તહેવારોના સમયે રેલવેના મુસાફરો પર મોંઘવારીનો મારઃ ભાડામાં તોતિંગ વધારો

૧૩૦ ટ્રેનોના તમામ વર્ગના ભાડામાં તોતિંગ વધારો-એસી-૨,૩, ચેરકારમાં ૪૫ રૂપિયા અને સ્લીપર શ્રેણીમાં ૩૦ રૂપિયા પ્રતિ યાત્રી ભાડું વધારી દેવામાં આવ્યું
(એજન્સી)નવી દિલ્હી, રેલવેએ સમગ્ર દેશની ૧૩૦ મેલ-એક્સપ્રેસ ટ્રેનોને સુપરફાસ્ટનો દરજ્જાે આપીને તમામ શ્રેણીઓના ભાડામાં જંગી વધારો કરી દેવાયો છે. જેના હેઠળ ટ્રેનોના એસી-૧ અને એક્ઝિક્યુટીવ શ્રેણીમાં ૭૫ રૂપિયા પ્રતિ મુસાફર, એસી-૨,૩, ચેરકારમાં ૪૫ રૂપિયા અને સ્લીપર શ્રેણીમાં ૩૦ રૂપિયા પ્રતિ યાત્રી ભાડુ વધારી દેવાયુ છે.
આ પ્રકારે મુસાફરને એક પીએનઆરની બુકિંગમાં એસી-૧માં ૪૫૦ રૂપિયા, એસી-૨,૩ માં ૨૭૦ અને સ્લીપરમાં ૧૮૦ રૂપિયા મુસાફરને વધારાની ચૂકવણી કરવી પડશે. આ વ્યવસ્થા એક ઓક્ટોબરથી લાગુ કરી દેવાઈ છે.
જાેકે, આ તમામ ટ્રેનોમાં ખાણી-પીણી, મુસાફર સુરક્ષા અથવા સુવિધાઓમાં કોઈ પ્રકારની વૃદ્ધિ કરવામાં આવી નથી. આમાં એક પૈસા ખર્ચ કર્યા વગર રેલવેએ તમામ શ્રેણીઓમાં ભાડુ વધારી દીધુ છે. રેલવે નિયમ અનુસાર ૫૬ કિલોમીટર પ્રતિકલાકની સરેરાશ રફ્તાર પર ચાલનારી ટ્રેનોને ટાઈમ ટેબલમાં સુપરફાસ્ટનો દરજ્જાે આપવામાં આવે છે.
વિશેષજ્ઞોનુ કહેવુ છે કે ભારતીય રેલવે ૪૫ વર્ષથી ટ્રેનોની સરેરાશ રફ્તાર વધારવામાં નિષ્ફળ રહી છે. જેમાં ચાર દાયકાથી મેલ-એક્સપ્રેસ ટ્રેનોની સરેરાશ રફ્તાર ૫૦થી ૫૮ કિમી પ્રતિકલાક છે જ્યારે રેલવેની પ્રીમિયમ રાજધાની, શતાબ્દી, દુરંતો ટ્રેન વગેરેની સરેરાશ રફ્તાર ૭૦-૮૫ કિમી પ્રતિકલાક છે. ૧૫-૨૦ ટકા ટ્રેનો ક્યારેય પણ નિર્ધારિત ટાઈમ પર પહોંચતી નથી. ૬૦ ટકા ટ્રેનો ૧૫-૨૦ મિનિટ મોડા પહોંચે છે.
રેલવેએ નવા ટાઈમ ટેબલ ૨૦૨૨-૨૩માં મોટી સંખ્યામાં પેસેન્જર ટ્રેનોને મેલ-એક્સપ્રેસનો દરજ્જાે આપ્યો છે. આનો સીધો અર્થ એ છે કે લાખો દૈનિક મુસાફર આ ટ્રેનોમાં મુસાફરી કરી શકશે નહીં કેમકે વધારાયેલુ ભાડુ આડે આવશે. ટિકિટ વિના મુસાફરી કરવા પર ભાડુ અને દંડ બંને લેવામાં આવશે. આ સિવાય મેલ-એક્સપ્રેસ ટ્રેનોમાં બેઝિક ભાડા સિવાય રિઝર્વેશન ચાર્જ, સુપરફાસ્ટ ચાર્જ સહિત જીએસટી લગાવવામાં આવે છે.
ઉદાહરણ તરીકે ટાઈમટેબલ ૨૦૨૨-૨૩માં દિલ્હી-ભટિંડા (ટ્રેન સંખ્યા ૨૦૪૦૯) પેસેન્જર ટ્રેનને મેલ-એક્સપ્રેસનો દરજ્જાે આપવામાં આવ્યો છે. આનુ અંતર ૨૯૮ કિલોમીટર છે, જ્યારે રેલવે નિયમ કહે છે કે ૩૨૫ કિલોમીટર સુધી પેસેન્જર ટ્રેનો ચલાવવામાં આવે છે.
આ ટ્રેનને સુપરફાસ્ટનો પણ દરજ્જાે આપવામાં આવ્યો છે. દિલ્હી-સહારનપુર (ટ્રેન સંખ્યા ૨૦૪૧૧) ને પેસેન્જરથી મેલ-એક્સપ્રેસનો દરજ્જાે આપવામાં આવ્યો છે જ્યારે દિલ્હી-સહારનપુરનુ અંતર ૧૮૧ કિમી છે. નવા ટાઈમ ટેબલમાં મેરઠ-શ્રીગંગા નગર વાયા દિલ્હી (સંખ્યા ૧૪૦૩૦) ટ્રેન ચલાવવામાં આવી છે.
૫૮૮ કિમીના અંતરમાં ટ્રેનના ૮૪ સ્ટેશન છે. પહેલુ સ્ટેશન મેરઠ રેલવે સ્ટેશન બાદ ચાર કિમી દૂર પરતાપુર સ્ટેશન પર છે. આનાથી ટ્રેન ૫૮૮ કિલોમીટરનુ અંતર નક્કી કરવામાં ૧૭ કલાક વધારે સમય લે છે. આની સરેરાશ રફ્તાર ૩૫ કિલોમીટર પ્રતિકલાક રહી જાય છે.