અડાલજ ખાતે કાલુપુર સ્વામિનારાયણ મંદિર દ્વારા યોજાયેલ ’આચાર્ય વંદના’ કાર્યક્રમ
માનવ કલ્યાણ, સમાજ ઉત્થાન અને પ્રકૃતિ જતન જેવી વિચારઘારાને વિશ્વમાં આગળ વઘારવાનું કામ સ્વામિનારાયણ સંપ્રદાય કરી રહ્યું છે : રાજયપાલશ્રી
જીવનમાં માણસાઇનો ભાવ પેદા થવો ખૂબ જરૂરી છે. આ ભાવ નહિ આવે ત્યાં સુઘી ગમતે કરશો,પણ બદલાવ લાવી શકાશે નહિ : પૂ. કૌશલ્યપ્રસાદ સ્વામી
માનવ કલ્યાણ, સમાજ ઉત્થાન અને પ્રકૃતિ જતન જેવી વિચારઘારાને વિશ્વમાં આગળ વઘારવાનું કામ સ્વામિનારાયણ સંપ્રદાય કરી રહ્યું છે, તેવું કાલુપુર સ્વામિનારાયણ મંદિરના અડાલજ ખાતે આયોજિત ’ આચાર્ય વંદના ’ કાર્યક્રમમાં રાજયપાલ શ્રી આચાર્ય દેવવ્રતે જણાવ્યું હતું.
કાલુપુર સ્વામિનારાયણ મંદિરના પૂ. કૌશલ્યપ્રાસદ સ્વામી ના ૫૦ વર્ષ માનવતાની સેવા સાથે પૂર્ણ કર્યા તે બદલે તેમને જન્મ દિવસની શુભકામનાઓ પાઠવીને રાજયપાલ શ્રી આચાર્ય દેવવ્રતે તેઓ ૧૦૦ વર્ષ કરતાં વઘુ જીવે. સ્વસ્થ- નિરોગી જીવન સાથે માનવ કલ્યાણ- ઉત્થાનના કામ કરવાની શક્તિ ઇશ્વર તેમને આપે તેવી પ્રાર્થના પણ કરી હતી.
સમાજને સુખ- શાંતિનો માર્ગ આપવાનું કામ સ્વામિનારાયણ સંપ્રદાય કરી રહ્યું છે, તેવું કહી રાજયપાલશ્રીએ ઉમેર્યું હતું કે, મહાપુરૂષના જન્મ જ પરોપકાર માટે થાય છે. ભગવાને આ જીવસૃષ્ટિમાં જે કોઇપણ વસ્તુનું નિર્માણ કર્યું છે, તે નિર્થક નથી. તેની દષ્ટાંતપૂર્વક વાત કરી હતી. દરેક વ્યક્તિનું જીવન ખાવા-પીવા અને મજા માટે નહિ, પણ આપણા સૌનું જીવનનો એક ઉદ્દેશ હોય છે. માનવ જીવનમાં ઇશ્વર પ્રાપ્ત થતાં જીવનમાં સર્વે મળી ગયું હોવાનો અહેસાસ થાય છે. ઇશ્વર મળ્યા બાદ આપને બીજુ કંઇ પ્રાપ્ત કરવાનો મોહ રહેતો નથી.
પ્રાકૃતિક ખેતીમાં ઉત્પાદન ઘટતું નથી, તેવું કહી તેમણે ઉમેર્યું હતું કે, ભારતને આત્મનિર્ભર બનાવવા માટે ખેડૂતોને આત્મનિર્ભર બનાવવા ખૂબ જરૂરી છે. આજે આ રાહને પ્રોત્સાહન આપવા માટે કાલુપુર સ્વામિનારાયણ સંપ્રદાયે ૩૦૦થી વઘુ ગુજરાતના પ્રાકૃતિક ખેતી કરતાં ખેડૂતોનું સન્માન કર્યું, તે વાત પ્રસંશનીય છે. પ્રાકૃતિક ખેતી કરી પ્રકૃતિનું જતન કરવાના પવિત્ર મિશનમાં જોડાયેલ ખેડૂતોને અન્ય ખેડૂતોને આ મિશનમાં સહભાગી બનાવવા માટેનું પણ આહૂવાન તેમણે કર્યું હતું. ગુજરાતમાં આજે અઢી લાખ ખેડૂતો પ્રાકૃતિક ખેતી કરી રહ્યા છે, તે વાતનો આનંદ વ્યક્ત કરીને પ્રાકૃતિક ખેતી થકી થનાર લાભાલાભની પણ વિસ્તૃત વાત કરી હતી. પ્રાકૃતિક ખેતી થકી પર્યાવરણ, જળ, વાયુ, જમીન અને સૃષ્ટિનું જતન થાય છે. તેની સાથે વ્યક્તિઓનું સ્વાસ્થ પણ સારું રહે છે.
રાજયપાલશ્રીએ ઉમેર્યું હતું કે, કાલુપુર સ્વામિનારાયણ મંદિર દ્વારા રાષ્ટ્રભક્તિનો ભાવ પેદા કરવાનો, વૃક્ષોરોપણ, બેટી બચાવો, વ્યસન મુક્તિ, સ્વચ્છતા, શિક્ષણ જેવા સમાજ જાગૃત્તિના અનેક કામ કરવામાં આવી રહ્યા છે. જેથી જ મને આ સંપ્રદાયના કાર્યક્રમમાં આવતા જ મારા મનમાં પોતિકા વચ્ચે આવ્યો હોવાનો ભાવ પેદા થાય છે.
કાલુપુર સ્વામિનારાયણ મંદિરના શ્રી પૂ. કૌશલ્યપ્રસાદ સ્વામીજીએ આર્શીવચન પાઠવતાં કહ્યું હતું કે, પ્રાકૃતિક ખેતીની વિચારધારા આગળ વધારવા અને પ્રકૃતિને બચાવવા માટે અમે તમારી સાથે છીએ. આપણી સંસ્કૃતિમાં પ્રકૃતિની પૂજા કરવામાં આવે છે. દરેકના જીવનમાં માણસાઇનો ભાવ પેદા થવો ખૂબ જરૂરી છે. આ ભાવ નહિ આવે ત્યાં સુઘી ગમતે કરશો, પણ બદલાવ લાવી શકાશે નહિ.
તેમણે સર્વે પ્રાકૃતિક ખેતી કરતાં ખેડૂતોને તેમના આ ઉમદા કાર્ય બદલ અભિનંદન પાઠવી જણાવ્યું હતું કે, આપની પાસે રહેલું ઘન અને વિઘા કોઇ બીજાના ઉપયોગ માટે નહિ વાપરો ત્યાં સુઘી કંઇ કામનું નથી, તેવું કહી ખેડૂતોને આ ખેતી તરફ અન્ય ખેડૂતોને સહભાગી કરવા માટે હાંકલ પણ કરી હતી. ધર્મ વ્યક્તિના જીવનને શિક્ષણ અને જીવન જીવવાનો સાચો માર્ગ આપે છે. કોઈ કાર્ય થકી કોઇનું ભલું થાય તેને જીવનમાં હમેશાં કરવું જોઈએ, તેવું પણ જણાવ્યું હતું.
આ પ્રસંગે કાલુપુર મંદિરના પૂ. તેજેન્દ્રપ્રસાદ સ્વામી, અને વજેન્દ્ર પ્રસાદ સ્વામી સહિત હરિભક્તો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.