Western Times News

Gujarati News

હવાનું પ્રદૂષણ નિયંત્રિત કરવા શહેરમાં મૂકાશે બે મિસ્ટ મશીન

અમદાવાદ, વધતું પ્રદૂષણ મોટી સમસ્યા છે. તેના કારણે સ્વાસ્થ્ય પર પણ ગંભીર અસરો થાય છે. ખાસ કરીને શિયાળાની ઋતુમાં વાયુ પ્રદૂષણના લીધે વૃદ્ધો અને શ્વસન સંબંધિત તકલીફો ધરાવતાં લોકોને ખાસ્સી તકલીફ પડે છે.

અમદાવાદની ગણતરી ગુજરાતના સૌથી પ્રદૂષિત શહેરોમાં થાય છે. વાહનોના ધૂમાડા, ફેક્ટરીઓના ધૂમાડાના લીધે હવાનું પ્રદૂષણ અહીં વધુ છે.

એવામાં હવાના પ્રદૂષણને નિયંત્રિત કરવા માટે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશને સૌપ્રથમવાર આધુનિક મિસ્ટ મશીન વસાવવાનો ર્નિણય કર્યો છે.

શિયાળામાં વાયુ પ્રદૂષણની સમસ્યા વકરે છે. જેના કારણે વૃદ્ધો સહિત અન્ય વયજૂથના લોકોને પણ શ્વસન સંબંધિત સમસ્યાનો સામનો કરવો પડી શકે છે.

અમદાવાદના ઔદ્યોગિક વિસ્તારોમાં પ્રદૂષણનું પ્રમાણ વધારે નોંધાય છે. એ સિવાય પીરાણા ડમ્પિંગ સાઈટ ખાતે પણ વાયુ પ્રદૂષણ વધુ નોંધાય છે.

પશ્ચિમ અમદાવાદમાં ચાલતા કંસ્ટ્રક્શન કામના કારણે હવામાં ધૂળના ઝીણા રજકણો ભળે છે અને તેનાથી પણ હવાનું પ્રદૂષણ વધે છે. અહેવાલ પ્રમાણે, મ્યુનિસિપલ કોર્પોરેશનના હેલ્થ અને સોલીડ વેસ્ટ ખાતાના અધિકારીઓએ સ્વીકાર્યું કે શહેરમાં વાયુ પ્રદૂષણને ડામવા માટે વૃક્ષ સૌથી મહત્વના છે અને ત્યારપછી અન્ય પગલાં લેવા જાેઈએ.

શહેરમાં વાયુ પ્રદૂષણને કાબૂ કરવા માટે ચાલુ વર્ષે લાખો વૃક્ષોનું વાવેતર કરવામાં આવ્યું છે. સાથે જ જુદા-જુદા વિસ્તારોમાં બગીચા, ઓક્સિજન પાર્ક અને તળાવ ડેવલપ કરવામાં આવ્યા છે.

દેશની રાજધાની દિલ્હીમાં સૌપ્રથમ વખત હવાના પ્રદૂષણને નિયંત્રિત કરવા મિસ્ટ મશીનનો ઉપયોગ કરવામાં આવ્યો છે. જે બાદ ગુજરાતમાં પહેલીવાર અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશને કેન્દ્રની ગ્રાન્ટમાંથી બે મિસ્ટ મશીન ખરીદવાનો ર્નિણય કર્યો છે.

૮૮ લાખ રૂપિયાના ખર્ચે બે મશીન ખરીદવાની દરખાસ્તને હેલ્થ કમિટીમાં લીલી ઝંડી બતાવાઈ છે. બે મિસ્ટ મશીન આવ્યા પછી એક પૂર્વ વિસ્તારમાં અને એક પશ્ચિમ અમદાવાદમાં મૂકવામાં આવશે.

ઉપરાંત શહેરમાં વાયુ પ્રદૂષણને કાબૂ કરવા માટે માપક યંત્ર મૂકવામાં આવ્યા છે અને તેના ડેટાને આધારે જે-તે વિસ્તારમાં મશીન મોકલાશે. આઠ હજાર લિટરની પાણીની ટેન્કર સાથેનું મિસ્ટ મશીન હવાના પ્રેશરથી પાણીના ફુવારા દૂર સુધી ઉડાડે ચે, જેના કારણે હવામાં તરતી ધૂળ-ધૂમાડાની રજકણો પાણીના ઝીણા બૂંદ સાથે ચોંટી જાય છે અને જમીન પર આવે છે. આ પ્રકારે હવા શુદ્ધ બને છે.

એટલું જ નબીં મિસ્ટ મશીન એક જગ્યાએ ઊભું રહ્યા બાદ ચારેતરફ પાણીના ફુવારા ઉડાવી શકે છે. આ મશીનોનો ઉપયોગ દિલ્હીમાં ટિ્‌વન ટાવરના ડિમોલીશન વખતે પણ કરવામાં આવ્યો હતો.

જે જાેતાં કોર્પોરેશનના પણ મોટા બાંધકામો તૂટતા હોય ત્યાં ધૂળ અને સિમેન્ટના રજકણ હવામાં ના ફેલાય તે માટે મિસ્ટ મશીન ઉપયોગમાં લઈ શકાશે. ઉપરાંત શહેરના બાગ-બગીચા અને જાહેર માર્ગો પરના વૃક્ષો પર જામતા ધૂળ અને ધૂમાડાને પણ ધોઈ શકાશે.SS1MS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.