સંશોધન ક્ષેત્રમાં ગુણવત્તા વધારવા પ્રજ્ઞા સભાનું આયોજન થયું
(પ્રતિનિધિ)ગોધરા, શ્રી ગોવિંદ ગુરુ યુનિવર્સિટી, ગોધરા દ્વારા પીએચડી અને સંશોધનની ગુણવત્તા વધારવા માટે પીએચડી ના માર્ગદર્શકશ્રીઓ માટે પ્રજ્ઞા સભાનું આયોજન તારીખ ૧૧- ૧૦- ૨૦૨૨ ના રોજ થયું હતું. આ પ્રસંગે શ્રી ગોવિંદ ગુરુ યુનિવર્સિટી, ગોધરાના કુલપતિ શ્રી પ્રોફેસર પ્રતાપસિંહજી ચૌહાણ સાહેબે ખાસ વિદ્યાર્થીઓ અને સંશોધક માર્ગદર્શકઓને શુભેચ્છાઓ પાઠવી હતી.
વધુમાં તેમણે જણાવ્યું હતું કે શ્રી ગોવિંદ ગુરુ યુનિવર્સિટી, ગોધરા દ્વારા શોધ અને બીજી મળતી અન્ય ફેલોસીપ્સ માટે વિદ્યાર્થીઓનો ઉત્સાહ ખૂબ જ જાેવા મળ્યો છે. તેમજ રાજ્ય કક્ષાએ શ્રી ગોવિંદ ગુરુ યુનિવર્સિટી ગોધરા નું નામ પણ સંશોધન ક્ષેત્રમાં ઉજાગર થયું છે. આ પ્રસંગે ડો. કુમાર ધાવલે, ડો હિતેશ પુરોહિત, ડો અજય સોની ઉપરાંત સાયન્સ, કોમર્સ, આર્ટસ, એજ્યુકેશન, મેડિકલ અને પેરામેડિકલ વિભાગના વિવિધ ૧૬૦ થી વધુ ગાઈડ અધ્યાપકો હાજરી આપી વર્કશોપનો લાભ લીધો હતો.
મુખ્ય વક્તા તરીકે સૌરાષ્ટ્ર યુનિવર્સિટી, રાજકોટના કોમર્સ વિભાગના ડીન શ્રીમતી ડો. દક્ષાબેન ચૌહાણ દ્વારા ખાસ વિદ્યાર્થીઓ અને ગાઈડને પડતી મુશ્કેલીઓ અંગે માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. તેમણે ખાસ જણાવ્યું હતું કે સંશોધન ક્ષેત્ર એ સતત ચિંતનનો વિષય છે તેમાં જેટલી મહેનત ગાઈડ કરશે તેટલું જ આઉટપુટ વિદ્યાર્થી પણ આપશે. આ પ્રસંગે તેમણે ખાસ જણાવ્યું હતું કે શ્રી ગોવિંદ ગુરુ યુનિવર્સિટી, ગોધરાનું ભવિષ્ય ખૂબ જ ઉજવળ છે.
પ્રોગ્રામના અંતે આભાર વિધિ કુલ સચિવ ડો. અનિલ સોલંકીએ કરી હતી. બપોર પછીના સેશનમાં સાયન્સ, કોમર્સ, આર્ટસ, એજ્યુકેશન, મેડિકલ અને પેરામેડિકલના વિભાગોના પીએચડી માર્ગદર્શકો માટે ખાસ કાર્ય શાળા પણ આયોજિત થયેલ હતી. જેમાં વિવિધ યુનિવર્સિટીના અનુભવી પીએચડી માર્ગદર્શકો દ્વારા અધ્યાપકોને માર્ગદર્શન અપાયું હતું.