ઝેરી આલ્કોહોલ ઝડપી પાડ્યો
આલ્કોહોલનો ૧૬૦ લીટર જથ્થા સહીત લાખો રૂપિયાનો સામાન જપ્તે કરવામાં આવ્યો છે
જામનગર, જામનગર જિલ્લાની કાલાવડ ગ્રામ્ય પોલીસે તાલુકાના મછલીવડ ગામના ખેડૂતની લક્ષ્મીપુર ગામે આવેલી વાડીએ દરોડો પાડી ઝેરી આલ્કોહોલ અને આલ્કોહોલ યુક્ત પીણાના નેટવર્કનો પર્દાફાશ કર્યો છે. પોલીસે વાડી માલિક સહીત ત્રણ શખ્સોને દબોચી લીધા છે.
હર્બલ પ્રોડક્ટ બનાવવાના નામે વાડી માલિકે તેની જમીન અન્ય બે શખ્સોને ભાડાથી આપી હોવાનું સામે આવ્યું છે. પોલીસે કથિત હર્બલ પીણાની ૨ હજાર ૨૫૦ બોટલ, કાલમેઘશ્વના નામથી બનાવેલી પીણાની ૪ હજાર ૭૦૦ ઉપરાંતની બોટલ, ઉપરાંત જેના સેવનથી માણસ મૃત્યુ પામી શકે એવા આઈસોપ્રોપાઈન આલ્કોહોલનો ૧૬૦ લીટર જથ્થા સહીત લાખો રૂપિયાનો સામાન જપ્તે કરવામાં આવ્યો છે.
જામનગર જિલ્લાના કાલાવડ તાલુકાના મછલીવડ ગામે સ્થાનિક પોલીસે ચોક્કસ હકીકતના આધારે કાર્યવાહી કરી હતી. મછલીવડ ગામનો દિલીપસિંહ ઉર્ફે બુધા સિદ્ધરાજસિંહ જાડેજા નામના શખ્સે પોતાની લક્ષ્મીપુર ગામે આવેલી જમીન ભાડા પેટે આપી હતી.
આ જમીન ભાડે રાખી કેતન વિનોદ નરસીદાસ જટણીયા તથા ગોપાલ પાલા ગેલા પરમારે દિલીપસિંહ સાથે મળી હર્બલ પ્રોડક્ટના ઓથા હેઠળ માનવ સ્વાસ્થ માટે હાનિકારક એવાં આલ્કોહોલિક પીણા બનાવવાની શરૂઆત કરી હતી.
ગ્રામ્ય પોલીસે આ દિશામાં કાર્યવાહી હાથ ધરી હતી. પોલીસે પાડેલા દરોડા દરમિયાન વાડીમાં આલ્કોહોલિક પીણાનું કારખાનું મળી આવ્યું હતું. પોલીસે કારખાનામાંથી પ્લાસ્ટીકની ઢાંકણવાળી મોટી ડોલ નંગ ૨૦ કી.રૂ.૧ હજાર, સુગંધીત પ્રવાહી ભરેલા પ્લાસ્ટીકનુ ટબ, બ્લુ કલરનું
પ્લાસ્ટીકનુ રંગવિહીન વિશિષ્ટ વાસ ધરાવતુ પ્રવાહીથી અડધુ ભરેલું બેરલ આશરે ૩૫ લીટર, બે કેરબાઓ જે બન્ને કેરબાઓમા આશરે ૨૦ લીટર રંગવિહીન વિશિષ્ટ વાસ ધરાવતા પ્રવાહી ભરેલું અને બે મોટા ખાખી કલરના બોક્ષ મળી આવ્યાં હતા.
આ ઉપરાંત મોટા ખાખી કલરના બોક્ષ, ખાંડનો સફેદ રંગનો આશરે ૨૦ કિલો પાવડર, રૂપિયા ૧ લાખ ૧૨ હજાર ૫૦૦ની કિંમતની ૨ હજાર ૨૫૦ નંગ હર્બલની બોટલો સહિત અન્ય બોટલો ઝડપી પાડી હતી. બોટલો પર ચોંટાડવા માટેના લાલ રંગના સ્ટીકરોના ત્રણ બાંધાઓ, પાણી ખેંચવા માટેની ઇલેક્ટ્રીક મોટર તથા પાઇપ,
એક બ્લુ કલરનું ધાતુનું રંગવિહીન વિશિષ્ટ વાસ ધરાવતું પ્રવાહીથી સંપુર્ણ ભરેલી બેરલ, ખાખી રંગની સેલોટેપના ૫ રોલ, બોક્ષ બનાવવાના ખાખી રંગના પુઠાના ૨૮ બાંધાઓ, કાળા કલરની પ્લાસ્ટીકની ઢાંકણ વગરની ખાલી બોટલોના ૧૫ કાર્ટુનો, ખાખી કલરના પુઠાના ઢાંકણોથી ભરેલા ૪ બોક્ષ, ખાલી બેરલ નંગ ૯ મળી કુલ રૂપિયા ૩ લાખ ૮૪ હજાર ૨૭૦નો મુદ્દામાલ કબજે કરવામાં આવ્યો હતો.
ત્રણેય શખ્સોના કબ્જામાંથી ૧૬૦ લીટર જેટલો ઇથાઇલ આલ્કોહોલનો જથ્થો કબજે કરવામાં આવ્યો હતો. આ ઉપરાંત આઇસોપ્રોપાઇલ આલ્કોહોલ કે જે આલ્કોહોલ એક પ્રકારનું ઝેર છે. જેનુ સેવન કરવાથી માનવનું મૃત્યુ સંભવ છે.
તે આઇસોપ્રોપાઇલ આલ્કોહોલનો આશરે ૨૦૦ લીટર જેટલો જથ્થો કબ્જામા રાખી, ત્રણેય શખ્સોએ હર્બલ પ્રોડક્ટના ઓથા હેઠળ આલ્કોહોલીક પ્રોડક્ટનું ઉત્પાદન કરવાના ઇરાદે, ઇથાઇલ આલ્કોહોલ તથા આઇસો પ્રોપાઇલ આલ્કોહોલની ભેળસેળ કરી, જુદી-જુદી બ્રાન્ડની હર્બલ પ્રોડક્ટના ઓથા હેઠળ ઇથાઇલ આલ્કોહોલ તથા આઇસો પ્રોપાઇલ આલ્કોહોલ યુક્ત પ્રોડકટો બનાવી, તેના ઉપર ખોટા સ્ટીકરો લગાવી,
તે સ્ટીકરો ઉપર ખોટી માલ નિશાનીઓ (વત્તા તથા સ્ટેટોસ્કોપનુ ચિન્હ) લગાવી, તૈયાર પ્રોડક્ટનું અલગ-અલગ જગ્યાએ વેચાણ કરી, હેરફેર કરી માનવ સ્વાસ્થ્ય સાથે ચેડા કરી વિશ્વાસઘાત કરી ગુનાહીત મનુષ્ય વધ કરવાની કોશીશ કરી હોવાનું સામે આવ્યું છે.