Western Times News

Gujarati News

જામનગરને જાહોજલાલીની નવી ઉંચાઇ પર લઇ જવું છે-  વડાપ્રધાન

વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઇ મોદીની જામનગરને રૂ. ૧૪૪૮ કરોડના વિકાસ પ્રકલ્પોની ભેટ

:: વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઇ મોદી ::

Ø ડોલ્ફીનના સંવર્ધન સાથે સાથે ઇકો-ટુરીઝમ થકી ગુજરાતમાં વિકાસની નવી મિસાલ કાયમ થશે

Ø અઢી દાયકા પહેલા જ્યાં પાણી નહોતું ત્યાં આજે માં નર્મદા સ્વયમ્ પરિક્રમા કરી આશીર્વાદ આપી રહી છે

Ø ભૂપેન્દ્ર-નરેન્દ્રની ડબલ એન્જીન સરકારે માળખાગત વિકાસ કાર્યો સાથે ખેડૂતોના કલ્યાણ માટે અનેક કામો કર્યા છે

Ø વૈશ્વિક આર્થિક અસ્થિરતા સામે દેશ મક્કમતાથી આગળ વધી રહ્યો છે

Ø ખેડૂતોને મળે છે તેમની ઉપજના પુરા દામ

વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઇ મોદીએ જામનગરને રૂ. ૧૪૪૮ કરોડથી વધુના વિકાસ કામોની ભેટ આપી હતી આ પ્રસંગે વડાપ્રધાનશ્રીએ સગૌરવ જણાવ્યું કે, ભૂપેન્દ્ર-નરેન્દ્રની ડબલ એન્જીન સરકારે ગુજરાતમાં માળખાગત વિકાસ સાથે ખેડૂતોના ક્લ્યાણ માટે અવિરત ગતિએ વિકાસના કામો કર્યા છે. માં નર્મદા આજે સ્વયં પરિક્રમા કરી આશિર્વાદ આપી રહી છે તેમ જણાવી સૌની યોજના થકી સૌરાષ્ટ્રની બદલાયેલી તસ્વીરની ફળશ્રુતિ કહી હતી. ખેડૂતોને આજે તેની ઉપજના પુરા ભાવ મળી રહ્યા છે તેમ પણ સહર્ષ જણાવ્યું હતું.

વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઇ મોદીએ રોડ-શો દરમ્યાન મળેલા બહેનો-માતાઓના આશીર્વાદનો ઋણસ્વીકાર કર્યો હતો અને ‘‘છોટી કાશી’’ એવા જામનગર ખાતે મળેલા સત્કાર થકી ભરૂચથી જામનગર સુધીના વિસ્તારને સમૃધ્ધ બનાવવાની નેમ વ્યકત કરી હતી.

આજે શુભારંભ કરાયેલા જામનગરના આઠ પ્રકલ્પોની માહિતી વડાપ્રધાનશ્રી મોદીએ તેમના વક્તવ્યમાં વણી લીધી હતી. તાજેતરમાં જ ભુજીયા ડુંગર ખાતે નિર્માણ પામેલ સ્મૃતિવનની મુલાકાત લેવા વડાપ્રધાનશ્રી મોદીએ જામનગરવાસીઓને હિમાયત કરી હતી. જયાં વિનાશકારી ભૂકંપમાં શહીદ થયેલા જામનગરવાસીઓનો ઉલ્લેખ કરાયો છે. અન્ય વૈશ્વિક સ્મારકોની સમકક્ષ બનાવાયેલું આ સ્મૃતિવન ગુજરાતની ખમીરવંતી જનતાની ગૌરવપૂર્ણ ખુમારીનું પ્રતિક છે એમ પણ શ્રી મોદીએ આ પ્રસંગે ઉમેર્યું હતું.

બીજા વિશ્વયુધ્ધ દરમ્યાન જામનગરના રાજવી શ્રી જામ દિગ્વિજયસિંહજીએ પોલેન્ડના નાગરિકોને આશ્રય આપ્યાનો સગર્વ ઉલ્લેખ કરતાં વડાપ્રધાનશ્રી મોદીએ યુક્રેનના યુધ્ધમાં ભારતીય નાગરિકોને પોલેન્ડની ધરતી પરથી સુરક્ષિત પરત ભારત મોકલવાની શુભ ભાવના બદલ પોલેન્ડ સરકાર પ્રત્યે આભારની લાગણી વ્યકત કરી હતી અને જામનગરના હાલના રાજવી શ્રી શત્રુશલ્યજી મહારાજના દીર્ઘાયુ માટે શુભેચ્છા વ્યકત કરી હતી.

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ તાજેતરમાં રદ કરેલા ૨૦૦૦થી વધુ કાયદાઓ અંગે જણાવ્યું હતું કે “ઈઝ ઓફ ડુઈન્ગ બિઝનેસ”ની નીતિ ને વરેલી રાજ્ય સરકાર  વેપારી આલમને મદદરૂપ થવા આ પગલું ભર્યું છે જેનાથી ગુજરાતની ખમીરવંતી પ્રજાને મોટો ફાયદો થશે. હાલના સમયને અનુરૂપ ન હોય તેવા આવા અન્ય કાયદાઓ પ્રત્યે સરકારનું ધ્યાન દોરવા વડાપ્રધાનશ્રીએ ઉપસ્થિતોને અનુરોધ કર્યો હતો.

દેશને ૨૫૦ વર્ષ સુધી ગુલામ રાખનાર બ્રિટનને વૈશ્વિક અર્થતંત્રમાં છઠ્ઠા સ્થાનેથી પરાજિત કરી ભારતને પાંચમા સ્થાને પહોંચાડવાનું શ્રેય વડાપ્રધાનશ્રીએ સ્થિર અને મક્કમ ગતિથી આગળ વધતા ભારતીય અર્થતંત્ર તથા દેશના શ્રમિકો-વેપારીઓ-ખેડૂતોને આપ્યુ હતુ. તાજેતરમાં જ ગુજરાત રાજયએ અમલી બનાવેલી નવી ઔદ્યોગિક નીતિ થકી રાજ્યમાં નવા સ્ટાર્ટઅપ અને એમ.એસ.એમ.ઈ. સેક્ટરને ફાયદો થશે એવો આશાવાદ પણ વડાપ્રધાનશ્રી નરેન્દ્ર ભાઈએ આ પ્રસંગે ઉચ્ચાર્યો હતો. જૈવ વિવિધતાથી સભર જામનગરના દરિયાઈ વિસ્તારના સંરક્ષણ અને ઇકો ટુરીઝમના વિકાસ માટે મુખ્યમંત્રીશ્રીએ આદરેલા પ્રયત્નોની વડાપ્રધાનશ્રી મોદીએ ભરપૂર સરાહના કરી હતી તથા આ સંદર્ભમાં દરિયાઈ પટ્ટી પર ઉભા કરાયેલા ગેરકાયદેસર બાંધકામોની સફાઈ બદલ મુખ્યમંત્રીશ્રીના પ્રયત્નોને બિરદાવ્યા હતા. ભાઈચારાથી ખભે ખભો મિલાવી દેશના વયસ્ક નાગરિકો માટે વિઘ્નનરહિત માર્ગનું નિર્માણ કરવા વડાપ્રધાનશ્રીએ યુવાનોને આહવાન કર્યું હતું

 

 

વડાપ્રધાનશ્રી મોદીએ  પ્રધાનમંત્રી ગરીબ કલ્યાણ યોજના થકી કોરોનાકાળથી ૮૦ કરોડ લોકોને મફત રાશન મળી  રહ્યાનું  જણાવી ગરીબના ઘરમાં ચુલો સળગતો રહેવો જોઇએ તેવી નેમ વ્યકત કરી “ વન નેશન વન રાશન કાર્ડ” ની ફળશ્રુતી જણાવી હતી.

સૌરાષ્ટ્રમાં ૨૫ વર્ષ અગાઉ પાણી માટે વલખા મારવા પડતા અને આજે મા નર્મદા સ્વયં ગુજરાત-સૌરાષ્ટ્રની પરીક્રમા કરી ખેડૂતોને જન-જનને સમૃધ્ધિના માર્ગે લઇ જવા આશીર્વાદ આપી રહી છે તેમ જણાવી વડાપ્રધાને “ સૌની” યોજના ડબલ એન્જીનની સરકારે સાકાર કરી છે તેમ જણાવ્યું હતું.

વડાપ્રધાનશ્રી મોદીએ જામનગરની જાહોજલાલીને નવી ઉંચાઇ સુધી લઇ જવી છે તેમ જણાવી ૩૬ હજાર કરોડના ખર્ચે નિર્માણ પામનાર કોરીડોરથી જામનગરના વેપાર-ધંધા ઉત્તર ભારત સાથે જોડાશે અને જામનગરની વૈશ્વિક ઓળખ વધુ મજબુત બનશે તેમ પણ કહ્યું હતું.

દેશની ઓઇલ રીફાઇનરીમાં જામનગરનો ૩૫ ટકા હિસ્સો છે તે સગૌરવ જણાવી જામનગરને સૌભાગ્યનગરી ગણાવી વડાપ્રધાને જામનગરના હસ્તકલા, બ્રાસ, બાંધણી, કંકુ, ચુડી સહિત નાના ઉદ્યોગકારોને પ્રોત્સાહક સહાય આપી ગુજરાત સરકારે ગુજરાતને વધુ તેજ દિશામાં આગળ વધવા વિકાસલક્ષી ઉદ્યોગનીતિ અમલમાં મુકી છે તેમ જણાવી મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વની સરકારને અભિનંદન પાઠવ્યા હતા.

ગુજરાતે દરેક ક્ષેત્રે વિકાસની નવી મિસાલ કાયમ કરી છે તેમ જણાવી જામનગર – રાજકોટનો એન્જીનીયરીંગ સ્પેર પાર્ટસના ઉદ્યોગો પીનથી માંડીને એરક્રાફટના સ્પેર પાર્ટસ બનાવે છે અને હવે ઇકો-ટુરીઝમથી ઉદ્યોગ સાહસીકોને નવી તકો મળશે તેમ વડાપ્રધાનશ્રીએ સહર્ષ જણાવ્યું હતું.

જામનગરમાં ગ્લોબલ સેન્ટર ફોર ટ્રેડીશનલ મેડીસીન સાથે આયુર્વેદ યુનિવર્સિટીને રાષ્ટ્રીય સ્થાન મળી રહ્યું છે તેમ જણાવી જામનગરની ઉદ્યમશીલતા ભારતના ખૂણે-ખૂણે સ્થાપિત થશે તેમ વડાપ્રધાનશ્રીએ  સરકારની વિકાસલક્ષી નીતિઓના સંદર્ભમાં કહ્યું હતું.

 

આ પ્રસંગે મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્રભાઇ પટેલે વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઇ મોદીના “ સંકલ્પથી સિધ્ધિ” ના વિકાસ પ્રકલ્પો વર્ણાવતા સગૌરવ જણાવ્યું કે, એક સમયે સૌરાષ્ટ્રમાં પીવાના પાણી માટે ટ્રેઇનો દોડતી  શ્રી નરેન્દ્રભાઇ મોદીએ સૌરાષ્ટ્રની તસ્વીરને પાણીદાર બનાવવા સંકલ્પ લીધો અને “ સૌની “  યોજના અમલમાં મુકી અડગ મનના મુસાફરને હિમાલય નથી નડતો,  એ પંક્તિ સાર્થક કરી છે.

મુખ્યમંત્રીશ્રીએ સૌરાષ્ટ્રની જીવાદોરી સમાન “ સૌની”  યોજનાની ફળશ્રુતિ જણાવતા વધુમાં કહ્યું કે, નર્મદાના વહી જતા નીરને સૌરાષ્ટ્રમાં પહોંચાડવાના આ ભગીરથ કાર્યને લીધે સૌરાષ્ટ્રના ૧૧૫ જળાશયોમાં નર્મદાના નીર આવી રહ્યા છે અને ઉમેર્યું હતું કે,  જામનગર જિલ્લાને સૌની યોજના લીંક-૩ પેકેજ-૭ અને લીંક-૧ પેકેજ-૫ લોકાર્પિત થતાં ૨ લાખ લોકોને લાભ મળવાની સાથે ૧૪૧ ગામોને પીવાનું પાણી મળશે.

મુખ્યમંત્રીશ્રીએ ગુજરાત સરકારની પ્રતિબધ્ધતા વ્યકત કરતાં કહ્યું કે, પાણી અને વીજળી મળે તો વિકાસ યાત્રા આગળ ધપે છે. ડબલ એન્જીન સરકાર વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઇ મોદીની દિશા-દર્શનમાં સર્વગ્રાહી-સર્વ સમાવેશક વિકાસ માટે પ્રતિબધ્ધ છે.

ઉર્જાશક્તિનું મહત્વ સમજાવતા મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્રભાઇ પટેલે જણાવ્યું હતું કે, દીર્ઘદ્રષ્ટા વડાપ્રધાનશ્રીની ગુજરાતના મુખ્યમંત્રી તરીકેની  કુનેહ અને અવિરત પ્રયાસો થકી ગુજરાતે જ્યોતિગ્રામ યોજના અમલમાં મૂકી  ૨૪ કલાક વીજળીની સુવિધા ઉપલબ્ધ કરાવી છે જના થકી  વાળુ સમયે વીજળીની ઝંખના કરતું ગુજરાત આજે વડાપ્રધાનશ્રીના દૂરંદેશીભર્યા નિર્ણયોના પરિણામે વીજ સરપ્લસ રાજ્ય બન્યું છે.

જામનગરના હરિપરા ખાતે ૪૦ મેગાવોટના સોલાર પ્રોજેકટની સ્થાપનાથી વિસ્તારને વીજ ઉપલબ્ધિ ક્ષેત્રે થનારા ફાયદા વિશે જણાવતા તેમણે ઉમેર્યું હતું કે વડાપ્રધાનશ્રીના માર્ગદર્શન હેઠળ આજે રીન્યુએબલ ઉર્જા ક્ષેત્રે પણ ગુજરાત દેશને દિશા બતાવી રહ્યું છે અને સોલાર રૂફટોપમાં દેશમાં નંબર-૧ બન્યું છે.

જામનગર મહાનગરપાલિકાના વડાપ્રધાનશ્રીના હસ્તે લોકાર્પણ કરાયેલા વિકાસ કાર્યો વિશે જણાવતા તેમણે ઉમેર્યું હતું કે સરકાર શહેરીકરણને અવસરરુપે લઈ રાજ્યના શહેરો સ્વચ્છ, ટ્રાફિકની સમસ્યાથી મુક્ત અને શ્રેષ્ઠ આરોગ્યસેવાઓથી યુક્ત બને તે મુજબ  તેમને સ્માર્ટ સસ્ટેનેબલ સીટી તરીકે વિકસાવવાની દિશામાં કામગીરી થઈ રહી છે. શ્રી નરેન્દ્રભાઇ મોદીના  વડાપ્રધાન બનવાથી ગુજરાતને વિકાસના માર્ગે આગળ વધવામાં થયેલા ફાયદાઓ વિશે વાત કરતા મુખ્યમંત્રીશ્રીએ  સ્પષ્ટપણે જણાવ્યું હતું કે ડબલ એન્જીન સરકારના પરિણામે ગુજરાત આજે ડબલ સ્પીડ અને સ્કેલ પર આગળ વધી રહ્યું છે અને અનેક આંતરરાષ્ટ્રીય સ્તરના પ્રોજેક્ટ ગુજરાતમાં આવી રહ્યા છે. વિકસિત અને જળ સમૃદ્ધ ગુજરાતના નિર્માણ થકી વિકસિત ભારતના નિર્માણનું સપનું પૂર્ણ કરવા અમે સંકલ્પબદ્ધ છીએ તેમ મુખ્યમંત્રીશ્રીએ ભારપૂર્વક જણાવ્યું હતું.

જિલ્લા પ્રભારીમંત્રીશ્રી બ્રિજેશભાઈ મેરજાએ પોતાના સંબોધનમાં વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઇ મોદીનાં હસ્તે લોકાર્પણ-ખાતમુહૂર્ત થનાર વિવિધ વિકાસ પ્રકલ્પો વિશે વિસ્તારપૂર્વક વાત કરતા આ પ્રકલ્પોથી આંતરમાળખાકીય સુવિધાઓ અને જનસુખાકારીમાં થનારા વધારા વિશે જણાવ્યું હતું.

કેબિનેટ કૃષિમંત્રીશ્રી રાઘવજીભાઈ પટેલે પ્રાસંગિક પ્રવચન કરતા જણાવ્યું હતું કે, વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના માર્ગદર્શન હેઠળ દેશભરમાં ભ્રષ્ટાચારમુક્ત પારદર્શી વ્યવસ્થા અમલમાં આવી છે તેમજ દેશવાસીઓ અને દેશની સુરક્ષાને સર્વોચ્ચ પ્રાધાન્ય મળ્યું છે. ખેડુતોની આવક બમણી કરવા માટે અમલમાં મુકેલી યોજનાઓ સહિતની જનકલ્યાણકારી યોજનાઓ અને નિર્ણયો વિશે વાત કરતા  તેમણે ઉમેર્યું હતું કે વડાપ્રધાનશ્રીના માર્ગદર્શન હેઠળ થયેલા વિકાસકાર્યો થકી વિશ્વભરમાં ભારત દેશનો ડંકો વાગ્યો છે.

વડાપ્રધાનશ્રીના હસ્તે આજે રૂ. ૭૨૯.૧૫ કરોડના ખર્ચે ૧,૨૦,૦૦૦ થી વધુ લોકોને પીવાના પાણી તથા આશરે ૭૧,૯૬૭ એકર વિસ્તારને સિંચાઇની સુવિધા ઉપલબ્ધ કરાવતી સૌની યોજના લીંક-૩/પેકેજ-૭ તથા રૂ. ૩૧૪.૬૯ કરોડના ખર્ચે ૬૫,૦૦૦થી વધુ લોકોને પીવાનું તથા આશરે ૩૧,૮૪૩ એકર વિસ્તારને સિંચાઇ માટે પાણી પૂરી પાડતી સૌની યોજના લીંક-૧/પેકેજ-૫, હરિપર ગામે  રૂ. ૧૭૬.૮૯ કરોડના ખર્ચે ૪૦ મેગાવોટની ક્ષમતા ધરાવતા આધુનિક ફોટો વોલ્ટીક સોલાર પ્રોજેક્ટ અને જામનગરમાં પટેલનગર ખાતે રૂ. ૯૯ લાખના ખર્ચે વાલ્મીકિ સમાજ કમ્યુનિટી હોલ સહિતના વિકાસ કાર્યો  લોકાર્પિત કરવામાં આવ્યા હતા. આ ઉપરાંત રૂ. ૩૯.૨૪ કરોડના ખર્ચે કાલાવડ જૂથ સુધારણા પાણી પુરવઠા યોજના, રૂ. ૨૪.૭૪ કરોડના ખર્ચે મોરબી-માળીયા-જોડિયા જૂથ સુધારણા પાણી પુરવઠા યોજના,  કુલ રૂ. ૧૦૭ કરોડના ખર્ચે તૈયાર થનારા લાલપુર બાયપાસ ઓવરબ્રિજ તથા હાપા માર્કેટિંગ યાર્ડ રેલવે ઓવરબ્રિજ,  રૂ. ૫૬ કરોડના ખર્ચે અન્ડરગ્રાઉન્ડ ડ્રેનેજ નેટવર્ક તથા પમ્પીંગ મશીનરી રીફરબીશ વર્ક (૪-કમ્પોનન્ટ) સહિતના વિકાસ પ્રકલ્પોનું ખાતમુહૂર્ત પણ  વડાપ્રધાનશ્રીના હસ્તે આજે કરવામાં આવ્યું હતું.

કાર્યક્રમના પ્રારંભે મુખ્યમંત્રીશ્રી ભુપેન્દ્રભાઈ પટેલ તેમજ સાંસદ શ્રી સી. આર. પાટીલે વડાપ્રધાનશ્રીનું  જામનગરની વિશ્વવિખ્યાત બાંધણીનો ખેસ ઓઢાડી તેમજ સાંસદશ્રી પૂનમબેન માડમે દ્વારકાધીશના ૨૪ શણગાર દર્શાવતી કલાત્મક પિછવાઈની ભેટ તેમજ બાંધણીના ખેસ દ્વારા ભાવભર્યું સ્વાગત કર્યું હતું. આ અવસરે વડાપ્રધાનશ્રીનું શંખ, ચાંદીની તલવારની ભેટ, હાલારી પાઘડી પહેરાવી પરંપરાગત ઢબે ઉષ્માભર્યું અભિવાદન કરવામાં આવ્યું હતું. પ્રધાનમંત્રીશ્રીએ કાર્યક્રમમાં  રિમોટ દ્વારા ઈ – તકતીનું અનાવરણ કરીને ૧૪૪૮ કરોડથી વધુના વિકાસ પ્રકલ્પોનું ખાતમુહૂર્ત અને લોકાર્પણ કર્યા હતા.

 

આ પ્રસંગે કેબિનેટમંત્રીઓ શ્રી ઋષિકેશ પટેલ, શ્રી વિનોદ મોરડીયા, સાંસદો શ્રી સી.આર. પાટીલ, શ્રી પૂનમબેન માડમ, ધારાસભ્યશ્રીઓ શ્રી ધર્મેન્દ્રસિંહ જાડેજા, શ્રી આર.સી.ફળદુ, મેયર શ્રીમતી બીનાબેન કોઠારી, જિલ્લા પંચાયતના પ્રમુખ શ્રી ધરમશીભાઈ ચનીયારા, કલેકટર શ્રી ડો. સૌરભ પારઘી, જિલ્લા વિકાસ અધિકારી શ્રી મિહિર પટેલ, કમિશનર શ્રી વિજય ખરાડી, પદાધિકારીશ્રીઓ, અધિકારીશ્રીઓ, મહાનુભાવો તેમજ વિશાળ સંખ્યામાં લોકો ઉપસ્થિત રહ્યા હતા.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.