ભરૂચ શહેરમાં વસતા બંગાળી સમાજ દ્વારા દુર્ગા પૂજાનો પ્રારંભ કરાયો

રાજ્યના નાયબ મુખ્ય દંડક દુષ્યંત પટેલના હસ્તે દીપ પ્રાગટ્ય કરી શરૂઆત
(પ્રતિનિધિ) ભરૂચ, ભરૂચ જિલ્લામાં કોરોનાનું સંકટ ટળતા ફરી એકવાર આસો નવરાત્રીમાં દુર્ગાષ્ટમી મહોત્સવની ઉજવણીનો પ્રારંભ થઈ ચૂક્યો છે.ત્યારે ભરૂચ શહેરમાં બે સ્થળોએ નર્મદા નદીની પવિત્ર માટી માંથી દુર્ગા માતાની પ્રતિમાઓ તૈયાર કરી વિધિ બંધ સ્થાપના કરી વિજયાદશમી સુધી વિવિધ ધાર્મિક અને સેવાકીય કાર્યક્રમ યોજી દુર્ગા માતાની ભક્તિમાં બંગાળી સમાજ લીન બનનાર છે.
ભરૂચ જીલ્લામાં રોજગાર ધંધા અર્થે સ્થાયી થયેલ બંગાળી સમાજ છેલ્લા ઘણા વર્ષો ઉપરાંતથી આસો નવરાત્રિમાં દુર્ગા મહોત્સવની ઉજવણી કરતા આવ્યા છે.આ પર્વ આસો નવરાત્રીના પાંચમના દિવસે દુર્ગા માતાજીની વિધિવત ધાર્મિક પૂજન સ્થાપના કરી આસો નવરાત્રીની નોમ સુધી માતાજીની ભક્તિમાં બંગાળી સમાજ મગ્ન બની જતો હોય છે.
જેમાં ઝાડેશ્વર બંગાળી સમાજ દ્વારા હરનાથ મહાદેવ મંદિર નજીક દુર્ગા માતાજીની ૧૧ ફૂટની મૂર્તિની સ્થાપના કરી બંગાળી સમાજ દ્વારા માતાજીની ભક્તિ કરી દુર્ગાષ્ટમી પર્વની ભવ્ય ઉજવણી કરાઈ હતી.જેમાં રાજ્ય મુખ્ય દંડક, નગરપાલિકા પ્રમુખના હસ્તે દીપ પ્રાગટ્ય કરી મહોત્સવનું પ્રારંભ કરવામાં આવ્યો હતો.
ભરૂચની શ્રવણ ચોકડી સ્થિત પણ બંગાળી સમાજ દ્વારા દુર્ગા માતાની સ્થાપના કરી ચાર દિવસ દરમિયાન વિવિધ ધાર્મિક કાર્યક્રમો સાથે સેવાકીય પ્રવૃત્તિ કરવામાં આવે છે.સાથે સાથે છેલ્લા બે વર્ષથી કોરોના સંક્રમણના કારણે દુર્ગાષ્ટમી મહોત્સવ ફીકો પડ્યો હતો.તાજેતરમાં કોરોના સંક્રમણનું સંકટ ટળી જવાના કારણે હવે દુર્ગાષ્ટમી મહોત્સવ ઉજવવા માટે પણ બંગાળી સમાજમાં અનેરો ઉત્સાહ અને ઉમંગ જાેવા મળી રહ્યો છે.
ભરૂચની પવિત્ર નર્મદા નદીની માટીમાંથી દુર્ગા માતા સહિત ગણેશજી કાર્તિકીએ અને લક્ષ્મીજી સહિત વિવિધ દેવતાઓની પ્રતિમાઓ તૈયાર કરી સ્થાપિત કરવામાં આવી છે.આસોનોમ સુધી બંગાળી સમાજ દુર્ગાષ્ટમી મહોત્સવ ભક્તિ ભાવપૂર્વક ઉજવશે અને વિજયા દશમીના દિવસે દુર્ગાપૂજા નું સમાપન કરવા માટે માતાજીની ભવ્ય વિસર્જન યાત્રા નર્મદા નદી ખાતે પહોંચી નર્મદા નદીમાં દુર્ગા માતાનું વિસર્જન કરી મહોત્સવ સમાપન કરનાર છે.