Western Times News

Gujarati News

સાવલી ખાતે યોજાયો વડોદરાનો જિલ્લા કક્ષાનો ગરીબ કલ્યાણ મેળો

ગરીબ કલ્યાણ મેળાના પ્રેરક વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી, ગરીબી હટાવવાનો સંકલ્પ કલ્યાણ મેળાઓ દ્વારા સાકાર થઈ રહ્યો છેઃ રાજ્યમંત્રી શ્રીમતી મનીષાબેન વકીલ

(માહિતી) વડોદરા, સાવલી તાલુકાના ભીમનાથ મહાદેવ મંદિર ખાતે આજે જિલ્લા કક્ષાનો ગરીબ કલ્યાણ મેળો યોજાયો હતો. જેમાં જિલ્લાના ૨૪૫૦ થી વધારે લાભાર્થીઓને સરકારની વિવિધ કલ્યાણકારી યોજનાના રૂ. ૭૦ કરોડના લાભો એનાયત કરવામાં આવ્યા હતા.
લાભાર્થીઓને અભિનંદન પાઠવીને રાજ્યમંત્રી શ્રીમતી મનીષાબેન વકીલે જણાવ્યું કે, ગરીબ કલ્યાણ મેળાના પ્રેરણાસ્ત્રોત તત્કાલીન મુખ્યમંત્રીશ્રી અને હાલના વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ મોદી છે.

ગરીબી હટવી જાેઈએ, તેવો પ્રધાનમંત્રીશ્રી નરેન્દ્રભાઈ મોદીનો સંકલ્પ ગરીબ કલ્યાણ મેળાના દર વર્ષે અવિરત આયોજનથી સિદ્ધ થઈ રહ્યો છે. તેમણે ગરીબોના ઉત્કર્ષ અને ઉત્થાન માટે યોજાતા ગરીબ કલ્યાણ મેળાના ટૂંકા સમયમાં સુચારુ આયોજન માટે જિલ્લા વહીવટી તંત્રને અભિનંદન પાઠવતા ઉમેર્યું કે, હવે સરકાર પ્રજાના દ્વારે પહોંચે છે અને આ ભગીરથ પ્રયાસમાં અધિકારીઓ પણ જાેડાય છે.

ગરીબ કલ્યાણ મેળામાં માત્ર સાધનો કે યોજનાના લાભો જ નથી મળતા, પરંતુ કૌશલ્ય થકી આર્ત્મનિભર અને પગભર થવાનો સુવર્ણ અવસર પણ મળે છે ગરીબ કલ્યાણ મેળા થકી વચેટિયામુક્ત, સરળ, સુનિશ્ચિત, પારદર્શક રીતે અને સમજણથી સહાય મળે છે, તેવું જણાવી મંત્રીએ મહિલાઓ અને બાળકો માટે સરકાર ચિંતિત હોવાનું જણાવ્યું હતું.

હવે ગરીબો માટે યોજના પણ બને છે અને કોઈ પણ પ્રકારની દુવિધા વગર લોકો સુધી પહોંચે પણ છે, તેમ તેમણે ઉમેરી ગરીબ કલ્યાણ મેળાની ૧૩મી કડી માટે સરકારશ્રીને અભિનંદન પાઠવ્યા હતા. આ પ્રસંગે સાંસદ શ્રીમતી રંજનબેન ભટ્ટે જણાવ્યું હતું કે, વિકાસ કેવો હોવો જાેઈએ ? વિકાસની ગાથા અને વ્યાખ્યા પ્રધાનમંત્રીશ્રી નરેન્દ્રભાઈ મોદીએ શીખવાડી છે. દેશમાં ગુજરાત રોલ મોડેલ હોવાનું જણાવી તેમણે અંત્યોદયથી સર્વોદય થયો હોવાનો ભારપૂર્વક જણાવ્યું હતું.

છેલ્લા ૨૦ વર્ષથી ચાલતી ગુજરાતની વિકાસગાથાને સતત આગળ વધારવામાં ગરીબ કલ્યાણ મેળો પ્રેરક બળ પુરૂ પાડી રહ્યું હોવાનું તેમણે ઉમેર્યું હતું. તો આ સરકાર ગરીબોની, ગરીબો માટે અને ગરીબો સાથે હોવાનું જણાવી સાવલીના ધારાસભ્યશ્રી કેતન ઇનામદારે જનતાના વિશ્વાસથી સરકારે રાજ્ય અને દેશની પ્રગતિ કરી હોવાનું કહ્યું હતું. ગરીબી હટાવવા સરકાર મક્કમ છે અને ઈચ્છાશક્તિ પણ છે, તેમ પણ તેમણે ઉમેર્યું હતું.

ગરીબ કલ્યાણ મેળામાં ૨૦થી વધારે અલગ અલગ સ્ટોલ ઉભા કરવામાં આવ્યા હતા, જેમાં વિવિધ સરકારી યોજનાઓની માહિતી અને પ્રજાની સુવિધા માટે ઓન સ્પોટ રજિસ્ટ્રેશનનો પણ સમાવેશ કરવામાં આવ્યો હતો. ગરીબ કલ્યાણ મેળા બાદ મંત્રી શ્રીમતી સહિતના મહાનુભાવોએ અલગ-અલગ સ્ટોલની મુલાકાત લઈને તેમની માહિતી મેળવી હતી.

આ વેળાએ જિલ્લા પંચાયતના પ્રમુખશ્રી અશોકભાઈ પટેલ, કલેક્ટરશ્રી અતુલ ગોર, જિલ્લા વિકાસ અધિકારી ડૉ. રાજેન્દ્ર પટેલ, જિલ્લા પંચાયતના ઉપપ્રમુખશ્રી, અલગ-અલગ તાલુકા પંચાયતના પ્રમુખશ્રીઓ, જિલ્લા પંચાયત અને તાલુકા પંચાયતના સભ્યશ્રીઓ સહિતના પદાધિકારીઓ, વહીવટી તંત્રના ઉચ્ચ અધિકારીશ્રીઓ, લાભાર્થીઓ અને મોટી સંખ્યામાં નાગરિકો ઉપસ્થિત રહ્યા હતા.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.