માત્ર ૯૦ દિવસના ટૂંકા ગાળામાં નેશનલ ગેમ્સનું સફળ આયોજન કરીને ગુજરાતે નવો ઈતિહાસ રચ્યો
વિવિધ રાજ્યોમાંથી ગુજરાતના મહેમાન બનેલા વૂશુ અને જૂડોના ખેલાડીઓને રૂબરૂ મળીને રમત માટે પ્રોત્સાહિત કરતાં રમત-ગમત મંત્રી શ્રી હર્ષ સંઘવી
શ્રી ભુપેન્દ્રભાઈ પટેલના સતત માર્ગદર્શનમાં માત્ર ૯૦ દિવસના ટૂંકા ગાળામાં નેશનલ ગેમ્સનું સફળ આયોજન કરીને ગુજરાતે નવો ઈતિહાસ રચ્યો છે, તેમ રમત – ગમત મંત્રી શ્રી હર્ષ સંઘવીએ આજે મહાત્મા મંદિર ગાંધીનગર ખાતે જણાવ્યું હતું.
મંત્રી શ્રી સંઘવીએ વધુમાં કહ્યું હતું કે, ગુજરાતમાં હાલમાં ચાલી રહેલી નેશનલ ગેમ્સમાં નાગરિકોનો સહયોગ, રમત પ્રત્યેનો ઉત્સાહ અને રાજ્ય સરકાર દ્વારા રમત માટેની ઉત્તમ વ્યવસ્થા બદલ ભાગ લઇ રહેલા વિવિધ રાજ્યોના ખેલાડીઓ તેમજ રાષ્ટ્રીય રમત એસોસિએશનના હોદ્દેદારોએ મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ અને વહીવટી તંત્રનો આભાર માન્યો હતો.
નેશનલ ગેમ્સના આયોજનના પરિણામે મલખમના ૧૦ વર્ષીય ગુજરાતી ખેલાડી શૌર્ય જેવા અનેક ખેલાડીઓને રાષ્ટ્રીય કક્ષાએ આગવી ઓળખ અને રમત ક્ષેત્રે નવીન પ્લેટફોર્મ ઉપલબ્ધ થયું છે. આ જ વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના સ્વપ્નનું નવું ભારત છે, તેમ મંત્રીશ્રીએ ઉમેર્યું હતું.
આ પ્રસંગે ૩૬મી નેશનલ ગેમ્સના સફળ આયોજન બદલ રાત દિવસ મહેનત કરતા ગુજરાતના રમત -ગમત વિભાગ સહિત સમગ્ર વહીવટી તંત્રના અધિકારીઓ-કર્મચારીઓને અભિનંદન આપીને મંત્રી શ્રી સંઘવીએ તેમની કામગીરી બિરદાવી હતી.
૩૬મી નેશનલ ગેમ્સ – ૨૦૨૨નું ગુજરાત યજમાન બન્યું છે ત્યારે મહાત્મા મંદિર,ગાંધીનગર સહિત રાજ્યભરમાં વિવિધ રમતો યોજાઇ રહી છે. જેના ભાગરૂપે મહાત્મા મંદિર ખાતે યોજાયેલી ઇન્ડોર ગેમ્સ જૂડો અને વૂશુની વિવિધ કેટેગરીમાં ભાગ લઈ રહેલા વિવિધ રાજ્યોના ખેલાડીઓને આજે રમત- ગમત મંત્રી શ્રી હર્ષભાઈ સંઘવીએ રમત માટે પ્રોત્સાહિત કરીને સફળતા માટે શુભેચ્છાઓ આપી હતી.
રમત- ગમત મંત્રીશ્રીએ ૩૬મી નેશનલ ગેમ્સ અંતગર્ત મહાત્મા મંદિર ખાતે રમાઇ રહેલી જૂડો અને વૂશુને રસપૂર્વક નિહાળીને ગુજરાતના મહેમાન બનેલા વિવિધ રાજ્યોના ખેલાડીઓનો જુસ્સો વધાર્યો હતો.
આ પ્રસંગે ઇન્ડિયન વૂશુ ફેડરેશનના પ્રમુખ શ્રી બી.એસ.બાજવા, જનરલ સેક્રેટરી શ્રી જીતેન્દ્રસિંહ બાજવા તેમજ ઇન્ડિયન જૂડો ફેડરેશનના હોદ્દેદારોના તેમજ ખેલાડીઓ ઉપસ્થિત રહ્યા હતા.