મહારાષ્ટ્રમાં સવારથી NCPના આગેવાનોની બેઠક
મુંબઈ : મહારાષ્ટ્ર વિધાનસભાની ચૂંટણીમાં ભારતીય જનતા પાર્ટીએ સૌથી વધુ બેઠક મેળવી હોવા છતાં સ્પષ્ટ બહુમતી નહી મળતા અને શિવસેનાએ ગંઠબધન તોડતા રાજકીય ગુંચવાડો સર્જાયો છે ભાજપે સરકાર રચવાની ના પાડી દેતા રાજયપાલે શિવસેનાને આમંત્રણ આપ્યું હતું પરંતુ શિવસેના પણ બહુમતી પુરવાર કરવામાં નિષ્ફળ જતાં હવે ત્રીજા નંબરના પક્ષ તરીકે એનસીપીને ગઈકાલે રાત્રે આમંત્રણ આપવામાં આવતા આજે સવારથી જ એનસીપીના અગ્રણી શરદ પવારે બેઠકોનો દોર શરૂ કરી દીધો છે.
જાકે એનસીપી અને કોંગ્રેસ વચ્ચે ગઠબંધન છે પરંતુ બંને પક્ષોના ચુંટાયેલા ધારાસભ્યોનું સંખ્યાબળ સ્પષ્ટ બહુમતી જેટલી નહી થતાં તમામની નજર શિવસેના પર મંડાયેલી છે. કોંગ્રેસે શિવસેનાને આડકતરી રીતે ટેકો નહી આપતા હવે શિવસેના એનસીપીને ટેકો આપે છે કે નહી તેના પર સરકાર રચવાનો મદાર રહેલો છે.
એનસીપી અને કોંગ્રેસના ગઠબંધનના કારણે શિવસેનાએ આ બંને પક્ષોના અગ્રણીઓ સાથે વાતચીત કર્યાં બાદ સરકાર રચવાનો દાવો કર્યો હતો પરંતુ કોંગ્રેસ પક્ષમાં શિવસેનાને ટેકો આપવાના મુદ્દે ભારે મતભેદો સર્જાતા રાજકીય કોકડુ ગુંચવાયુ હતું અને શિવસેના બહુમતી પુરવાર કરવામાં નિષ્ફળ ગઈ હતી ત્યારબાદ હવે એનસીપીને આમંત્રણ આપવામાં આવ્યું છે જાકે એનસીપી અને કોંગ્રેસ પક્ષ સાથે મળી સરકાર રચી શકે તેવી સ્થિતિમાં નથી આ માટે બંને પક્ષોના ગંઠબંધને શિવસેનાનો ટેકો લેવો જરૂરી છે.
ભાજપ કોઈ પણ પરિસ્થિતિમાંમાં કોંગ્રેસ અને એનસીપીને ટેકો આપે તેમ નથી. શિવસેનાએ પોતાના જ મુખ્યમંત્રીની માંગ રજુ કરતા સમગ્ર મડાગાંઠ સર્જાઈ છે અને હવે આ પરિસ્થિતિમાં મહારાષ્ટ્રમાં આજે સવારથી જ એનસીપી દ્વારા બેઠકોનો દોર શરૂ કરી દેવામાં આવ્યો છે.
બીજીબાજુ કોંગ્રેસના રાષ્ટ્રીય પ્રમુખ સોનિયા ગાંધીએ પણ દિલ્હીમાં તાકિદની બેઠક બોલાવી છે અને તેમાં એનસીપીને ટેકો આપવાના મુદ્દે ચર્ચા વિચારણા કરવામાં આવનાર છે. એનસીપીને ટેકો આપવામાં કોંગ્રેસના તમામ નેતાઓ સર્વાનુમતે સહમંત થયેલા છે પરંતુ સરકાર રચવી અશ્કય છે ત્યારે હવે શિવસેના શું સ્ટેન્ડ લે છે તે મહત્વનું છે.