Western Times News

Gujarati News

વંદે ભારત એકસપ્રેસ બનાવવામાં કેટલો ખર્ચ થાય છે જાણો છો?

vande bharat train

વડાપ્રધાન શ્રી મોદીએ વંદે ભારત એક્સપ્રેસ ટ્રેનનું  નિરીક્ષણ કરીને ગાંધીનગરથી અમદાવાદ સુધી ટ્રેનની સફર માણી

આયાતી ટ્રેનના અડધા ખર્ચમાં તૈયાર થઈ જાય છે વંદે ભારત ટ્રેન

વંદે ભારત એક્સપ્રેસે ભારતમાં મુસાફરીના એક નવા યુગની શરૂઆત કરી છે. માત્ર રૂ. ૧૦૦ કરોડના ખર્ચે બનનારી આ ટ્રેન સમાન સુવિધાઓ ધરાવતી આયાતી ટ્રેન કરતા લગભગ અડધા ખર્ચે બનીને તૈયાર થઈ જાય છે. વડાપ્રધાનશ્રી ના ‘મેક ઇન ઇન્ડિયા’ દ્રષ્ટિકોણને ધ્યાનમાં રાખીને ટ્રેનની મુખ્ય સિસ્ટમ્સને ભારતમાં ડિઝાઇન અને નિર્માણ કરવામાં આવી છે.

વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ આજે કેપિટલ રેલ્વે સ્ટેશન,ગાંધીનગરથી ‘વંદે ભારત એક્સપ્રેસ’ ટ્રેનને લીલીઝંડી આપી શુભારંભ કરાવ્યો હતો.આ નવીન ટ્રેન કેપીટલ રેલવે સ્ટેશન, ગાંધીનગરથી મુંબઈ સેન્ટ્રલ વચ્ચે દોડશે.

વડાપ્રધાન શ્રી મોદીએ આ પ્રસંગે રેલવે સ્ટેશન ખાતે વંદે ભારત એક્સપ્રેસ ટ્રેનનું તલસ્પર્શી નિરીક્ષણ કરીને ગાંધીનગરથી અમદાવાદ સુધી ટ્રેનની સફર માણી હતી.

દિવ્યાંગ મુસાફરો માટે વિશેષ પ્રકારના શૌચાલય અને સામાન્ય મુસાફરો માટે ટચ-ફ્રી એમેનિટિસ વાળા બાયો વેક્યુમ ટોયલેટ્સની વ્યવસ્થા કરવામાં આવી છે.

PM takes a ride in Vande Bharat Express at Gandhinagar Station, in Gujarat on September 30, 2022.

આ જ રીતે,દિવ્યાંગ મુસાફરોની સુવિધા માટે સીટોમાં બ્રેલ લિપિની સાથે સીટની સંખ્યા પણ કોતરવામાં આવી છે,જેથી આવા મુસાફરો પોતાની સીટ્સ સુધી સરળતાથી પહોંચી શકે.

ટ્રેન શુભારંભ પ્રસંગે ગુજરાતના રાજ્યપાલ શ્રી આચાર્ય દેવવ્રતજી, મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ,રેલવે મંત્રી શ્રી અશ્વિની વૈષ્ણવ , રેલવે રાજ્ય મંત્રી શ્રી દર્શનાબેન જરદોશ  સહિત મહાનુભાવોએ ઉપસ્થિતિ રહીને અમદાવાદ સુધી ટ્રેનની સફર માણી હતી.

અત્રે ઉલ્લેખનીય છે કે, દિલ્હીના બે રૂટ્સ પર મોટી સફળતા પછી ભારતની પહેલી સ્વદેશી સેમી હાઈ સ્પીડ ટ્રેન હવે ગુજરાતના પાટા પર પણ દોડતી જોવા મળશે. ઉલ્લેખનીય છે કે થોડાક દિવસ પહેલા જ ગુજરાતમાં વંદે ભારત ટ્રેનનું સફળ ટ્રાયલ પણ કરવામાં આવ્યું હતું.

KAVACH’ ટેક્નીકથી સજ્જ પ્રથમ વંદે ભારત ટ્રેન

ગુજરાતમાં શરૂ થયેલી આ વંદે ભારત ટ્રેનને પહેલી વખત ‘KAVACH’ (ટ્રેન કોલાઇઝન અવોઇડન્સ સિસ્ટમ) ટેક્નીકથી લોન્ચ કરવામાં આવી રહી છે. આ ટેક્નીકની મદદથી બે ટ્રેનની સામસામે થનારી અથડામણ જેવી દુર્ઘટનાઓને હવે અટકાવી શકાશે. આ ટેક્નીકને દેશમાં જ વિકસિત કરવામાં આવી છે, જેના કારણે તેનો ખર્ચ ઘણો ઓછો છે.

ઉલ્લેખનીય છે કે કેન્દ્ર સરકાર દ્વારા ૨૦૨૨ના બજેટમાં ૨૦૦૦ કિલોમીટર સુધીના રેલ નેટવર્કને ‘કવચ’ હેઠળ લાવવાની યોજના વિશે એલાન કરવામાં આવ્યું હતું અને માર્ચ ૨૦૨૨માં રેલવે મંત્રી શ્રી અશ્વિની વૈષ્ણવે તેનું સફળ પરીક્ષણ પણ કર્યું હતું.

સ્વદેશી સેમી-હાઇ સ્પીડના નામથી પ્રસિદ્ધ આ ટ્રેન ૦ થી ૧૦૦ કિમી પ્રતિ કલાક સુધીની ઝડપ માત્ર ૫૨ સેકંડમાં પ્રાપ્ત કરી લે છે. આ ટ્રેનમાં મુસાફરોની સુવિધા માટે સ્લાઇડિંગ ફૂટસ્ટેપ્સ, ઉપરાંત ટચ ફ્રી સ્લાઇડિંગ ડોરની સાથે સ્વચાલિત પ્લગ દરવાજાઓ પણ લગાવવામાં આવ્યા છે.

એસીના મોનિટરિંગ માટે કોચ કંટ્રોલ મેનેજમેન્ટ સિસ્ટમ, અને કંટ્રોલ સેન્ટર તેમજ મેઇન્ટેનન્સ સ્ટાફની સાથે કોમ્યુનિકેશન તેમજ ફીડબેક માટે GSM / GPRS જેવી આધુનિક ટેક્નીકનો ઉપયોગ કરવામાં આવે છે.

એટલું જ નહીં,આધુનિક ટેક્નિકની વાત કરીએ તો આ ટ્રેનમાં વધુ સારા ટ્રેન નિયંત્રણ વ્યવસ્થાપન માટે લેવલ-II સેફ્ટી ઇન્ટિગ્રેશન સર્ટિફિકેશન, કોચની બહાર રિયર વ્યૂ કેમેરા સહિત ૪ પ્લેટફોર્મ સાઇડ કેમેરા, તમામ કોચમાં એસ્પિરેશન આધારિત ફાયર ડિટેક્શન અને સપ્રેશન સિસ્ટમ અને ઇલેક્ટ્રિકલ ક્યૂબિકલ્સ તેમજ શૌચાલયોમાં એરોસોલ આધારિત ફાયર ડિટેક્શન એન્ડ સપ્રેસ સિસ્ટમ જેવા બહેતર અગ્નિશામક સુરક્ષા ઉપાયો કરવામાં આવ્યા છે.

 


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.