શ્રી રાજપુત કેળવણી સહાયક મંડળ ને જી.એન.એમ. અને બી.એસ.સી નર્સિંગ કોલેજની મંજૂરી મળી
(પ્રતિનિધિ) પાલનપુર છેલ્લા ૫૦ વર્ષથી ઉત્તર ગુજરાતના પાલનપુર,વડગામ અને દાંતા તાલુકામાં શિક્ષણની જ્યોત જગાવી રહેલા બાવન વાંટા રાજપુત સમાજ પ્રેરિત શ્રી રાજપુત કેળવણી સહાયક મંડળને વડગામ-ખેરાલુ હાઇવે પર લિંબોઈ ગામ પાસે આવેલી કોલેજમાં જી.એન.એમ અને બી.એસ.સી નર્સિંગ કોલેજની મંજૂરી મળતાં આ વિસ્તારના મેડિકલ ક્ષેત્રે પોતાની કારકિર્દી બનાવવા ઈચ્છુક વિદ્યાર્થીઓ અને તેમના વાલીઓમાં હરખની હેલી સર્જાઈ છે.
રાજપુત કેળવણી મંડળના પ્રમુખશ્રી મદારસિંહ હડીયોલના જણાવ્યાનુંસાર પાલનપુર, વડગામ,દાંતા અને ખેરાલુ તાલુકાના યુવાનો પ્રોફેશનલ કોર્સિસ દ્વારા પોતાની કારકિર્દીનું ઘડતર કરી શકે તે માટે મંડળે વડગામ- ખેરાલુ હાઇવે પર લિંબોઈ ગામ પાસે ૧૦ વીઘા જમીન રાખીને તેમાં ૫૦ હજાર ચોરસફુટ જેટલું બાંધકામ કરીને કોલેજ માટેનું અધતન ભવન તૈયાર કરવામાં આવ્યું છે. આ વર્ષે અહીં જી.એન.એમ અને બી.એસ.સી નર્સિંગ કોલેજની માંગણી કરતા રાજ્ય સરકારે સકારાત્મક અભિગમ અપનાવીને બંને ફેકલ્ટીની ૬૦-૬૦ બેઠકોની મંજૂરી આપતાં હવે મેડીકલ ક્ષેત્રે પણ આ વિસ્તારના યુવાનો પોતાની કારકિર્દી બનાવીને આર્ત્મનિભર બનશે.
તેમણે રાજ્યના માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ, પ્રદેશ ભાજપના પ્રમુખશ્રી સી. આર.પાટીલ, રાજ્યના આરોગ્ય મંત્રીશ્રી ઋષિકેશભાઇ પટેલ, રાજ્યમંત્રી શ્રીમતી નીમીશાબેન સુથાર, શિક્ષણમંત્રીશ્રી કિર્તીસિંહ વાઘેલા, રાજ્યના પૂર્વ મંત્રી અને બનાસ ડેરીના ચેરમેન શ્રી શંકરભાઈ ચૌધરી, ઉ.ગુ.રાજપૂત સમાજના પ્રમુખ શ્રી જયરાજસિંહ પરમાર, જી.આઇ.ડી.સી.ના પૂર્વ ચેરમેન શ્રી બળવંતસિંહ રાજપુત, જિલ્લા ભાજપના પ્રમુખશ્રી ગુમાનસિંહ ચૌહાણ, તાલુકા ભાજપના પ્રમુખશ્રી પી.જે રાણા અને વડગામના પૂર્વ ધારાસભ્યશ્રી મણીલાલ વાઘેલા નો આભાર માનતા જણાવ્યું છે કે ગતરોજ રાજ્યના આરોગ્ય મંત્રી શ્રી ઋષિકેશભાઇ પટેલ સાથે સમાજના આગેવાનોએ બેઠક યોજીને રજૂઆત કરતા મંત્રીશ્રીએ નર્સિંગ કોલેજની મંજૂરીનો પત્ર આપતા બાવન વાંટા રાજપૂત સમાજમાં હર્ષની લાગણી છવાઈ છે.