દિવ્યાંગ મતદાતાઓ માટે મતદાન જાગૃત્તિ કાર્યક્રમ યોજાયો
(માહિતી) રાજપીપલા, આગામી વિધાનસભા ચૂંટણી-૨૦૨૨ ને અનુલક્ષીને નર્મદા જિલ્લા ચૂંટણી અધિકારીશ્રી અને જિલ્લા કલેકટર શ્રીમતી શ્વેતા તેવતિયાના માર્ગદર્શન હેઠળ જિલ્લાભરમાં સરકારશ્રીના વિવિધ વિભાગોના અધિકારીશ્રીઓ દ્વારા મતદાન જાગૃત્તિ માટે અનેક કાર્યક્રમો કરવામાં આવી રહ્યાં છે.
જેના અનુસંધાને જિલ્લા સમાજ સુરક્ષા અધિકારીશ્રીની કચેરી રાજપીપલા-નર્મદા દ્વારા દિવ્યાંગ મતદારો માટેના જાગૃત્તિ કાર્યક્રમના ભાગરૂપે દેડીયાપાડા તાલુકા મથકે મતદાન જાગૃત્તિ કાર્યક્રમ યોજાયો હતો.
દેડીયાપાડાની શ્રી એ.એન. બારોટ વિદ્યાલય ખાતે ગત તા.૧૨ મી ઓકટોબર,૨૦૨૨ ને બુધવારના રોજ નાયબ જિલ્લા ચૂંટણી અધિકારીશ્રીના માર્ગદર્શનમાં દેડીયાપાડાના મામલતદારશ્રી એસ.વી. વિરોલા તથા શી એન્ડ વુમન એન્ટરપ્રિન્યોરશીપ ફાઉન્ડેશન અને સમાજ સુરક્ષા કચેરી રાજપીપલાના સહયોગથી મતદાન જાગૃત્તિ કાર્યક્રમ યોજાયો હતો.
જેમાં અંદાજિત ૫૦ જેટલા દિવ્યાંગ મતદારો ઉપસ્થિત રહ્યાં હતાં. મતદાનના દિવસે દિવ્યાંગ મતદારો સરળતાથી મતદાન કરી શકે તેમજ અચૂક મતદાન કરવા અંગે ચૂંટણી અધિકારીશ્રીઓ દ્વારા પ્રોત્સાહન પુરું પાડવામાં આવ્યું હતું. દેડીયાપાડા મામલતદાર કચેરીના ચૂંટણી કામગીરીમાં જાેતરાયેલા અધિકારીશ્રીઓએ
EVMનું સ્થળ પર નિદર્શન કરી કેવી રીતે મતદાન કરી શકાય તે અંગેની વિસ્તૃત માહિતી આપી હતી. વધુમાં દિવ્યાંગ મતદારોને PWD App અંગે પણ જાણકારી આપવામાં આવી હતી. PWD App ના માધ્યમથી દિવ્યાંગ મતદાતા મતદાન મથક વિષેની માહિતી આંગળીના ટેરવે સરળતાથી મેળવી શકે છે.
તેમજ મતદાનના દિવસે દિવ્યાંગોને મળતી વિવિધ સુવિધાઓ જેવી કે, વ્હીલચેર, સહાયક અને ટ્રાન્સપોર્ટેશનની સુવિધા અંગેની માહિતી આ એપ્લીકેશન દ્વારા ઘર બેઠા મેળવી શકે છે તેની પણ વિસ્તૃતમાં માહિતી આપી અચૂક મતદાન કરવા માટે ઉપસ્થિત દિવ્યાંગ મતદાતાઓને અપલી કરવામાં આવી હતી.