જૂગારીઓને કાનમાં ઈયરબર્ડ પહેરાવી બાબુ દાઢી ચલાવી રહ્યો હતો જુગારનો અડ્ડો
બાજી કોણ જીત્યું છે તે ડિવાઈસની મદદથી ખેલીઓને જાણ થઈ જતી હતીઃ તમામ ખેલીઓને કાનમાં ઈયરબર્ડ પહેરાવવામાં આવ્યાં હતાં
પત્તાંની કેટનું ડિવાઈસ સ્કેન કરીને ચાલતા હાઈટેક જુગારધામનો પર્દાફાશ
અમદાવાદ, અમદાવાદમાં દારૂના અડ્ડા જેટલા ચાલી રહ્યા છે તેના કરતા વધુ જુગારના અડ્ડા ધમધમે છે. જેનો અંદાજ સાબરમતી વિસ્તારમાં આવેલા બાબુ દાઢીના અડ્ડા પર સ્ટેટ મોનિટરિંગ સેલે કરેલા દરોડામાં આવી જાય છે. બાબુ દાઢીના અડ્ડા પર થયેલી રેડમાં સાબરમતી પીઆઈ અને પીએસઆઈને સસ્પેન્ડ કર્યા છે
ત્યારે મોડી રાતે પીસીબી (પ્રિવેન્શન ઓફ ક્રાઈમ બ્રાંચ) ની ટીમે ચાંદખેડામાં ચાલતા જુગારધામ પર દરોડો પાડતાં સ્થાનિક પોલીસની પોલ ખુલ્લી પડી ગઈ છે.જુગારની કલબ એકદમ હાઈટેક હતી. જેમાં પત્તાંની કેટને એક ડિવાઈસ દ્વારા સ્કેન કરવામાં આવી હતી.
શહેરના ચાંદખેડા વિસ્તારમાં આવેલા શિવશક્તિનગરના કર્ણાવતી ડુપ્લેકસના ચોથા માળે જુગારધામ ચાલી રહ્યું હોવાની બાતમી પીસીબીને મળી હતી. પીસીબીની ટીમે બાતમીના આધારે દરોડો પાડયો હતો. જેમાં દસ જુગારિયાને રંગે હાથ ઝડપી લીધા હતા. પીસીબીએ ત્રણ લાખ રોકડા સહિત કુલ ૧ર લાખના મુદ્દામાલ જપ્ત કર્યો છે.
અમદાવાદમાં ઠેર ઠેર જે જુગાર ધામ ચાલે છે તેના કરતાં આ જુગારધામ હાઈટેક હતું. પોલીસે રેડ દરમિયાન જુગારધામ ચલાવતા આતિશ શાહ તેમજ ખેલી રણજીત ઠાકોર, જયેશ દેસાઈ, બલરાજ ઠાકોર, અજય ઠાકોર, ગોપાલ ઠાકોર, કલ્પેશ ઠાકોર, બળદેવ ઠાકોર અને રાકેશ ઠાકોરની ધરપકડ કરી છે. જુગારધામ પર રેડ કરતાં પોલીસની આંખ પહોળી થઈ ગઈ હતી
કારણ કે પ૦૦ની નોટના બંડલને કાપીને એક ડિવાઈસ ફીટ કરવામાં આવ્યું હતું જેને પત્તાંની કેટ સાથે સકેન કરવામાં આવ્યું હતું જુગારની કલબમાં બૂમાબૂમ થાય નહી તે માટે તમામ જુગારિયાને ઈયરબર્ડ પહેરાવી દેવામાં આવ્યા હતા. પોલીસ સુત્રોના જણાવ્યા અનુસાર ડિવાઈસને મોબાઈલ કનેકટ કરવામાં આવ્યો હતો
અને ત્યારબાદ ડિવાઈસને પત્તાંની કેટથી સ્કેન કરવામાં આવ્યું હતું. ડિવાઈસની મદદથી બાજી કોણ જીત્યુ છે તે કાનમાં ઈયરબર્ડ વગર ખબર પડી જાય. જેના કારણે કોઈ અવાજ બહાર જાય નહી. પીસીબીએ તમામની ધરપકડ કરીને ચાંદખેડા પોલીસ સ્ટેશનમાં ગુનો દાખલ કર્યો છે.