Western Times News

Gujarati News

શિક્ષણ, પર્યાવરણ અને ઉદ્યોગોના વિકાસ માટેનો માર્ગ 5G ટેકનોલોજી મોકળો કરી આપશે

મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલ અમદાવાદના દસક્રોઇ તાલુકાના રોપડા ગામે આયોજિત  સમારોહમાં સહભાગી થયા

વડાપ્રધાનશ્રીએ રોપડા પ્રાથમિક શાળાના વિદ્યાર્થી સાથે વર્ચ્યુઅલ સંવાદ કર્યો

મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલ વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઇ મોદીએ નવી દિલ્હીથી 5-G સેવાઓના કરેલા લોંન્ચિગ અને ઇન્ડીયન મોબાઇલ કોંગ્રેસના ૬ ઠ્ઠા સંસ્કરણના પ્રારંભ અવસરમાં અમદાવાદ જિલ્લાના રોપડા ગામથી સહભાગી ગયા હતા.

વડાપ્રધાનશ્રીના પ્રેરણાદાયી સંદેશનું નવી દિલ્હીથી જિવંત પ્રસારણ તથા શાળાના બાળકો સાથે વર્ચ્યુઅલ સંવાદનો કાર્યક્રમ દેશના અન્ય રાજ્યો સાથે ગુજરાતમાં પણ યોજાયો હતો.

મુખ્યમંત્રીશ્રી આ અંતર્ગત દસક્રોઇના રોપડા ગામની પ્રાથમિક શાળામાં પહોંચ્યા હતા અને વડાપ્રધાનશ્રી દ્વારા નવી દિલ્હીથી થયેલા 5-G સેવાઓના લોંન્ચિગમાં જોડાયા હતા.

મુખ્યમંત્રીશ્રીએ આ પ્રસંગે રોપડા શાળામાં આયોજિત કાર્યક્રમમાં જણાવ્યું કે, ભારતમાં ડિજિટલ ક્રાંતિનો એક નવો અધ્યાય આજથી શરૂ થયો છે. 5Gની મદદથી ઔદ્યોગિક ક્ષેત્ર સહિત શિક્ષણ, પર્યાવરણ, આરોગ્ય જેવા અનેક ક્ષેત્રોમાં ઘણા કામ હવે ઝડપી અને વધુ સરળ થઇ જશે.

એટલું જ નહીં, 5G ટેકનોલોજી આવવાથી માનવ જીવનના દરેક ક્ષેત્રે મોટાં પરિવર્તનો આવશે, એવું તેમણે ઉમેર્યું હતું.

મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલે વધુમાં જણાવ્યું કે આજે વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઇ મોદીએ ટેલિકમ્યૂનિકેશન-સંચાર માટેની 5G ટેકનોલોજી દેશને સમર્પિત કરી છે તે ઉદ્યોગોમાં ઓટોમેશન વધારવા માટેનો માર્ગ મોકળો કરી આપશે.

5G ટેક્નોલોજીના હાઇ પર્ફોર્મન્સ અને હાઇ સ્પીડને કારણે નવા ઉદ્યોગો પણ ખીલશે. રોજગાર અને તાલીમના નવા ક્ષેત્રો ઉભરવાની સાથે વિકાસના નવા દ્વાર પણ ખુલશે એવો આશાવાદ તેમણે વ્યક્ત કર્યો હતો.

મુખ્યમંત્રીશ્રીએ કહ્યું કે ઔદ્યોગિક ઉપરાંત હેલ્થકેરના ક્ષેત્રમાં 5G સેવાઓથી જનઆરોગ્ય સુરક્ષાનું માળખું વધુ વ્યાપક અને સુદ્રઢ બનશે.

શિક્ષણ ક્ષેત્રે 5Gથી થનારા લાભ અંગે તેમણે જણાવ્યું કે શિક્ષકો અને અધ્યાપકો 5Gની મદદથી વિદ્યાર્થીઓને વર્ચ્યુઅલ માધ્યમથી હાજર રહી શિક્ષણ આપી શકશે. એ ઉપરાંત રાજ્ય સરકારના દીક્ષા, જી-શાળા, ઇ-ક્લાસ, વિદ્યા સમીક્ષા કેન્દ્ર જેવા અનેક શૈક્ષણિક પ્રકલ્પો વધુ અસરકારક અને કાર્યક્ષમ બની શકશે.

વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઇ મોદીના માર્ગદર્શનમાં દેશમાં ડિજટલ ઇકો સિસ્ટમ વિકસાવવામાં મદદ મળી હોવાનો ઉલ્લેખ કરી મુખ્યમંત્રીશ્રીએ કહ્યું કે દેશમાં આવનારી આ ટેલિકોમ્યુનિકેશન ક્રાંતિના પ્રણેતા વડાપ્રધાનશ્રી છે.

કેટલીય સરકારી સેવાઓ મોબાઈલ ફોન-ઈન્ટરનેટથી આંગળીના ટેરવે ઉપલબ્ધ બની છે. ડિજિટલ ટ્રાન્ઝેક્શન, યુ.પી.આઈ., ઓનલાઈન બુકિંગ, ફૂડ ડિલિવરી એપ, એવી અનેક મહત્વની બાબતો ડિજિટલ ટેક્નોલોજીને કારણે શક્ય બની છે. 4Gથી આ બદલાવ આવી શક્યો હોય તો હવે જે 5G ટેકનોલોજી આવશે તેના અનેક પ્રભાવક અને પરિણામલક્ષી ફાયદા થવાના છે તેની તેમણે છણાવટ કરી હતી.

એક અંદાજ મુજબ 5Gની શરૂઆત બાદ આગામી ત્રણ વર્ષમાં દેશમાં ડેટા વપરાશમાં બમણો વધારો થશે, તેવો વિશ્વાસ પણ તેમણે વ્યક્ત કર્યો હતો.

આ ટેકનોલોજીના ફાયદાનો ઉલ્લેખ કરી મુખ્યમંત્રીશ્રીએ જણાવ્યું હતું કે 5G અને ડ્રોનની મદદથી ખેડૂતો જંતુનાશક દવાઓનો છંટકાવ પણ આસાનીથી કરી શકશે. 5G ટેકનોલોજી 6 જીબી પ્રતિ સેકન્ડ સુધીની સ્પીડ આપે છે, ઇન્ટરનેટ હવે એક સહજ અને સસ્તી ઇન્ટેન્જીબલ કોમોડીટી બની જશે, એમ મુખ્યમંત્રીશ્રીએ ઉમેર્યું હતું.

ડિપાર્ટમેન્ટ ઓફ ટેલિકોનિકેશનના જનરલ મેનેજર શ્રી ગુંજન દવેએ 5G  સેવાથી  થનારા લાભોની વિસ્તૃત જાણકારી સ્વાગત પ્રવચનમાં આપી હતી.

વડાપ્રધાનશ્રીએ રોપડા પ્રાથમિક શાળાના ધોરણ આઠમાં ભણતા જૈમિની ઠાકોર અને હાર્દિક ઠાકોર સાથે સંવાદ કર્યો હતો.

આ પ્રસંગે દસ્કોઈના ધારાસભ્ય શ્રી બાબુભાઈ જમનાદાસ પટેલ, જિલ્લા ભાજપ પ્રમુખ શ્રી હર્ષદગીરી ગોસ્વામી, રિલાયન્સ ગ્રુપના શ્રી ધનરાજ નથવાણી, સાયન્સ એન્ડ ટેકનોલોજી વિભાગના સચિવ શ્રી વિજય નેહરા, જિલ્લા કલેક્ટર શ્રી સંદીપ સાંગલે, જિલ્લા વિકાસ અધિકારી શ્રી અનિલ ધામેલીયા, શાળા પરિવાર, વિદ્યાર્થીઓ, શિક્ષકો પણ ઉપસ્થિત રહ્યા હતા.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.