૧૦૦૦ વિદ્યાર્થીઓની અમદાવાદ મેટ્રો રેલમાં સ્ટડી ટૂર યોજાશે
વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ મોદી દ્વારા તાજેતરમાં અમદાવાદ મેટ્રો રેલ પ્રોજેક્ટનું લોકાર્પણ કરવામાં આવ્યું છે.
મેટ્રોના લોકાર્પણ સમારંભમાં વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ મોદીએ જણાવ્યું હતું કે રાજ્યના યુવાનો અને ખાસ કરીને વિદ્યાર્થીઓ આ અત્યાધુનિક પ્રોજેક્ટના વિવિધ પાસાંઓ જેવા કે વિકાસ, સંચાલન, દેખરેખ વગેરેને પ્રત્યક્ષ રીતે નિહાળે જેથી તેઓમાં આધુનિક ટેકનોલોજીના ઉપયોગની સમજ કેળવાય તથા આ પ્રણાલીને પોતાની સમજી તેનું સમજણપૂર્વક જતન કરે અને કરાવે તેવી ભાવના કેળવાય.
વડાપ્રધાનશ્રીની ઉક્ત લાગણીને અનુસરીને શિક્ષણ વિભાગના અગ્રસચિવશ્રીના અધ્યક્ષસ્થાને ગુજરાત મેટ્રો રેલ કોર્પોરેશનના અધિકારીશ્રી સાથે પ્રથમ તબક્કે અમદાવાદ-ગાંધીનગર જિલ્લાના વિદ્યાર્થીઓ માટે મેટ્રોની પ્રત્યક્ષ મુલાકાતનું આવતીકાલે આયોજન કરવામાં આવેલ છે.
આ મેટ્રો સ્ટડી ટૂર આશરે ૧૦૦૦ વિદ્યાર્થીઓની સાથે શિક્ષણ મંત્રીશ્રી જીતુભાઈ વાઘાણીની પ્રોત્સાહક ઉપસ્થિતિમાં યોજાવાની છે. આ કાર્યક્રમ માં શિક્ષણ વિભાગના ઉચ્ચ અને ટેકનિકલ શિક્ષણના અગ્ર સચિવ શ્રી એસ.જે. હૈદર અને ટેકનિકલ શિક્ષણ વિભાગના નિયામક શ્રી જી. ટી.પંડ્યા તેમજ અમદાવાદ મેટ્રોના ઉચ્ચ અધિકારીઓ પણ ઉપસ્થિત રહેશે.
અત્રે ઉલ્લેખનીય છે કે મેટ્રો પ્રોજેક્ટનો મુખ્ય ઉદ્દેશ જનસમુદાયને આધુનિક, સલામત, ઝડપી અને ઇકો ફ્રેન્ડલી પરિવહન સેવાઓ નજીવા દરે પ્રાપ્ત થાય અને એ સાથે જ ટ્રાફિક સમસ્યાઓમાં ઘટાડો થાય તે છે.