Western Times News

Gujarati News

જિયોની ક્લાઉડ ગેમિંગ ટેક્નોલોજીથી એન્ટ્રી લેવલના 5G મોબાઈલમાં પણ હાઈ-એન્ડ ગેમિંગ શક્ય બનશે

આંતરરાષ્ટ્રીય ટુર્નામેન્ટમાં ભારતીય ખેલાડીઓના ક્રમાંક સુધારશે- કોમેન્ટરી અને લાઈવ સ્ટ્રીમિંગ ક્રિકેટ જેવું હશે
‘જિયો ગેમ વૉચ’ પર મજા માણી શકાશે

નવી દિલ્હી, ગેમિંગ ઈન્ડસ્ટ્રીનો ચહેરો સંપૂર્ણપણે બદલાઈ જવાનો છે. કારણ કે હવે હાઈ-ગ્રાફિક અથવા કહો કે હાઈ-એન્ડ ગેમિંગ રમવા માટે મોંઘા ગેજેટ્સની જરૂર રહેશે નહીં. 5G ટેક્નોલોજીથી એન્ટ્રી-લેવલ 5G મોબાઇલ ફોન ધરાવતા ગેમર્સ પણ હવે હાઇ-એન્ડ ગેમ રમવાનો આનંદ માણી શકશે. હાઈ-ગ્રાફિક્સ/ હાઈ-એન્ડ ગેમ્સ કોઈપણ મોબાઈલ, લેપટોપ, પીસી અને જિયો સેટ ટોપ બોક્સ પર રમી શકાય છે.

જિયોની ક્લાઉડ ગેમિંગ ટેક્નોલોજી દ્વારા આ શક્ય બનશે. જિયોની ક્લાઉડ ગેમિંગ ટેક્નોલોજીથી દેશમાં ઈ-સ્પોર્ટ્સને વેગ મળવાની અપેક્ષા છે. રિલાયન્સ જિયોએ આ ક્લાઉડ ગેમિંગ ટેક્નોલોજીને દિલ્હીના પ્રગતિ મેદાન ખાતે ચાલી રહેલી ઈન્ડિયા-મોબાઈલ-કોંગ્રેસમાં પ્રદર્શિત કરી છે.

દેશના ગેમિંગના રસિયાઓ માટે સૌથી મોટા અને સારા સમાચાર છે. ભારતીય પ્રોફેશનલ ગેમર્સને હવે આંતરરાષ્ટ્રીય ખેલાડીઓની જેમ હાઇ સ્પીડ અને ઓછી લેટન્સી મળશે. તેઓ તેમના મોબાઈલ પર આંતરરાષ્ટ્રીય ગેમિંગ ટુર્નામેન્ટની પ્રેક્ટિસ કરી શકશે. જો પ્રેક્ટિસ વધુ થશે તો તેમના ઈન્ટરનેશનલ રેન્કમાં પણ સુધારો થશે. સૌથી સારી વાત એ છે કે આ માટે તેમને ફાયબર અથવા ડેડિકેટેડ લીઝ લાઇનની જરૂર નથી.

ગેમિંગમાં ઉમેરવામાં આવનારું બીજું રસપ્રદ પરિમાણ ‘ગેમ લાઈવ સ્ટ્રીમિંગ’ અને ‘લાઈવ કોમેન્ટરી’ છે. રિલાયન્સ જિયોની આ ટેક્નોલોજી દ્વારા ગેમ રમવાની સાથે હવે તેનું લાઈવ ટેલિકાસ્ટ ‘જિયો ગેમ વોચ’ પર કરી શકાશે. તે ભારતીય ઈ-સ્પોર્ટ્સમાં નવા પ્રાણ પૂરશે.

જિયો ગેમ વોચ પર ગેમિંગ સ્ક્રીનના ટેલિકાસ્ટ સાથે ગેમર્સ લાઈવ કોમેન્ટ્રીમાં પણ પોતાનો હાથ અજમાવી શકે છે. બહુવિધ લોકો તેમની કોમેન્ટ્રી સાથે તેમની પોતાની ચેનલ પર એક જ સમયે એક જ ગેમનું જીવંત પ્રસારણ કરી શકશે. ક્રિકેટ જેવી કોમેન્ટરી રાખવાથી ભારતમાં ઈ-સ્પોર્ટ્સમાં હિસ્સો લેવા ઈચ્છતા લોકોની સંખ્યામાં પણ વધારો થશે. આ ટેક્નોલોજી પ્રોફેશનલ ગેમર્સ તેમજ ઈ-સ્પોર્ટ્સના શોખીનોને આકર્ષશે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.