પંચમહાલ જિલ્લાના મોરવા હડફ તાલુકામાં વિવિધ લોકાર્પણ કાર્યક્રમ યોજાયા

મોરવા હડફ તાલુકામાં સબ ડિસ્ટ્રિક્ટ હોસ્પિટલને સૈદ્ધાંતિક મંજૂરી મળી છે જે ગૌરવની બાબત છે.- મંત્રી નિમિષાબેન સુથાર
ગોધરા, પંચમહાલ જિલ્લાના મોરવા હડફ તાલુકા ખાતે રાજ્યમંત્રી (આદિજાતિ વિકાસ આરોગ્ય અને પરિવાર કલ્યાણ અને તબીબી શિક્ષણ) શ્રીમતી નિમિષાબેન સુથાર અને વિવિધ મહાનુભાવોના હસ્તે વિવિધ લોકાર્પણ કાર્યક્રમ અને સભાનું આયોજન કરાયું હતું. સૌપ્રથમ સામૂહિક આરોગ્ય કેન્દ્ર મોરવા હડફ ખાતે નવીન સ્ટાફ ક્વાટર્સનું લોકાર્પણ કરાયું હતું.
આ સ્ટાફ ક્વાટર્સ રૂપિયા ૨૨૫ લાખના ખર્ચે તૈયાર થયું છે. આજના આ કાર્યક્રમની શરૂઆત દીપ પ્રાગટ્ય અને મહાનુભાવોના સ્વાગત થકી કરાઈ હતી.આ પ્રસંગે વિવિધ મહાનુભાવોના હસ્તે તાલુકાના લાભાર્થીઓને પી.એમ.જે.વાય આયુષ્યમાન કાર્ડ અને ટીબીના દર્દીઓને ન્યુટ્રીશન કીટનું વિતરણ કરાયું હતું.
આ પ્રસંગે મંત્રીએ પોતાના ઉદબોધનમાં જણાવ્યું હતું કે પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદી અને મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલની અધ્યક્ષતામાં વિવિધ વિકાસના કાર્યો થયા છે. આજે છેવાડાના વ્યક્તિ સુધી યોજનાકીય લાભો પહોંચ્યા છે જે દિશામાં નક્કર કામગીરી થઇ છે. મોરવા હડફ તાલુકો પંચમહાલ જિલ્લામાં સૌથી નાનો તાલુકો છે જેમાં આજે એક જ દિવસમાં પાંચ પેટા આરોગ્ય કેન્દ્રનું લોકાર્પણ થયું છે જે ગૌરવની બાબત છે. આજે સરકારના પ્રયાસોથી ૧૦૮ જેવી સુવિધાનો લાભ છેવાડાના વ્યક્તિ સુધી પ્રાપ્ત થયો છે.
વધુમાં જણાવ્યું કે તાત્કાલિન મુખ્યમંત્રી નરેન્દ્રભાઈ મોદીએ મહિલા અને બાળ વિભાગની સૌપ્રથમ શરૂઆત કરીને મહિલાઓને સન્માન આપ્યું છે. પ્રધાનમંત્રી ઉજજવલા યોજના થકી બહેનોને ધુમાડામાથી હંમેશા માટે મુક્તિ મળી છે. આજે વિશ્વની સૌથી મોટી આરોગ્ય યોજના એટલે કે આયુષ્માન પી એમ જે વાય યોજના થકી દર્દીઓને ૦૫ લાખ સુધી તદ્દન નિઃશુલ્ક આરોગ્ય લાભ મળ્યો છે.
આભા એપ્લિકેશન મારફતે ડિજિટલ હેલ્થ આઈડી સાથે પ્લેટફોર્મ મળ્યું છે. આજે આપણા તાલુકાને ડાયાલિસિસ સેન્ટર મળ્યું છે. સરકારએ અંધત્વ મુક્ત ગુજરાત અભિયાન ચલાવ્યું છે જેમાં મફત આંખોનું ઓપરેશન થાય છે. એન સી ડી કાર્યક્રમ હેઠળ દર્દીઓના ઘરે ઘરે ચેકઅપ અને ટેસ્ટ કરાયા છે. આ સાથે તેમણે કહ્યું કે મોરવા હડફ તાલુકામાં સબ ડિસ્ટ્રિક્ટ હોસ્પિટલને સૈદ્ધાંતિક મંજૂરી મળી છે જે આપણા સૌ કોઈ માટે ગૌરવની બાબત છે.
અહી નોંધનીય છે કે રૂપિયા ૨૨૫ લાખના ખર્ચે સ્ટાફ ક્વાટર્સ તથા ૧૧૦.૧૭ લાખના ખર્ચે તૈયાર થયેલ પેટા આરોગ્યકેન્દ્ર મળી કુલ રૂપિયા ૩૩૫.૧૭ લાખના વિકાસના કાર્યોનું લોકાર્પણ કરાયું છે. જેમાં ભુવર ખાતે ૨૨.૫૩ લાખ, કડાદરા ખાતે ૨૧.૮૯ લાખ, ખુદરા ખાતે ૨૧.૧૦ લાખ, રામપુરા ખાતે ૨૨.૪૦ લાખ અને વનેડા ખાતે રૂપિયા ૨૨.૨૫ લાખના ખર્ચે પેટા આરોગ્યકેન્દ્રનું લોકાર્પણ કરાયું છે. આ સાથે આ પાંચેય ગામો ખાતે મંત્રીએ સરપંચ અને ગ્રામ્ય લોકો સાથે સંવાદ પણ સાધ્યો હતો.