5G કનેક્ટેડ એમ્બ્યુલન્સ દર્દીના આવે તે પહેલા જ હોસ્પિટલને દર્દીની માહિતી પહોંચાડી દેશે
રોબોટિક આર્મ અલ્ટ્રાસાઉન્ડ કરશે-રોબોટ દર્દીના પથારી સુધી દવા અને ખોરાક પહોંચાડશે
નવી દિલ્હી, રિલાયન્સ જિયોએ ઇન્ડિયન મોબાઇલ કોંગ્રેસમાં 5G કનેક્ટેડ એમ્બ્યુલન્સ રજૂ કરી છે. આ એક એવી એમ્બ્યુલન્સ છે જે ડિજિટલ રીતે દર્દીની તમામ મહત્વપૂર્ણ માહિતીને વાસ્તવિક સમયમાં હોસ્પિટલ સુધી પહોંચાડશે અને તે પણ દર્દીના આગમન પહેલા. તબીબી કટોકટીના કિસ્સામાં, હોસ્પિટલમાં હાજર ડોકટરો દર્દીના આગમન પહેલા જ તમામ જરૂરી વ્યવસ્થા કરી શકે છે. આ એમ્બ્યુલન્સ જોઈને ભવિષ્યમાં મેડિકલ ઈન્ડસ્ટ્રીનો ચહેરો કેટલો બદલાઈ જશે તેનો અંદાજ તમે લગાવી શકો છો.
જિયોના પેવેલિયનમાં એક રોબોટિક આર્મ પણ જોવા મળશે, જે એક્સ-રે અને અલ્ટ્રાસાઉન્ડ કરવામાં નિષ્ણાત છે. ખરેખર, Jio True 5G દ્વારા સેંકડો માઇલ દૂર બેઠેલા રેડિયોલોજિસ્ટ અથવા સોનોગ્રાફર તેને સરળતાથી ચલાવી શકે છે. આ રોબોટિક આર્મ શહેરમાં બેઠેલા રેડિયોલોજિસ્ટને ગ્રામીણ દર્દીઓ સાથે સીધા જોડી દેશે. હવે ગ્રામજનોએ એક્સ-રે અને અલ્ટ્રાસાઉન્ડ જેવી પ્રાથમિક તબીબી જરૂરિયાતો માટે શહેરમાં કે શહેરની આસપાસ ભટકવું નહીં પડે અને રિપોર્ટ પણ ઘરે બેઠા મળી શકશે.
રિલાયન્સ દિવાળી પર 5G સેવા શરૂ કરી રહ્યું છે. તેના ટ્રુ 5G નેટવર્કની હાઇ સ્પીડ અને ઓછી લેટન્સીના કારણે રિલાયન્સ જિયો રોજિંદા જીવન માટે સંખ્યાબંધ ટેકનોલોજીકલ સોલ્યુશન્સ ઉપર પણ કામ કરી રહ્યું છે. આમાંની એક ટેકનોલોજી છે Jio 5G હેલ્થકેર ઓટોમેશન.
કોવિડ મહામારી દરમિયાન હોસ્પિટલોના આઇસોલેશન વોર્ડમાં ઘણા ફ્રન્ટલાઈન કર્મચારીઓએ પોતાનો જીવ ગુમાવ્યો હતો. રિલાયન્સ જિયો આવા 5G નિયંત્રિત રોબોટ્સની ટેક્નોલોજી પર કામ કરી રહ્યું છે જે આઈસોલેશન વોર્ડ તેમજ અન્ય દર્દીઓને દવાઓ અને ભોજન પહોંચાડવામાં સક્ષમ હશે.
ક્લાઉડ આધારિત 5G નિયંત્રિત રોબોટ્સના ઉપયોગને કારણે ભૂલની શક્યતા નહિવત્ હશે. તેમની જાળવણી અને સેનિટાઈઝેશન પણ રોબોટિક ફ્લીટ મેનેજમેન્ટ સિસ્ટમ સાથે માણસો કરતાં વધુ સરળ બનશે અને સૌથી અગત્યનું, હજારો ફ્રન્ટલાઈન કર્મચારીઓ અને દર્દીઓના જીવન બચાવી શકાશે.