ભરૂચમાં માનસિક દિવ્યાંગ બાળકોએ પ્રકાશ પર્વ દિવાળી માટે આકર્ષક દીવડાઓ તૈયાર કર્યા
(પ્રતિનિધિ) ભરૂચ, ભરૂચની માનસિક દિવ્યાંગ બાળકોની સંસ્થા કલરવ શાળા ખાતે બાળકોએ ઉત્સાહભેર તૈયાર કરેલ દીવડાઓ સહિતની ચીજવસ્તુઓ લોકો ખરીદી કરી તેવોને આર્થિક ઉપાર્જન માટે સક્ષમ કરવા સાથે તેમના જીવનમાં પ્રકાશ પ્રસરાવી રહ્યા છે.
કુદરતે જેમને અન્યાય કરી માનસિક દિવ્યાંગ તરીકે જન્મ આપ્યો છે તેવા બાળકો માટે ભરૂચની કલરવ શાળા આશીર્વાદરૂપ છે.
અહીં બાળકોને જીવન ઉપયોગી જ્ઞાન આપવા સાથે તેવો આર્થિક રીતે પણ પોતાની રીતે જીવી શકે તે માટે અહીં બાળકોને ફાઈલ,અગરબત્તી, દિવાળીના રંગબેરંગી કોડિયા વિગેરે બનાવવાનું પણ શીખવાડવામાં આવે છે.પ્રકાશ પર્વ દીપાવલીના તહેવાર પૂર્વે અહીંના બાળકો આકર્ષક દિવડાઓ તૈયાર કરવામાં વ્યસ્ત બન્યા છે.
આ દીવડાઓ તૈયાર કરી સંસ્થા દ્વારા વેચાણ કરી દરેક બાળકોને દિવાળીની ઉજવણી માટે ફટાકડા અને મીઠાઈની ભેટ આપવામાં આવશે તેથી બાળકો પણ અત્યંત રોમાંચિત થઈ તેમના દીવડાઓના ખરીદવા આવતા લોકોની રાહ જુવે છે.
કલરવ સંસ્થાના ટ્રસ્ટી નિલાબેન મોદી બાળકો માટે દિવાળી પર્વ ખુશીઓ લઈને આવતું હોવાનું જણાવી કેટલાય ઉદ્યોગગૃહો અને સામાજીક સંસ્થાઓ તેમના બાળકો દ્વારા તૈયાર કરાયેલ દિવડા ખરીદી કરવા માટે આગળ આવી તેમના જીવનને કઈક પ્રકાશમય બનાવવા સહયોગ માટે આગળ આવી રહ્યા હોવાનું જણાવી રહ્યા છે.
કુદરતના અન્યાયનો ભોગ બનેલા માનસિક દિવ્યાંગ બાળકોના અંધકારમય જીવનમાં પ્રકાશ પર્વ નિમિત્તે તેમના દીવડાઓ ખરીદી તેમને આનંદની અનુભૂતિ કરાવવા સાથે પ્રકાશ પ્રસરાવવા માટે અન્ય લોકો પણ આગળ આવે તે જરૂરી છે.