સ્વદેશી સંરક્ષણ સાધનોનું વિશ્વ કક્ષાએ વેચાણ કરવા માટે તેની ગુણવત્તા સાથે વિશ્વસનીયતા હોવી જરૂરી: સંરક્ષણ રાજ્ય મંત્રી
ડિફેન્સ એક્સ્પો – 2022 અંતર્ગત મહાત્મા મંદિર ખાતે ‘વૈશ્વિક QA પ્રેક્ટિસ’ વિષય પર પરિસંવાદ સંરક્ષણ રાજ્ય મંત્રી શ્રી અજય ભટ્ટની ઉપસ્થિતિમાં યોજાયો
બજેટમાં 68% સંરક્ષણ સાધનોની ખરીદી સ્વદેશી ઉત્પાદનોની કરવા માટે નક્કી કરવામાં આવ્યું
સ્વદેશી સંરક્ષણ સાધનોનું વિશ્વ કક્ષાએ વેચાણ કરવા માટે તેની ગુણવત્તા સાથે વિશ્વસનીયતા હોવી ખૂબ જરૂરી છે, તેવું આજરોજ ડિફેન્સ એક્સ્પો- 2022 અંતર્ગત મહાત્મા મંદિર ખાતે યોજાયેલ ‘વૈશ્વિક QA પ્રેક્ટિસ’ વિષય પર યોજાયેલ પરિસંવાદમાં સંરક્ષણ રાજ્ય મંત્રી શ્રી અજય ભટ્ટે જણાવ્યું હતું
વસુદેવ કુટુંબની ભાવના આપણામાં છે, તેવું કહી સંરક્ષણ રાજ્ય મંત્રી શ્રી ઉમેર્યું હતું કે, સંરક્ષણ સાધનો માત્ર આપણા માટે જ નહીં, પરંતુ આપણા પાડોશી દેશોને પણ ઉપયોગી થઈ શકે તેવા વિશ્વસ્તરીય ગુણવત્તાવાળા સરક્ષણ સાધનોનું ઉત્પાદન કરવું ખૂબ જરૂરી છે. આપણે આ દિશામાં અગ્રેસર છીએ, તેનો આનંદ પણ તેઓએ વ્યક્ત કર્યો હતો.
તેમણે ઉમેર્યું હતું કે, રક્ષા મંત્રાલય દ્વારા ડિફેન્સ સાધનોના ઉત્પાદન માટે અનેક નીતિ બનાવી છે. તેમજ ઉત્પાદનની ગુણવત્તા માટે કંપનીને જવાબદાર કરી રહ્યા છીએ. તેની સાથે ગુણવત્તાવાળા સંરક્ષણ સાધનોના પરીક્ષણ માટે દેશમાં આઠ સ્થળોએ રક્ષા પરીક્ષણ કેન્દ્રો બનાવવામાં આવ્યા છે. લખનઉ ખાતેના રક્ષા પરીક્ષણ કેન્દ્ર વિકસાવવામાં આવ્યું છે. તેમ જ આ કેન્દ્ર ખાતે ડિફેન્સ સાધનોની ગુણવત્તા અને અન્ય અભ્યાસ કરવા માટેની સુવિધાઓ પણ આગામી સમયમાં ઉભી કરવામાં આવશે
તેમણે જણાવ્યું હતું કે સીપરી નામની વૈશ્વિક સંસ્થા જે વિશ્વ કક્ષાએ લશ્કરનો સર્વે કરી તેનો રિપોર્ટ બહાર પાડે છે. જે સંસ્થા દ્વારા વિશ્વના 25 દેશોમાં ભારતનો સમાવેશ કરવામાં આવ્યો છે. આ રિપોર્ટમાં પ્રથમ વાર ભારત દેશનું નામ આવ્યું છે, તેની પાછળનું મુખ્ય કારણ સંરક્ષણ સાધનોમાં આપણી ગુણવત્તા અને વિશ્વસનીયતા છે. જો ગુણવત્તા અને વિશ્વસનીયતા નબળી હોત તો આપણે વિશ્વના 25 અગ્રેસર દેશોમાં આપણા નામનો સમાવેશ થતો ન હોત.
તેમણે ઉમેર્યું હતું કે સ્વદેશી સંરક્ષણ સાધનોના વ્યવસાયને પ્રોત્સાહન આપવા માટે વડાપ્રધાન શ્રી નરેન્દ્ર ભાઈ મોદીના માર્ગદર્શન હેઠળ બજેટમાં 68% સંરક્ષણ સાધનોની ખરીદી સ્વદેશી ઉત્પાદનોની કરવા માટે નક્કી કરવામાં આવ્યું છે. જેના થકી અનેક સંરક્ષણ સાધનો બનાવતી સ્વદેશી નાની મોટી કંપનીઓને પ્રોત્સાહન મળી રહ્યું છે
પ્રબળ નેતૃત્વ શક્તિ થકી જ સારું મેનેજમેન્ટ કરી શકાય છે, તેવું કહી તેમણે ઉમેર્યું હતું કે, યુ.એસ., ચાઇના અને ઇન્ડિયા જેટલું સંરક્ષણ ક્ષેત્રે મૂડી રોકાણ કોઈ અન્ય દેશ કરતો નથી. કોઈપણ ઉદ્યોગ અને વ્યવસાયના વિકાસ માટે પ્રબળ મેનેજમેન્ટ હોવું ખૂબ જરૂરી છે. આજે સંરક્ષણ ક્ષેત્રના ઉદ્યોગને વિકાસ કરવા માટે ભારતને વડાપ્રધાનશ્રી જેવું પ્રબળ નેતૃત્વ મળ્યું છે
અને જેમના ઉમદા મેનેજમેન્ટ થકી આજે આપણે વિશ્વસ્તરીય સંરક્ષણ સાધનોના ઉત્પાદન કરવા માટે સક્ષમ બન્યા છીએ. વર્ષ 2021- 22 માં રક્ષામંત્રાલય નું બજેટ 13 હજાર કરોડ રૂપિયા હતું આગામી 2025 સુધીમાં આ બજેટ 35 હજાર કરોડ સુધી પહોંચાડવાનું લક્ષ્યાંક રાખવામાં આવ્યો છે
ડી.જી. શ્રી આર.કે મલ્હોત્રાએ જણાવ્યું હતું કે,જેમ જેમ આપણો દેશ રોગચાળાની અસરોમાંથી પાછો ફરી રહ્યો છે અને આગળ વધી રહ્યો છે, ત્યારે અમે સંરક્ષણ ઉત્પાદનમાં આત્મનિર્ભરતાના ઉદ્દેશ્યને પ્રાપ્ત કરવાના ઉદ્દેશ્ય સાથે આપણા દેશમાં વ્યવસાય કરવાની સરળતાને પ્રોત્સાહન આપવા માટે શ્રેણીબદ્ધ સુધારાઓ અને મુખ્ય પહેલોના સાક્ષી છીએ.
તે જ સમયે ગુણાત્મક અને ખર્ચ અસરકારક બનવું એ આપણા સંરક્ષણ ઉદ્યોગ માટે સમયની જરૂરિયાત છે. જ્યાં આપણે તકનીકી અને ઉદ્યોગ 4.0 ધોરણો અપનાવવા તરફ આગળ વધીને ગુણવત્તા ખાતરીમાં વૈશ્વિક પ્રથાઓને અપનાવવાની જરૂર છે.
આ પરિસંવાદમાં સંરક્ષણ ક્ષેત્ર સાથે સંકળાયેલ વિવિધ કંપનીઓના પ્રતિનિધિશ્રીઓ અને સંરક્ષણ મંત્રાલયના ઉચ્ચ અધિકારીશ્રીઓ ઉપસ્થિત રહ્યા હતા.