ગુજરાત જ્ઞાન ગુરુ ક્વિઝમાં ઓલપાડની મહાદેવ શાસ્ત્રી વિદ્યાલયનાં વિદ્યાર્થીઓ ઝળક્યા
સુરત, ગુજરાત રાજ્યનાં શિક્ષણ વિભાગ દ્વારા ‘જાણશે ગુજરાત, જીતશે ગુજરાત’ અંતર્ગત જ્ઞાન ગુરુ ક્વિઝ યોજવામાં આવી છે. છેલ્લા બે માસથી શરૂ થયેલ આ સ્પર્ધા ૭૩ દિવસ સુધી ચાલશે. આ ઓનલાઇન સ્પર્ધામાં તમામ કેટેગરીમાં સેંકડો સ્પર્ધકો ઉત્સાહભેર ભાગ લેતાં હોય છે. આ સ્પર્ધાનાં વિજેતાઓની યાદી દર બે સપ્તાહે નિર્ધારીત વેબસાઇટ પર પ્રસિધ્ધ કરવામાં આવે છે.
જે અંતર્ગત સુરત જિલ્લાનાં ઓલપાડ તાલુકાનાં ટોપ-૧૦ વિજેતાઓની યાદી પ્રસિદ્ધ કરવામાં આવી હતી. જેમાં ઓલપાડ નગર સ્થિત મહાદેવ શાસ્ત્રી વિદ્યાલયનાં નવ વિદ્યાર્થીઓ ડંકો વગાડ્યો હતો. શાળાનાં વિદ્યાર્થીઓ ઐશ્વર્યા સિદ્ધપુરીયા, ભૂમિકા પટેલ, રિયા પટેલ, નકુલ પટેલ, રીન્કુ પટેલ, ત્રિશુ પટેલ, દીક્ષા કોન્ટ્રાક્ટર, તન્વી પટેલ તથા નિધિ પટેલે સમગ્ર તાલુકામાં નોંધપાત્ર સ્થાન હાંસલ કરી શાળાનું ગૌરવ વધારેલ છે.
વિદ્યાર્થીઓની આ ઝળહળતી સિધ્ધિ બદલ શાળાનાં આચાર્ય પંકજભાઈ પટેલ, શાળા પરિવાર તેમજ ટ્રસ્ટી મંડળે સૌને ગૌરવસહ હાર્દિક અભિનંદન પાઠવ્યા હતાં.