ઓનેસ્ટ રેસ્ટોરન્ટથી મંગાવેલી ભાજીમાંથી જીવડું નીકળ્યું
અમદાવાદ, ઓનલાઈન ફૂડ ડિલિવરી એપ ઝોમેટો દ્વારા ફૂડ ઓર્ડર કરી અને રેસ્ટોરાંમાંથી જમવાનું મંગાવતા શહેરની એક યુવતીને કડવો અનુભવ થયો છે. યુવતીએ ઝોમેટો એપ પરથી તેની મિત્રના જન્મદિવસે નવરંગપુરા સીજી રોડ પર આવેલી ઓનેસ્ટ રેસ્ટોરન્ટમાંથી ભાજીપાવનો ઓર્ડર કર્યો હતો. રેસ્ટોરાંમાંથી આવેલી ભાજીમાં જીવડું નીકળતાં બધા ચોંક ઉઠયા હતા.
ભાજીમાંથી જીવડું નીકળતા તેના મિત્રનો જન્મદિવસ બગડ્યો હતો. આ બાબતે યુવતીએ ફેસબુકમાં ફૂડ હોલિક ઇન અમદાવાદ નામના ગ્રુપમાં પોસ્ટ કરી છે.
જેને લઇને ભારે ચકચાર મચી ગઇ છે. બીજીબાજુ, ઓનેસ્ટ રેસ્ટોરન્ટ ફરી એકવાર ખાવામાં જીવાત, વંદા કે જીવડા નીકળવાની એક પછી એક ઘટનાઓને લઇ સતત વિવાદમાં આવી રહી છે.
ઇમાની જૈન નામની યુવતીએ કરેલી પોસ્ટમાં લખ્યુ કે, મિત્રો, ઓનલાઈન ફૂડ ડિલિવરી એપ ઝોમેટો પરથી ઓનેસ્ટમાંથી ભાજીપાવનો ઓર્ડર કર્યો હતો. પરંત ઓર્ડરમાં આવેલી ભાજીપાવમાં જીવડું નીકળ્યું હતું. ઓનેસ્ટ રેસ્ટોન્ટ કે જેનું માર્કેટમાં મોટું નામ છે પરંતુ બેકાર જમવાનું આપે છે. તેની મિત્રના જન્મદિવસે આ ફૂડ મંગાવ્યું હતું અને આવું જમવાનું ઓર્ડરમાં આવતા જન્મદિવસની ઉજવણી બગડી ગઈ હતી.
આ પોસ્ટ બાદ સ્વાદના રસિયાઓ અને ખાસ કરીને હાઇજેનીક ફુડના આગ્રહી નાગરિકોમાં ભારે રોષની લાગણી ફેલાઇ ગઇ હતી. બીજીબાજુ, ઓનેસ્ટ રેસ્ટોરન્ટ ફરી એકવાર ખાવામાં જીવાત, વંદા કે જીવડા નીકળવાની એક પછી એક ઘટનાઓને લઇ સતત વિવાદમાં સપડાઇ રહી છે ત્યારે હવે ઓનેસ્ટની ફુડ કવોલિટી સામે પણ લોકોએ ગંભીર સવાલો ઉઠાવ્યા છે.