ડીવાયએસપી ભરવાડ એસીબી સમક્ષ હાજર
અમદાવાદ : છેલ્લા ત્રણ માસથી ફરાર ડીવાયએસપી જે.એમ.ભરવાડ આખરે એસીબી સમક્ષ હાજર થયા છે. જેતપુરના ડીવાયએસપી જે.એમ. ભરવાડ રાજકોટ એસીબી સમક્ષ હાજર થતાં પોલીસ તંત્રમાં પણ ભારે ચર્ચા ચાલી હતી.
સુપ્રીમ કોર્ટમાંથી આગોતરા જામીન મેળવ્યા બાદ જે.એમ. ભરવાડ હાજર થઈ પોતાનું નિવેદન નોંધાવ્યું હતું. ઉલ્લેખનીય છે કે, ત્રણ માસ પહેલા અમદાવાદ એસીબી દ્વારા કોન્સ્ટેબલ વિશાલ સોનારાને આઠ લાખ રૂપિયાની લાંચની રકમ સાથે ઝડપી પાડવામાં આવ્યો હતો. જેમાં સહ આરોપી તરીકે જેતપુરના ડીવાયએસપી ભરવાડનું નામ પણ ખૂલ્યું હતું. છેલ્લા ત્રણ માસથી તેઓ ફરાર હતા ત્યારે બે દિવસ પૂર્વે સુપ્રીમ કોર્ટ દ્વારા આગોતરા જામીન મંજૂર કરતાં તેઓ એસીબી સમક્ષ હાજર થયા હતા.
હથિયારના ગુનામાં પકડાયેલા આરોપીને માર નહી મારવા તેમજ વધુ પૂછપરછ નહી કરવા માટે રૂ.૧૦ લાખની માગણી કરી હતી. બાદમાં આઠ લાખ આપવાનું નક્કી થયું હતું. કોન્સ્ટેબલ વિશાલ સોનારાએ આઠ લાખની રકમ મેળવી હતી. જે રોકડ રકમ સાથે અમદાવાદ એસીબીએ ત્રણ માસ પૂર્વે તેની ધરપકડ કરી હતી.
બાદમાં ડીવાયએસપી જે.એમ.ભરવાડનું નામ ખૂલતાં તેઓ નાસતા ફરતા રહ્યા હતા. તેમને સેશન્સ કોર્ટ અને હાઇકોર્ટમાંથી પણ આગોતરા જામીનમાં રાહત નહી મળતાં છેવટે તેમણે સુપ્રીમકોર્ટમાં આગોતરા જામીન અરજી કરી હતી, જેમાં સુપ્રીમકોર્ટે ભરવાડને રાહત આપતાં તેમના આગોતરા જામીન મંજૂર કર્યા હતા.