હૈદ્રાબાદમાંથી પોલીસે ત્રણ આતંકવાદીની ધરપકડ કરી
(એજન્સી)હૈદરાબાદ, તેલંગાણાની રાજધાની હૈદરાબાદમાં આતંકવાદી હુમલાનું કાવતરું ઘડવા બદલ પોલીસે ત્રણ લોકોની ધરપકડ કરી છે. પોલીસે તેમના કબજામાંથી ચાર ગ્રેનેડ, ૫ લાખ ૪૧ હજાર ૮૦૦ રૂપિયાની રોકડ, ૫ મોબાઈલ ફોન અને એક મોટરસાઈકલ જપ્ત કરી છે.
ત્રણેય પાકિસ્તાન સ્થિત આતંકવાદી સંગઠન લશ્કર-એ-તૈયબા સાથે જાેડાયેલા હોવાની આશંકા છે. ત્રણેય શકમંદો પર સંઘ અને ભાજપના નેતાઓ પર હુમલાનો પણ આરોપ છે. જાેકે, સ્ટેટ કાઉન્ટર-ઈન્ટેલિજન્સ સેલ અને સ્પેશિયલ ટાસ્ક ફોર્સ સમક્ષ તેણે આપેલા નિવેદનોમાં તેનો ઉલ્લેખ નથી.
પોલીસના જણાવ્યા પ્રમાણે મલકપેટના અબ્દુલ ઝાહિદે વિસ્ફોટો અને અન્ય આતંકવાદી કૃત્યોનું કાવતરું ઘડવા માટે જૂના સહયોગીઓ સાથે પાકિસ્તાન સ્થિત આએસઆઈ સાથે ફરી સંપર્ક કર્યો હતો. તે આ પહેલા પણ હૈદરાબાદમાં આતંકવાદ સાથે જાેડાયેલા અનેક મામલોમાં સામેલ હતો.
નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે જાહિદને ૪ ગ્રેનેડનો જથ્થો મળ્યો હતો અને તે હૈદરાબાદમાં સનસનાટીભર્યા આતંકી હુમલાને અંજામ આપવા જઈ રહ્યો હતો. પોલીસની એક ટીમે ઝડપથી કાર્યવાહી કરી અને અકબર બાગના અબ્દુલ ઝાહિદ, સૈયદબાદના મોહમ્મદ, સમીરુદ્દીન અને મેહદીપટનમના હુમાયુ નગરના માઝ હસન ફારૂકની ધરપકડ કરી લીધી છે.
પ્રાથમિક તપાસમાં જાણવા મળ્યું છે કે, અબ્દુલ ઝાહિદ અગાઉ હૈદરાબાદમાં આતંકવાદ સંબંધિત અનેક કેસોમાં સંડોવાયેલો હતો જેમાં ૨૦૦૫માં હૈદરાબાદ સિટી પોલીસ કમિશનરની બેગમપેટ ખાતેની ટાસ્ક ફોર્સ ઓફિસ પર થયેલા આત્મઘાતી હુમલો પણ સામેલ છે.
તપાસમાં એ પણ બહાર આવ્યું છે કે, ઘણા આતંકવાદી કેસોમાં વોન્ટેડ અને હૈદરાબાદ શહેરના વતની ફરહતુલ્લા ઘોરી, સિદ્દીકી બિન ઉસ્માન અને અબ્દુલ મજીદ ફરાર થઈ ગયા હતા. ત્રણેય પાકિસ્તાનમાં સ્થાયી થયા હતા અને હવે આઈએસઆઈના આકાઓ હેઠળ કામ કરી રહ્યા છે. પોલીસ ટીમ આરોપીઓની પૂછપરછના આધારે આગળની કાર્યવાહી હાથ ધરશે.