પાલનપુર ખાતે શિક્ષણ રાજ્યમંત્રીના અધ્યક્ષસ્થાને જિલ્લા કક્ષાનો ગરીબ કલ્યાણ મેળો યોજાયો
છેલ્લા ૨૦ વર્ષમાં કરેલા ગરીબ કલ્યાણના કામોના લીધે સરકાર અને પ્રજા વચ્ચે વિશ્વાસનો અતુટ સેતુ સર્જાયો છે : મંત્રી કિર્તીસિંહ વાઘેલા
(માહિતી બ્યુરો, પાલનપુર) પાલનપુર માર્કેટયાર્ડ ખાતે શિક્ષણ રાજ્ય મંત્રીશ્રી કિર્તીસિંહ વાઘેલાના અધ્યક્ષસ્થાને જિલ્લા કક્ષાનો ગરીબ કલ્યાણ મેળો યોજાયો હતો. જેમાં બનાસકાંઠા જિલ્લાના ૫૬૨૦ લાભાર્થીઓને રૂ.૧૦૯.૮૮ કરોડની સાધન સહાયનું વિતરણ કરવામાં આવ્યું હતું.
આ પ્રસંગે મંત્રીશ્રી કિર્તીસિંહ વાઘેલાએ જણાવ્યું કે, આપણા દેશમાં દુનિયાનું સૌથી મોટું લોકતંત્ર છે. આ લોકશાહી શાસનમાં લોકોને એમના અધિકારનું સરળતાથી મળે તે એમનો હક છે પરંતુ આ હક્કો ભૂતકાળમાં મળતા નહોતા એટલે તત્કાલીન મુખ્યમંત્રીશ્રી અને હાલના વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ મોદીએ ગરીબ કલ્યાણ મેળાઓ શરૂ કરાવીને ગરીબોને તેમના હકનું આપવા ગુજરાતમાં આગવી પહેલ કરાવી હતી.
સરકારના કર્મચારીઓ દ્વારા લાભાર્થીઓની યાદી તૈયાર કરી તેમને સામેથી જઇ લાભો આપવા દેશમાં પ્રથમ વખત પ્રયાસ કરવામાં આવ્યો છે. તેમણે ઉમેર્યું કે આપણા વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ મોદીએ ગરીબોના જીવનમાં પરિવર્તન લાવવા રાજ્યમાં ૧.૫ કરોડ લોકોને રૂ. ૪૫,૦૦૦ કરોડની માતબર સહાય અપાઇ છે. મંત્રીશ્રીએ કહ્યું કે, મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્રભાઇ પટેલના નેતૃત્વમાં આપણું ગુજરાત વિકાસની નવી ઉંચાઇઓ સર કરી રહ્યું છે.
ગુજરાત સરકારે છેલ્લા ૨૦ વર્ષમાં ગરીબોના કલ્યાણ માટે અનેક કામો કર્યા છે એટલે જ આ સરકાર અને પ્રજા વચ્ચે વિશ્વાસનો અતુટ સેતુ સર્જાયો છે. મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્રભાઇ પટેલે પંચમહાલ જિલ્લાના છબનપુર (ગોધરા) ખાતેથી ૧૩ મા તબક્કાના ગરીબ કલ્યાણ મેળાનો રાજ્યવ્યાપી શુભારંભ કરાવ્યો હતો. જેનું જીવંત પ્રસારણ ઉપસ્થિત મહાનુભાવો અને લાભાર્થીઓએ રસપૂર્વક નિહાળ્યુ હતું. મંત્રીશ્રીના હસ્તે “પંચાયતી રાજની આગેકૂચ” કોફી ટેબલ બુકનું વિમોચન કરવામાં આવ્યું હતું.
આ પ્રસંગે જિલ્લા વિકાસ અધિકારીશ્રી સ્વપ્નિલ ખરે, અગ્રણીઓ સર્વશ્રી ગુમાનસિંહ ચૌહાણ, શ્રી દિલીપભાઇ વાઘેલા, શ્રી દિનેશભાઇ મણવર, શ્રી ભગુભાઇ કુગશીયા, શ્રી અશ્વિનભાઇ સક્સેના, શ્રી પાયલબેન મોદી, પાલનપુર માર્કેટયાર્ડના ચેરમેનશ્રી ફતાભાઇ ધારીયા, નિવાસી અધિક કલેક્ટરશ્રી રીટાબેન પંડ્યા,જિલ્લા ગ્રામ વિકાસ એજન્સીના નિયામકશ્રી આર.આઇ.શેખ, પ્રાંત અધિકારીશ્રી સુશીલ પરમાર, નાયબ જિલ્લા અધિકારીશ્રી શૈલષ પટેલ અને કે.કે.ચૌધરી સહિત અધિકારી- પદાધિકારીઓ તથા વિશાળ સંખ્યામાં લાભાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા.