Western Times News

Gujarati News

રસ્તા પર બેઠેલી ગાયો સામે હોર્ન મારતા યુવક પર હુમલો

અમદાવાદ, સમગ્ર રાજ્યોમાં રખડતા ઢોરનો મુદ્દો ખાસ્સો ચર્ચાસ્પદ બન્યો છે, ત્યારે વિરમગામમાં રસ્તા પર બેઠેલી ગાયોને હટાવવા માટે હોર્ન મારનારા એક યુવક પર હુમલો કરાયો હોવાની ફરિયાદ પોલીસના ચોપડે નોંધાઈ છે.

વિરમગામ તાલુકાના ઓગણ ગામની આ ઘટનામાં ફરિયાદી મયૂરસિંહ જાધવ (ઉં. ૨૦ વર્ષ) છે, જેમણે પોતાના જ ગામના મહેન્દ્ર ભરવાડ અને અન્ય સાત લોકોએ પોતાના પર હુમલો કર્યો હોવાનો આરોપ મૂક્યો છે.

વિરમગામ ગ્રામ્ય પોલીસ સ્ટેશનમાં નોંધાયેલી ફરિયાદ અનુસાર, મયૂરસિંહ જાધવ પોતાના માતા રંજનબેન સાથે સોમવારે સાંજે મંદિરેથી પરત આવી રહ્યા હતા ત્યારે રસ્તામાં બેઠેલી ગાયોને કારણે કાર કાઢવાની જગ્યા નહોતી. જેથી તેમણે ગાયોને હટાવવા માટે હોર્ન મારવાનું શરુ કર્યું હતું. તે વખતે આરોપી મહેન્દ્ર ભરવાડ ત્યાં આવ્યો હતો, રસ્તા પર બેઠેલી ગાયો પણ તેની જ હતી. તેણે મયૂરસિંહને હોર્ન કેમ મારે છે તેવો સવાલ કરીને બબાલ શરુ કરી હતી.

મયૂરસિંહે ગાયોને સરખી રીતે રાખી રસ્તામાં ગમે ત્યાં ના છોડી મૂકવાનું કહેતા મહેન્દ્ર ભરવાડ ચીઢાયો હતો, અને તેણે મયૂરસિંહને ગાળો દેવાનું શરુ કર્યું હતું. ફરિયાદમાં જણાવ્યા અનુસાર, તેણે પોતાના સમાજના અન્ય લોકોને પણ બોલાવી લીધા હતા અને તેમણે મયૂરસિંહની ગાડીના કાચ ફોડી નાખ્યા હતા. આટલેથી ના અટકતા તેમણે લાકડીથી મયૂરસિંહને પણ માર માર્યો હતો.

ફરિયાદમાં એમ પણ જણાવાયું છે કે મયૂરસિંહના માતાએ તેમનો બચાવ કરવાની કોશીશ કરતા તેમના પર પણ હુમલો કરવામાં આવ્યો હતો. એટલું જ નહીં, આરોપીઓએ એવી પણ ધમકી આપી હતી કે જાે ગાયો વિશે કંઈ પણ બોલ્યો છે તો જાનથી મારી નાખીશું.

આ મામલલે પોલીસે કલમ ૧૪૭ (રાયોટિંગ), ૧૪૯ (ગેરકાયદે રીતે મંડળી રચવી), ૩૨૩ (ઈજા પહોંચાડવી), ૫૦૪ (ઈરાદાપૂર્વક સુલેહ-શાંતિનો ભંગ કરવો), ૪૨૭ (ભાંગફોડ) હેઠળ ગુનો નોંધીને આગળની તપાસ હાથ ધરી છે. વિરગમામ પીએસઆઈ આર.યુ. ઝાલાએ આ મામલે જણાવ્યું હતું કે, કેસની તપાસ ચાલુ છે અને હજુ સુધી કોઈની ધરપકડ કરવામાં નથી આવી.SS1MS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.