Western Times News

Gujarati News

કુટુંબ નિયોજન ઓપરેશન દરમિયાન મૃત્યુના કિસ્સામાં ચાર લાખની સહાય ચુકવાશે

રાજ્યના આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગ દ્વારા કુટુંબ નિયોજન નુકસાન ભરપાઈ યોજનામાં ચુકવાતા વળતરમાં કરાયો વધારો  

રાજ્ય સરકાર દ્વારા વસતિ નિયંત્રણના હેતુથી છેલ્લા ઘણા વર્ષોથી કુટુંબ નિયોજન યોજના અમલમાં છે. આ યોજનાના ભાગરૂપે રાજ્યના કુટુંબ કલ્યાણ કાર્યક્રમ અંતર્ગત કુટુંબ નિયોજન ઓપરેશનને લીધે લાભાર્થીના મૃત્યુ, કોમ્પ્લીકેશન અને નિષ્ફળતાના કિસ્સાઓમાં “કુટુંબ નિયોજન નુકસાન ભરપાઈ યોજના” મુજબ ચુકવવામાં આવતી

રકમમાં ફેરફાર કરી સહાયની રકમ વધારવામાં આવી હોવાનું રાજ્યના આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગે ઠરાવ્યું છે. આવા કિસ્સાઓમાં રાજ્ય સરકાર દ્વારા ૫૦ ટકા રકમનો ખર્ચ ભોગવવામાં આવશે, જ્યારે બાકીના ૫૦ ટકા રાષ્ટ્રીય હેલ્થ મિશન અંતર્ગત મળશે. આ ખર્ચ રાજ્ય સરકારની માતૃ વંદના યોજના હેઠળ મંજૂર થયેલ બજેટમાંથી કરવામાં આવશે.

રાજ્યના આરોગ્ય વિભાગ દ્વારા ઠરાવવામાં આવ્યાં મુજબ લાભાર્થીને વ્યંધિકરણ બાદ દવાખાનામાં કુટુંબ નિયોજન ઓપરેશનની શસ્ત્રક્રિયા દરમિયાન મૃત્યુના કિસ્સામાં અથવા તો ઓપરેશનના સાત દિવસની અંદર મૃત્યુ થાય તો રાષ્ટ્રીય હેલ્થ મિશનમાંથી રૂ બે લાખ અને રાજ્ય સરકાર દ્વારા બે લાખ એમ કુલ ચાર લાખની સહાય કરવામાં આવશે.

લાભાર્થીને ઓપરેશન બાદ રજા આપ્યાના ૮ દિવસથી ૩૦ દિવસની અંદર વ્યંધિકરણના કારણે મૃત્યુના કિસ્સામાં રાષ્ટ્રીય હેલ્થ મિશન અને રાજ્ય સરકાર દ્વારા અનુક્રમે ૫૦-૫૦ હજાર મળી કુલ એક લાખની વળતર રકમ ચુકવવામાં આવે છે. જ્યારે વ્યંધિકરણ શસ્ત્રક્રિયાની નિષ્ફળતાના કિસ્સામાં કુલ ૬૦ હજારની રકમ લાભાર્થીને ચુકવવાની જોગવાઈ કરાઈ છે.

વ્યંધિકરણ શસ્ત્રક્રિયાને લીધે પેદા થતી તબીબી તકલીફોની દવાખાનામાં સારવાર અંગેનો ખર્ચ અને વ્યંધિકરણ શસ્ત્રક્રિયા બાદ રજા આપ્યા પછીના ૬૦ દિવસ સુધી થયેલ ખર્ચ વાસ્તવિક ખર્ચ પ્રમાણે મહત્તમ ૫૦ હજારની મર્યાદામાં ચુકવવામાં આવશે એમ આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગની યાદીમાં જણાવાયું છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.