ડાંગના કલેકટર ભાવિન પંડયાને અપાયુ ભાવ ભર્યુ વિદાયમાન
(ડાંગ માહિતી) : આહવાઃ ગત તા.૧૭ મી મે, ૨૦૨૧ ના દિવસે ડાંગ જિલ્લાનો હવાલો સંભાળનાર કલેકટર શ્રી ભાવિન પંડ્યાની રાજ્ય સરકારે મહીસાગર જિલ્લા કલેકટર તરીકે બદલી કરતા, ડાંગના આ લોકલાડીલા કલેક્ટરશ્રીને મહેસુલી પરિવારે ભાવભિની વિદાય આપી હતી.
જે તે વખતે ડાંગ જિલ્લાને ‘કોરોના મુક્ત’ કરવાના લક્ષ નિર્ધાર સાથે કાર્યભાર સંભાળનારા કલેક્ટરશ્રીએ તેમના ખૂબ જ ટૂંકા ગાળાના કાર્યકાળ દરમિયાન, સૌ અધિકારી પદાધિકારીઓના સુમેળભર્યા સંકલન સાથે, જિલ્લાના કાર્યોને ગતિ પ્રદાન કરી હતી. દોઢ વર્ષથી પણ ઓછા સમયમા કલેકટર શ્રી ભાવિન પંડ્યાએ સૌ કર્મચારી, અધિકારી, પદાધિકારીઓ, અને પ્રજાજનોનો વિશ્વાસ સંપાદિત કરી, સૌને સુશાસનનો અહેસાસ કરાવ્યો હતો.
જિલ્લા સેવા સદન ખાતે નિવાસી અધિક કલેકટર શ્રી પદ્મરાજ ગાવિત, પ્રાયોજના વહીવટદાર શ્રી જે.ડી.પટેલ, કાર્યપાલક ઈજનેર શ્રી એસ.આર.પટેલ, જિલ્લા શિક્ષણાધિકારી શ્રી એમ.સી.ભૂસારા સહિતના અધિકારીઓ, મહેસુલી અધિકારી અને કર્મચારીઓએ વિદાય લેતા કલેકટરશ્રીને ભાવસભર વિદાયમાન આપ્યુ હતુ.
ઉલ્લેખનિય છે કે, ડાંગ કલેક્ટર શ્રી ભાવિન પંડ્યા તેઓની વહીવટી કુશળતા અને સહજ સ્વભાવના કારણે જિલ્લાના નાગરીકોના પ્રિય બન્યા હતા. તેઓની આગવી સુઝબુઝ, અનુભવ અને કુનેહના કારણે જિલ્લામા નાગરિકોના ઘણા પ્રશ્નોનુ હકારાત્મક નિરાકણ થવા પામ્યુ છે.
વિદાય વેળાએ ડાંગ કલેક્ટર શ્રી ભાવિન પંડ્યાએ તેમની કૃતજ્ઞતા વ્યક્ત કરતા જણાવ્યુ હતુ કે, દરેક કર્મચારી પાસે આવતો કાગળ, એ માત્ર કાગળ જ નહી પરંતુ એક વ્યક્તી છે. જેમા નાગરિકની લાગણીઓ, સુખ અને સંતોષ સમાયેલુ છે. ગુડ ગવર્નન્સ તરીકે આપણે અભિગમ બદલી, નાગરીકોના જીવનમા સુખદ પરિવર્તન માટે પ્રયત્નશીલ રહેવુ જાેઇએ. કર્મચારીઓને સંદેશ આપતા શ્રી ભાવિન પંડ્યાએ, એક સેવક તરીકે નાગરીકોના પ્રશ્નનુ હકારાત્મક નિવારણ કરીએ તો કામનો સંતોષ મળે છે, તેમ ઉમેર્યુ હતુ.
–