પારડીની શ્રી વલ્લભઆશ્રમ શાળામાં આંતરશાળા વાદ-સંવાદ સ્પર્ધા યોજાઈ
(પ્રતિનિધિ)પારડી, શ્રી વલ્લભઆશ્રમ શાળાના આંગણે આંતરશાળેય વાદ-સંવાદ સ્પર્ધા યોજાઈ હતી. જેનો વિષય હતોભારતમાં શિક્ષણ જ્ઞાન આધારિત નહીં પરંતુ કૌશલ્ય આધારિત હોવું જાેઈએ. આ વિષય ખરેખર વિશ્લેષણ માગી લે એવો વિષય હતો.
પરંતુ વલસાડ જિલ્લાની બાર જેટલી ખ્યાતનામ શાળાઓ જેવી કે, શ્રીકૃષ્ણ ઇન્ટરનેશનલ શાળા વાપી, જ્ઞાનધામ શાળા વાપી, સ્વામિનારાયણ ગુરુકુળ ચલા વાપી તથા શોભાબેન પ્રતાપભાઈ પટેલ ડે-ર્બોડિંગ શાળા પારડી જેવી સંસ્થાઓના સ્પર્ધકોએ આ વિષયને તોલી તોલીને ન્યાય આપ્યો હતો.
આ ૧૯મી વાર યોજાયેલી સ્પર્ધાનો પ્રારંભ સૌપ્રથમ સ્પર્ધાના નિર્ણાયક એવા માં ફાઉન્ડેશનના સીઈઓ અમિતભાઈ મહેતા, ભૈરવી દેસાઈ, તથા હેગડે તેમજ શાળા ચેરમેન સ્વામી હરિપ્રસાદદાસજી, શાળા ટ્રસ્ટી બાબુભાઈ ગોગદાણી, દિનેશભાઈ સાકરીયાના વરદ હસ્તે દીપ પ્રાગટ્ય કરી પ્રાર્થના વંદના દ્વારા કરાઈ હતી.
તમામ ૨૪ સ્પર્ધકોએ ખૂબ જ જુસ્સાપૂર્વક પ્રવાહી શૈલીમાં તથા ધારદાર દલીલોથી વાતાવરણને રસપ્રદ બનાવી દીધુ હતું. સ્પર્ધાના પરિણામમાં સમગ્ર રીતે જાેતા વિષયના પક્ષમાં પ્રથમ ક્રમે એલ.જી. હરિયા શાળાની સ્પર્ધક ઉષા સિંઘ, દ્વિતીય ક્રમે વલ્લભઆશ્રમ મુખ્ય શાળાના ધ્રુવી દેસાઈ, જ્યારે ક્રિષ્ના ઇન્ટરનેશનલ સ્કૂલના તનુષિ પૂજારી તૃતીય ક્રમે રહ્યા હતા.
એ જ રીતે સ્પર્ધાની વિરોધમાં પ્રથમ ક્રમે શ્રી વલ્લભઆશ્રમ શાળાના મીતી અગ્રવાલ, બીજા ક્રમે શ્રીવલ્લભ આશ્રમ ડે બોર્ડીંગ શાળાના વેદિકા પટેલ, તૃતીય સ્થાને ક્રિષ્ના ઇન્ટરનેશનલ શાળા વાપીના વિદ્યાર્થીનિ રહ્યા હતાં. જ્યારે સમગ્ર સ્પર્ધા વિજેતા જાહેર થયેલ શાળા તરીકે શ્રીકૃષ્ણ ઇન્ટરનેશનલ શાળા વાપીને જાહેર કરાઈ હતી.
અંતે શાળાના આચાર્ય આર.પી. મૌર્ય સર્વ સ્પર્ધકો તથા અન્ય શાળાના શિક્ષકો, નિર્ણાયકઓ સર્વનો આભાર માનતા શ્રોતા જન એવા વિદ્યાર્થીઓને શ્રેષ્ઠ સ્પર્ધકો કહી એમને પ્રોત્સાહિત કર્યા હતા. આમ સમગ્ર કાર્યક્રમ જ્ઞાનસભર વાતાવરણમાં ઉત્સાહપૂર્વક સંપન્ન થયો હતો.