Western Times News

Gujarati News

નાયબ ચૂંટણી કમિશનર દ્વારા ચૂંટણી તૈયારીઓ અંગે વધુ પાંચ જિલ્લાની સમીક્ષા

election commission for voter id

ગાંધીનગર, ગુજરાત વિધાનસભા સામાન્ય ચૂંટણી ૨૦૨૨ની તૈયારીને અનુલક્ષીને કેન્દ્રીય ચૂંટણી પંચ દ્વારા આજરોજ બનાસકાંઠા, ખેડા, પાટણ, સાબરકાંઠા અને મહિસાગર જિલ્લાની સર્વગ્રાહી સમીક્ષા કરવામાં આવી હતી.

આજરોજ ગાંધીનગર ખાતે આવેલા કેન્દ્રીય ચૂંટણી પંચના નાયબ ચૂંટણી કમિશનરશ્રી હિરદેશ કુમાર, પ્રિન્સિપલ સેક્રેટરી એસ.બી.જોશી,  ડાયરેક્ટર(એકસપેન્ડીચર) શ્રી પંકજ શ્રીવાસ્તવ, ગુજરાતના મુખ્ય નિર્વાચન અધિકારી શ્રીમતી પી.ભારતીએ વિધાનસભા સામાન્ય ચૂંટણી ૨૦૨૨ અંગે થયેલી તૈયારીની સમીક્ષા બેઠક યોજી હતી.

જેમાં વિધાનસભાની સામાન્ય ચૂંટણી સંદર્ભે વિવિધ પાસાંઓ અંગે વિસ્તૃત માહિતી ઉપસ્થિત સંબંધિત જિલ્લાઓના કલેકટરશ્રીઓ અને પોલીસ અધિક્ષકો દ્વારા રજૂ કરાઇ હતી. આ તકે કેન્દ્રીય ચૂંટણી પંચના નાયબ ચૂંટણી કમિશનરશ્રી હીરદેશકુમારે ઉપસ્થિત સૌ અધિકારીઓને ચૂંટણીલક્ષી માર્ગદર્શક સૂચનો કર્યા હતા.

મુખ્ય નિર્વાચન અધિકારીશ્રીની કચેરી દ્વારા ચૂંટણીલક્ષી તૈયારીઓ અંગે પ્રેઝન્ટેશન રજૂ કરવામાં આવ્યું હતું. સાથે જ સ્ટેટ પોલીસ નોડલ ઓફિસરશ્રી નરસિંમ્હા કોમાર સાથે પણ ચૂંટણી સંબંધી તૈયારીઓ અંગે ચૂંટણી પંચના અધિકારીઓ દ્વારા બેઠક યોજવામાં આવી હતી.

અત્રે ઉલ્લેખનીય છે કે, ગુજરાત વિધાનસભાની આગામી સામાન્ય ચૂંટણીઓની પૂર્વ તૈયારીની સમીક્ષાને લઈ કેન્દ્રિય ચૂંટણી પંચની ટીમ તા.૧૬ ઓક્ટોબરથી તા.૨૦ ઓક્ટોબર સુધી ગુજરાતની મુલાકાતે છે. અત્યાર સુધીમાં ચૂંટણી પંચની ટીમ દ્વારા સૌરાષ્ટ્ર અને ઉત્તર ગુજરાતના જિલ્લાઓની ચૂંટણીલક્ષી તૈયારીઓની સમીક્ષા કરી છે. આવતીકાલે કેન્દ્રિય ચૂંટણી પંચની ટીમ સુરતમાં દક્ષિણ ગુજરાતના જિલ્લા ચૂંટણી અધિકારીશ્રીઓ સાથે સમીક્ષા બેઠક યોજશે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.