નડિયાદના ચકચારી તાન્યા હત્યાકાંડનો ફરાર આરોપી ઝડપાયો
(પ્રતિનિધિ) નડિયાદ, નડિયાદમાં ચકચારી તાન્યા હત્યાકાંડનો મુખ્ય સૂત્રધાર આરોપી મીત ઉર્ફે ભલો પટેલ અમદાવાદની મધ્યસ્થ જેલ ખાતે આજીવન કારાવાસની સજા ભોગવતો હતો. તેણે પેરોલ ઉપર ૧૭ દિવસના જામીન મેળવ્યા હતા. અને એ બાદ હાજર ન થતાં ભાગેડુ જાહેર કરાયો હતો અને તેના વિરુદ્ધ નડિયાદ પશ્ચિમ પોલીસમા ફરિયાદ પણ દાખલ કરવામાં આવી હતી. જાેકે ખેડા જિલ્લા પેરોલ ફ્લો સ્ક્વોડ પોલીસે ટેકનીકલ સર્વલન્સ તથા સાયબર સેલની મદદથી આરોપીને શોધી બહુચરાજી ખાતેથી ઝડપી લઈ આગળની કાર્યવાહી હાથ ધરી છે.
મળતી માહિતી મુજબ નડિયાદમા ચકચારી તાન્યા હત્યાકાંડનો મુખ્ય સૂત્રધાર આરોપી મીત ઉર્ફે ભલો વિમલકુમાર પટેલ અમદાવાદ મધ્યસ્થ જેલ ખાતે આજીવન કારાવાસની સજા ભોગી રહ્યો છે. તેણે હાઇકોર્ટના હુકમથી ત્રણ ઓગસ્ટના સંદર્ભથી દસ દિવસના પેરોલ મંજૂર તથા વધારાના ૭ દિવસ એમ કુલ ૧૭ દિવસના પેરોલ મંજૂર કરી પેરોલ પર બહાર આવ્યો હતો. અને ૨૪ ઓગસ્ટના રોજ પરત હાજર થવાનું હતું.
પરંતુ હાજર ન થતા તેણે ભાગેડું જાહેર કરાયો હતો. આ સંદર્ભે ગત ૯ ઓક્ટોબરના રોજ ભાગેડું આરોપી મીત ઉર્ફે ભલો વિમલકુમાર પટેલ સામે નડિયાદ પશ્ચિમ પોલીસ મથકે આઇપીસી ૫૧-છ,૫૧-મ્ મુજબનો ગુનો નોંધાયો હતો. પોલીસે આ કેસની ગંભીરતાને લઈ આરોપીને શોધી કાઢવા આકાશ પાતાળ એક કર્યું હતું. દરમિયાન ખેડા પેરોલ ફ્લો સ્ક્વોડ પોલીસે ટેકનીકલ સર્વલન્સ તથા સાયબર સેલની મદદથી આ ભાગેડું આરોપી મીત ઉર્ફે ભલો વિમલકુમાર પટેલ બહુચરાજી ખાતે છુપાયો હોવાની વાત સામે આવતા પોલીસની ટીમે ત્યાં ત્રાટકી આ આરોપીને દબોચી લીધો છે.
પોલીસે આ આરોપીને પકડી પાડી આગળની કાર્યવાહી કરી છે. અત્રેનોંધનીય છે કે, ૧૪ એપ્રિલે નડિયાદ સેશન્સ કોર્ટે આ આરોપીને આજીવન કેદની સજા ફટકારી હતી. તાનિયા અપહરણ હત્યાના આરોપમાં પાડોશી મીત અને તેની માતા જીગીશા તથા તેનો ભાઈ ધૃવને કોર્ટે આજીવન કેદની સજા ફટકારી હતી.