1 લાખ વિદ્યાર્થીઓ “World Space Week” ની ઉજવણીમાં ભાગ લેશે
ઈસરો અને ગુજકોસ્ટ દ્વારા આયોજિત -7 દિવસના કાર્યક્રમમાં સ્પેસ ક્વિઝ જેવી પ્રવૃત્તિઓ, અવકાશ વૈજ્ઞાનિકો સાથે વાર્તાલાપ, નિબંધ, ચિત્ર, સ્લોગન અને પઝલ સ્પર્ધાઓનું આયોજન કરવામાં આવ્યું છે.
અવકાશ ટેકનોલોજી, આધુનિક માનવ જીવનના અસંખ્ય પાસાઓને અસર કરે છે. શાળાઓ અને કોલેજોના વિદ્યાર્થીઓને અવકાશની ઉપયોગિતા પહોંચાડવા તેમજ એના થકી આગામી પેઢીને પ્રેરણા લેવા માટે અને એને વર્ગખંડ સુધી લઈ જવા માટે શિક્ષકોને અવકાશના મૂલ્યો શીખવાડાશે.
ગુજરાત કાઉન્સિલ ઓન સાયન્સ એન્ડ ટેકનોલોજી (ગુજકોસ્ટ) સરકારના વિજ્ઞાન અને ટેકનોલોજી વિભાગના નેજા હેઠળ કાર્યરત છે. ગુજકોસ્ટ એ રાજ્યભરમાં તેના વિવિધ કાર્યક્રમો અને આઉટરીચ પ્રવૃત્તિઓ દ્વારા S&T પ્રમોશન, જાગૃતિ, શિક્ષણ, સંશોધન અને વિકાસ માટેની નોડલ એજન્સી છે.
GUJCOST ને ભારતીય અવકાશ સંશોધન સંસ્થા (ISRO) ના “સ્પેસ ટ્યુટર” તરીકે માન્યતા પ્રાપ્ત છે જે સમગ્ર દેશમાં લોકો સુધી અવકાશ તકનીકો માટેની આઉટરીચ પ્રવૃત્તિઓ હાથ ધરે છે.
વિશ્વ અવકાશ સપ્તાહની ઉજવણી નિમિત્તે ગુજકોસ્ટે રાજ્યભરમાં 4 થી 10 ઓક્ટોબર 2022 દરમિયાન શાળા-કોલેજના વિદ્યાર્થીઓ અને વિજ્ઞાન સંયોજકોને સાથે રાખીને શ્રેણીબદ્ધ કાર્યક્રમો અને આઉટરીચ પ્રવૃત્તિઓનું આયોજન કર્યું છે.
આ વર્ષની ઉજવણીની થીમ “Space and Sustainability” છે. આ થીમ વિવિધ ટકાઉ વિકાસ લક્ષ્યોને પૂર્ણ કરવા માટે અવકાશ વિજ્ઞાન અને તેના કાર્યક્રમો વિશે શીખનારાઓને પ્રેરણા આપવા પર ધ્યાન કેન્દ્રિત કરી રહી છે. તે ગુણવત્તાયુક્ત શિક્ષણ, સારું આરોગ્ય અને સુખાકારી, શૂન્ય ભૂખમરો વગેરે જેવા ટકાઉ વિકાસ લક્ષ્યોને હાંસલ કરવામાં પણ મદદ કરે છે.
ગાંધીનગરના સેક્ટર-30 સ્થિત કેન્દ્રીય વિદ્યાલયમાં 4 ઓક્ટોબરના રોજ ઉદ્ઘાટન સમારોહ સાથે વિશ્વ અવકાશ સપ્તાહની ઉજવણીનો પ્રારંભ થયો હતો. આ દિવસે, SAC-ISROના ગ્રુપ ડિરેક્ટર શ્રીમતી આરતી સરકાર દ્વારા એક ઇન્ટરેક્ટિવ સેશન લેવાયું હતું. તેમણે વિવિધ પેલોડ મોડેલો, વિવિધ ઉપગ્રહો જેમ કે જીઓસ્ટેશનરી, અર્થ ઑબ્ઝર્વેશનલ સેટેલાઈટ વગેરે વિષે સમજાવ્યુ હતું. તેમણે દેશના આગામી મિશન આદિત્ય-એલ-1, ગગનયાન અને શુક્રયાન જેવા વિશે પણ ચર્ચા કરી હતી.
પ્રાદેશિક વિજ્ઞાન કેન્દ્ર-ભાવનગર ખાતે બીજા દિવસની ઉજવણી કરવામાં આવી હતી. કાર્યક્રમમાં SAC-ISROના ગ્રૂપ ડિરેક્ટર ડો. જૈમિન દેસાઈએ સ્પેસ એન્ડ સસ્ટેનેબિલિટી વિષય પર વ્યાખ્યાન આપીને સસ્ટેનેબલ વેમાં સ્પેસ એજ્યુકેશન માટે યુવા વિદ્યાર્થીઓની ઉત્સુકતા વધારી હતી.
ત્રીજા દિવસની વિશ્વ અવકાશ સપ્તાહ ઉજવણી જેએમપી ગોપાલક વિદ્યા સંકુલ, ગાંધીનગર ખાતે કરાઇ હતી. જેમાં SAC- ISROના ક્રાયોસ્ફિયર સાયન્સ ડિવિઝનના હેડ ડો. સંદીપ ઓઝાએ “ક્રાયોસ્ફિયર એન્ડ ધ ક્લાઈમેટ ચેન્જ” વિષય પર એક ઇન્ટરેક્ટિવ વ્યાખ્યાન આપ્યું હતું. તેમણે આઈસ અને બરફ વચ્ચેનો તફાવત સમજાવ્યો હતો. તેમણે કહ્યું કે એન્ટાર્કટિક અને ગ્રાઉન્ડ લેન્ડ બરફની ચાદર વિશ્વના બરફના આવરણમાં 99% યોગદાન આપે છે. તેમણે ગ્રેટ કન્વેયર બેલ્ટનું પણ મહત્વ સમજાવ્યું હતું.
ગાંધીનગરની સેક્ટર-28 સ્થિત સરકારી એન્જિનિયરિંગ કોલેજમાં ચોથા દિવસની ઉજવણી કરાઇ હતી. આ દિવસે SAC-ISRO, અમદાવાદના વરિષ્ઠ વૈજ્ઞાનિક શ્રીમતી સુગંધ મિશ્રાને વ્યાખ્યાન માટે આમંત્રાયા હતા. તેમણે પ્રાચીન નેવિગેશન માટેના સાધનોની ઝાંખી કરવી હતી. તેમણે સમજાવ્યું કે આધુનિક નેવિગેશન સિસ્ટમ માટે ઉપગ્રહો કેવી રીતે ઉપયોગી છે. તેમણે IRNSS (ભારતીય પ્રાદેશિક નેવિગેશન સેટેલાઇટ સિસ્ટમ)ના NavIC (Navigation with Indian Constellation) ની વિગતવાર સમજૂતી આપી હતી. તે એક નેવિગેશન સેટેલાઇટ સિસ્ટમ છે જે ભારત અને દેશની આસપાસના પ્રદેશમાં ચોક્કસ રીઅલ-ટાઇમ પોઝિશનિંગ અને ટાઇમિંગ સેવાઓ પ્રદાન કરે છે.
પ્રાદેશિક વિજ્ઞાન કેન્દ્ર-પાટણ ખાતે વિશ્વ અવકાશ સપ્તાહના પાંચમા દિવસની ઉજવણી કરવામાં આવી હતી. જેમાં SAC-ISROના શ્રી નિલેશ મકવાણાએ સંરક્ષણ અને સુરક્ષા ક્ષેત્રમાં અવકાશ તકનીકની ઉપયોગિતા વિષય પર નિષ્ણાત પ્રવચન આપ્યું હતું. જ્યાં વિદ્યાર્થીઓએ આરએસસી પાટણની વિવિધ સાયન્સ ગેલેરીઓની પણ મુલાકાત લીધી હતી અને સાયન્સની દુનિયાને અનુભવી હતી.
છઠ્ઠા દિવસે, પ્રાદેશિક વિજ્ઞાન કેન્દ્ર-ભુજ ખાતે વિશ્વ અવકાશ સપ્તાહની ઉજવણી કરવામાં આવી હતી. આ સત્રમાં, SAC-ISRO ના નિયામક શ્રી નિલેશ દેસાઈ વિડિયો કોન્ફરન્સિંગ દ્વારા જોડાયા હતા અને પ્રાદેશિક વિજ્ઞાન કેન્દ્ર, ભુજ ખાતે ઉપસ્થિત વિદ્યાર્થીઓ સાથે વાર્તાલાપ કર્યો હતો. તેમણે આ કાર્યક્રમ જેવી વધુ આઉટરીચ પ્રવૃત્તિઓ હાથ ધરવા પર પણ ભાર મૂક્યો હતો જેથી યુવા વિદ્યાર્થીઓને અવકાશ વિજ્ઞાનની એપ્લિકેશનો અને SAC-ISROની કામગીરી વિશે માહિતગાર કરી શકાય. આ પછી SAC-ISROના વરિષ્ઠ વૈજ્ઞાનિક શ્રીમતી જ્યોત્સના લાડકાણીનું ઇન્ટરેક્ટિવ સત્ર હતું, જેમણે સેટેલાઇટ કમ્યુનિકેશન અને સંચારમાં સામેલ અવરોધો અને પડકારો સમજાવ્યા હતા. તેમણે અવકાશના ભંગાર અને કાટમાળને ટકાઉ રીતે દૂર કરવાના ઉકેલો વિશે પણ ચર્ચા કરી હતી.
આ સાત દિવસીય અવકાશ સપ્તાહની ઉજવણીમાં ગુજરાતભરની શાળાઓ અને કોલેજોના લગભગ 2,000 વિદ્યાર્થીઓ અને શિક્ષકોએ શારીરિક રીતે ભાગ લીધો હતો અને રાજ્યભરમાં હજારો લોકો વર્ચ્યુઅલ રીતે જોડાયા હતા. સાતેય દિવસે ગુજકોસ્ટ ટીમ દ્વારા સ્પેસ ક્વિઝ સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું. આ ક્વિઝએ સ્પેસ ટેક્નોલોજી વિશે સહભાગીઓના જ્ઞાનને સમૃદ્ધ બનાવ્યું હતું.
સાત દિવસીય ઉજવણી કાર્યક્રમમાં SAC-ISRO-અમદાવાદના પ્રતિષ્ઠિત વૈજ્ઞાનિકોના ઇન્ટરેક્ટિવ સત્રોનો સમાવેશ થાય છે, જ્યાં તેઓએ – ક્રાયોસ્ફિયર અને ક્લાઈમેટ ચેન્જ, વિવિધ ઉપગ્રહો અને તેની એપ્લિકેશનો અને સેટેલાઇટ નેવિગેશન સિસ્ટમના પ્રકારો જેવા ક્ષેત્રોની વિસ્તૃત રીતે માહિતી આપી હતી.
વર્લ્ડ સ્પેસ વીકના છેલ્લા દિવસે, GUJCOST એ SAC-ISRO કમિટી ફોર વર્લ્ડ સ્પેસ વીકના સહયોગથી 10મી ઑક્ટોબર 2022ના રોજ ઈન્ડિયન ઈન્સ્ટિટ્યૂટ ઑફ ટીચર એજ્યુકેશન (IITE), ગાંધીનગર ખાતે સમાપન સમારોહનું આયોજન કર્યું હતું.
આ કાર્યક્રમમાં SAC-ISROના ગ્રુપ હેડ ડૉ. ડી. રામ રજક અને Alt. SACની વર્લ્ડ સ્પેસ વીક કમિટીના અધ્યક્ષે આપણા રાષ્ટ્રને વધુ સારી રીતે બનાવવા માટે શિક્ષકોનું મહત્વ સમજાવ્યું હતું. તેમણે ભારપૂર્વક જણાવ્યું હતું કે બહેતર રાષ્ટ્ર નિર્માણ માટે તમામ ક્ષેત્રોએ વધુ વિકાસ કરવો જોઈએ.
કાર્યક્રમમાં SAC-ISROના ગ્રુપ ડાયરેક્ટર અને વર્લ્ડ સ્પેસ વીક કમિટીના ચેરમેન ડો.પારુલ પટેલની એક્સપર્ટ ટોક પણ હતી. તેઓ અઠવાડિયા દરમિયાન યોજાયેલા કાર્યક્રમના સમાપન સમારોહના મુખ્ય મહેમાન હતા. તેમણે તેમના સંબોધનમાં સાતત્યપૂર્ણ વિકાસ માટે અવકાશ તકનીકના મહત્વ અને ઉપયોગિતા સમજાવી હતી. તેણીએ વાદળછાયું હવામાન દરમિયાન પાકની વૃદ્ધિ શોધવા માટે માઇક્રોવેવ્સનો ઉપયોગ અને હવામાનશાસ્ત્રીય એપ્લિકેશનો માટે અવકાશ આધારિત તકનીકના ઉપયોગની ચર્ચા કરી હતી.
GUJCOST એ તમામ 33 જીલ્લાઓમાં તમામ 3 પ્રાદેશિક વિજ્ઞાન કેન્દ્રો (RSCs) અને લોક વિજ્ઞાન કેન્દ્રો (CSCs) માં અઠવાડિયાની પ્રવૃત્તિઓનું આયોજન કર્યું હતું. આરએસસી અને સીએસસીમાં, શાળા અને કોલેજના વિદ્યાર્થીઓએ સ્કાય ગેઝિંગ, સ્પેસ ક્વિઝ સ્પર્ધા, નિબંધ લેખન સ્પર્ધા, પઝલ સ્પર્ધા અને ચિત્ર સ્પર્ધા જેવી પ્રવૃત્તિઓમાં ભાગ લીધો હતો.
આ કાર્યક્રમનો મુખ્ય ઉદ્દેશ સ્પેસ આઉટરીચ અને શિક્ષણમાં અનન્ય લાભ પૂરો પાડવાનો હતો. આ કાર્યક્રમે રાજ્યભરના લોકોને અવકાશ વિજ્ઞાનથી મળતા લાભો વિશે માહિતગાર કર્યા. તેણે યુવાનોને અવકાશ તકનીકોના મહત્વ વિશે પણ પ્રોત્સાહિત કર્યા.
આ કાર્યક્રમ દ્વારા વિદ્યાર્થીઓમાં વૈજ્ઞાનિક સ્વભાવ કેળવાયો હતો અને અવકાશ વિજ્ઞાન પ્રત્યેની જિજ્ઞાસામાં વધારો થયો હતો. કાર્યક્રમે નવું શીખનારાઓને સર્વગ્રાહી વૃદ્ધિ વિકસાવવામાં મદદ કરી હતી.