દાહોદના સ્વામી વિવેકાનંદ સંકુલ ખાતે ભૂલકા મેળો યોજાયો
(માહિતી) દાહોદ, પા પા પગલીમાં પહેલું ડગ માંડનાર નાના ભૂલકાઓને રાજ્ય સરકાર દ્વારા નિર્ધારિત અભ્યાસક્રમ પ્રમાણે પૂર્વ પ્રાથમિક શિક્ષણનું પહેલું ભાથું મળે એ માટે દાહોદના સ્વામી વિવેકાનંદ સંકુલ ખાતે ભૂલકા મેળો આઇસીડીએસ વિભાગ દ્વારા યોજાયો હતો. ગુજરાત વિધાનસભાના દંડક શ્રી રમેશભાઇ કટારાની અધ્યક્ષતામાં યોજાયેલા કાર્યક્રમમાં નાના ભૂલકાઓએ ગીત-સંગીત-નૃત્ય-ચિત્ર વગેરેની મનમોહક રજૂઆત કરી હતી. દંડક શ્રી કટારાએ રાજ્ય સરકાર દ્વારા બાળકોને કુપોષણને દૂર કરી સુપોષિત કરવા માટેની કટિબદ્ધતા વ્યક્ત કરી હતી.
શ્રી રમેશભાઇ કટારાએ જણાવ્યું કે, રાજ્ય સરકાર આંગણવાડીના બાળકો સુપોષિત બને તે માટે સઘન પ્રયાસરત છે અને વિવિધ યોજનાઓ યોગ્ય રીતે લાગુ કરી છે ત્યારે માવતર પણ બાળકોને નિયમિત રીતે આંગણવાડીમાં મોકલે એ ઇચ્છનીય છે. આંગણવાડીમાં બાળકો નિયમિત રીતે આવશે તો તેમનો સર્વાગી વિકાસ થશે.
તેઓ શારિરીક માનસિક સ્વાસ્થ કેળવશે તેમ તેમણે ઉમેર્યુ હતું. તેમણે એમ પણ જણાવ્યું હતું કે, આંગણવાડી કાર્યકતા બહેનો બાળકો માટે માતા યશોદાની ભૂમિકા યોગ્ય રીતે નિભાવી રહી છે. બાળકોને ગરમ, સુપોષિત આહારથી લઇને તમામ બાબતોની કાળજી તેઓ રાખે છે.
માવતર જે વિશ્વાસ સાથે બાળકને આંગણવાડીમાં મુકે છે ત્યારે તેનો યોગ્ય વિકાસ થાય, તેને યોગ્ય પૂર્વ પ્રાથમિક શિક્ષણ મળી રહે એ માટે આંગણવાડી કાર્યકતા બહેનોએ ખાસ જહેમત લઇને તેના પર ખરા ઉતરવાનું છે. આ પ્રસંગે જિલ્લા પંચાયત પ્રમુખ સુશ્રી શીતલબેન વાઘેલાએ જણાવ્યું કે, માતા બાળકને જન્મ આપે છે પરંતુ આંગણવાડી કાર્યકતા બહેનો જે રીતે બાળકોની કાળજી રાખે છે તે જાેતા તેઓ ખરા અર્થમાં માતા યશોદા છે.
આંગણવાડીમાં આવતું કોઇ પણ બાળક કુપોષિત ન રહે એ માટે ખાસ તકેદારી રાખવાની છે. રાજ્ય સરકાર દ્વારા બાળક સુપોષિત બને એ માટે દૂધ સંજીવની સહિતની અનેક યોજનાઓ લાગુ કરવામાં આવી છે. બાળકોને આ યોજનાઓનો લાભ મળી રહે અને બાળક સુપોષિત થાય, તેનો શારીરિક માનસિક વિકાસ થાય એ લક્ષ સાથે આજનો કાર્યક્રમ યોજાયો છે એમ ઉમેરતા તેમણે આજના કાર્યક્રમમાં પા પા પગલીમાં પ્રવેશ લીધેલા બાળકોએ રજૂ કરેલી વિવિધ કૃતિઓની પ્રશંસા કરી હતી.