ઈશારાની ભાષામાં તાલીમ આપીને ખેલાડીઓનું ઘડતર કરતાં આ મહિલા દિવ્યાંગ કોચ
ઈશારાની ભાષામાં અઘરી રમતનું સફળ પ્રશિક્ષણ-મૂકમ કરોતિ વાચાલમ પંગુ લંઘયતે ગીરીમ
વડોદરા, ભારતીય સંસ્કૃતિએ દિવ્યાંગની ક્ષમતાઓનો પ્રભુની કૃપા સાથે જોડીને સદીઓથી મહિમા કર્યો છે. હરિયાણાના જીમ્નાસ્ટીક કોચ આ શ્લોકની ભાવનાને યથાર્થ ઠેરવતું જીવંત અને જ્વલંત ઉદાહરણ છે.
જીવનના પાંચ દાયકા વટાવી ચૂકેલા અંજુ દુઆ જન્મજાત મૂક બધિરતા ધરાવતા દિવ્યાંગ છે. Arjuna awardee Gymnastics coach Anju Dua make her actions speak louder than words
તેમણે પ્રકૃતિ દત્ત આ ઉણપથી હતાશ થયાં વગર ખૂબ અઘરી ગણાતી જીમ્નાસ્ટીક ની રમતમાં ખેલાડી તરીકે જાતે જ્વલંત સફળતા મેળવી છે અને હવે ઈશારાની ભાષામાં સશક્ત પ્રશિક્ષણ આપીને સશક્ત ખેલાડીઓનું ઘડતર કરી રહ્યાં છે.
એમના તાલીમાર્થીઓ ઘડીભરમાં એમના ઈશારા સમજી જાય છે અને પોતાની રમતને ઊર્જાવાન બનાવે છે.વડોદરામાં નેશનલ ગેમ રમવા આવેલી ધ્રુવી ચૌધરી કહે છે કે,” શરૂઆતના થોડા દિવસ અમને અંજુ મેડમ પાસે તાલીમ લેવામાં થોડી તકલીફ પડી.પણ તે પછી એમની ઈશારાની ભાષાએ અમને આ રમતના અદભુત કૌશલ્યો શીખવાડયા છે અને એમની મૂકબધિર તાલીમથી અમે આ રમતમાં મેડલ જીતવાનું ઝનૂન કેળવી શક્યા છે. એની જ ટીમ મેટ લાઈફ એની આ વાતને અનુમોદન આપે છે.
અંજુએ પોતે મૂક બધિરતા થી હતાશ થયાં વગર ૮ વર્ષની કુમળી વયે જીમ્નાસ્ટીકની તાલીમ લેવાની શરૂ કરી હતી.જે રીતે ઈશારાની ભાષામાં બીજાને પ્રશિક્ષણ આપવાનું અઘરું છે તે રીતે મૂક બધીરતા સાથે આ અઘરી રમતની તાલીમ મેળવવી અઘરી છે. જો કે અંજુ એ આ તમામ મર્યાદાઓ પર વિજય મેળવ્યો અને આ રમતના ખેલાડી તરીકે રાષ્ટ્રીય સ્પર્ધાઓમાં ૧૨ સુવર્ણ,૨૨ રજત અને સંખ્યાબંધ કાંસ્ય ચંદ્રકો જીતી લઇને પોતાનું કૌવત બતાવ્યું છે.
એમના સાથી કોચ કહે છે કે અંજુ મેમ એટલી એકાગ્રતાથી તાલીમ આપે છે કે તાલીમ દરમિયાન ખેલાડીની નાનામાં નાની ચૂક તેમના ધ્યાનમાં અચૂક આવી જાય છે.આમ,તેઓ શિલ્પી પ્રતિમા ઘડે એ રીતે ટચાકા મારીને ખેલાડીઓને પરફેક્ટ બનાવે છે.
તેમના તાલીમાર્થીઓ તેમની પાસે તાલીમ લેતાં ખૂબ જ શુકુન અનુભવે છે.તેઓ તેમના માટે ગુરુ,ગાઈડ અને માતા જેવા બની જાય છે. શરીર ઘડતરમાં ખામી રહી જાય એ આમ તો કુદરતનો વાંક છે.અંજુ દુઆએ પોતાના આત્મબળથી એ ખામીને ખુબીમાં ફેરવી છે. ઈશારાની ભાષામાં સશક્ત તાલીમ આપીને મેડલ વિજેતા ખેલાડીઓ ઘડતા અંજુ મેમ સલામને પાત્ર છે.